ભારત સામે ઝૂક્યું ઍન્ટિગા : મેહુલ ચોકસીની નાગરિકતા રદ કરશે

26 June, 2019 10:46 AM IST  | 

ભારત સામે ઝૂક્યું ઍન્ટિગા : મેહુલ ચોકસીની નાગરિકતા રદ કરશે

મેહુલ ચોકસીની નાગરિકતા રદ થશે

પંજાબ નૅશનલ બૅન્કને લગભગ ૧૪ હજાર કરોડ રૂપિયાનો ચૂનો લગાવી વિદેશ ભાગનાર હીરાના વેપારી મામા મેહુલ ચોકસીની મુશ્કેલીઓ વધવાની છે. ભારતના દબાવમાં ઍન્ટિગા સરકારે મેહુલ ચોકસીની નાગરિકતાને કૅન્સલ કરવાનો નિર્ણય લીધો છે.

ઍન્ટિગાના વડા પ્રધાનના જણાવ્યા અનુસાર ‘મેહુલ ચોકસીને પહેલાં અહીંની નાગરિકતા મળી હતી, પરંતુ હવે એને રદ કરવામાં આવી રહી છે અને ભારત પ્રત્યાર્પિત કરવામાં આવી રહ્યા છે. અમે એવી કોઈ પણ વ્યક્તિને પોતાના દેશમાં નહીં રાખીશું જેના પર કોઈ પણ પ્રકારનો આરોપ લાગ્યો હોય.’ વડા પ્રધાન ગૈસ્ટન બ્રાઉનના જણાવ્યા અનુસાર ‘હવે ઍન્ટિગામાં મેહુલ ચોકસી પાસે કોઈ પણ પ્રકારનો કાયદાકીય રસ્તો બચ્યો નથી કે જેને કારણે તે બચીને ભાગી શકે. આથી તેનું ભારત પાછા ફરવું લગભગ નક્કી છે.’

તેમણે કહ્યું હતું કે હાલમાં મેહુલ ચોકસી સાથે સંકળાયેલો આ મામલો કોર્ટમાં છે આથી અમારે પૂરી પ્રક્રિયાનું પાલન કરવું પડશે. ઍન્ટિગાના વડા પ્રધાને કહ્યું હતું કે ‘તેમણે તેને લઈને ભારત સરકારને પૂરી જાણકારી આપી દીધી છે. જોકે મેહુલ ચોકસીને તમામ પ્રકારની કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરવાનો સમય આપવામાં આવશે. જ્યારે તેની પાસે કોઈ પણ કાયદાકીય ઑપ્શન નહીં બચશે ત્યારે તેને ભારતને પ્રત્યર્પિત કરી દેવામાં આવશે.’

ભારતીય એજન્સીઓ તેના પ્રત્યર્પણના પ્રયાસમાં લાગેલી છે. ઍન્ટિગાની કોર્ટમાં મેહુલના કેસમાં આગામી મહિને સુનાવણી કરવામાં આવશે.જણાવી દઈએ કે મેહુલ ચોકસી પીએનબી સ્કૅમમાં મુખ્ય આરોપી નીરવ મોદીનો બિઝનેસ પાર્ટનર અને મામા છે. લાંબા સમયથી તે ભારત છોડી ઍન્ટિગામાં રહેતો હતો. તેણે એક ‌વિડિયો જાહેર કરી પોતાને ઍન્ટિગાનો નાગરિક પણ જણાવ્યો હતો.

બીજી તરફ, પીએનબી ગોટાળાના આરોપી મેહુલ ચોકસી પર મુંબઈ હાઈ કોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. હાઈ કોર્ટે ચોકસીને કહ્યું છે કે તેઓ સ્વાસ્થ્ય સંબંધી તપાસનાં પેપર્સ મુંબઈની સરકારી હૉસ્પિટલમાં મોકલે. કોર્ટે કહ્યું છે કે હૉસ્પિટલના મુખ્ય કાર્ડિયોલૉજિસ્ટ રિપોર્ટનો અભ્યાસ અને ઍનૅલિસિસ કર્યા બાદ કોર્ટને જણાવશે કે તે ભારતનો પ્રવાસ કરવા માટે ફિટ છે કે નહીં.

આ પણ વાંચો:છૂટાછેડા આપ્યા પછી પત્નીને ઘરકામ પેટે ૧.૨૦ કરોડ પતિએ ચૂકવવા પડશે

ચોકસીએ ગયા સપ્તાહે કહ્યું હતું કે તેનું સ્વાસ્થ્ય ખરાબ છે. ગયા વર્ષે સર્જરી બાદ ડૉક્ટર્સે લાંબી મુસાફરી કરવાની ના પાડી હતી. ભારતીય એજન્સીઓ ઇચ્છે તો ઍન્ટિગા આવીને પૂછપરછ કરી શકે છે. ત્યાર બાદ ઈડીએ મુંબઈની કોર્ટમાં એફિડેવિટ કરીને કહ્યું હતું કે ચોકસીને મેડિકલ સુપરવિઝનમાં ભારત લાવવા માટે ઍર ઍમ્બ્યુલન્સ આપવા માટે તૈયાર છે.

national news gujarati mid-day