રાજસ્થાન પોલીસે પહલુ ખાન વિરુદ્ધ ગો તસ્કરીની કલમ હેઠળ ગુનો નોંધ્યો

30 June, 2019 09:03 AM IST  |  અલવર

રાજસ્થાન પોલીસે પહલુ ખાન વિરુદ્ધ ગો તસ્કરીની કલમ હેઠળ ગુનો નોંધ્યો

અશોક ગહલોત

રાજસ્થાન પોલીસે ગો તસ્કરી હેઠળ પહલુ ખાન વિરુદ્ધ આરોપનામું દાખલ કર્યું છે. આરોપનામામાં પહલુ ખાન તેમ જ તેના બે પુત્રો ઉપર પણ ગોતસ્કરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. રાજસ્થાન બોવાઇન ઍનિમલ ઍક્ટ હેઠળ પહલુ ખાન વિરુદ્ધ કલમ ૬ હેઠળ ગુનો નોંધાયો છે, જ્યારે તેના બે પુત્રો ઇર્શાદ (૨૫) અને આરિફ (૨૨) વિરુદ્ધ કલમ ૫, ૮ અને ૯ હેઠળ ગુનો દાખલ કરાયો છે. માલ-ઢોરને લઈ જઈ રહેલા પહલુ ખાનને ૨૦૧૭માં અલવરમાં ટોળાએ માર મારતાં તેની હત્યા કરી હતી.

એ વખતે રાજસ્થાનમાં બીજેપીની સરકાર સત્તામાં હતી અને હવે કૉન્ગ્રેસ સરકારે ચાર્જશીટ દાખલ કરી છે. આ મામલે એઆઇએમઆઇએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કૉન્ગ્રેસ પર પ્રહાર કર્યો છે. તેમણે જણાવ્યું કે સત્તા મળતાં કૉન્ગ્રેસ પણ બીજેપીની નકલ કરવા લાગી છે. બીજેપીના નેતા જ્ઞાન દેવે પણ કૉન્ગ્રેસને આડેહાથ લેતાં જણાવ્યું કે રાજ્ય સરકાર ચાર્જશીટ દાખલ કરવાનો શ્રેય લઈ રહી છે.

શનિવારે ઓવૈસીએ ટ્‌વીટ કરીને જણાવ્યું કે રાજસ્થાનમાં મુસલમાનોએ એક વાત સમજવી જોઈએ કે સત્તા મેળવ્યા બાદ કૉન્ગ્રેસ પણ બીજેપીની કૉપી બની ગઈ છે. તેમણે વધુમાં જણાવ્યું કે મુસલમાનોએ પોતાનું એક અલગ સ્વતંત્ર રાજકીય પ્લૅટફૉર્મ તૈયાર કરવું જોઈએ. ૭૦ વર્ષ વીતી ગયાં છે અને હવે પરિવર્તનનો સમય આવી ગયો છે.

ચાર્જશીટ વિશે અશોક ગહલોતે કહ્યું છે કે ‘આ કેસની તપાસ અમારા પહેલાંની સરકારમાં થઈ છે. ચાર્જશીટ અમારી સરકારના સમયમાં દાખલ થઈ છે. અમે તપાસ કરાવીશું કે પહેલાંની સરકારમાં તપાસ યોગ્ય રીતે થઈ છે કે નહીં. જો તપાસમાં કઈ પણ ગોટાળો દેખાશે તો અમે ફરી આ કેસની તપાસ કરીશું.

આ પણ વાંચો : સ્મૃતિ ઈરાનીએ 12 વર્ષ જૂનો ફોટો કર્યો શેર, લોકોએ કર્યો પસંદ

૨૦૧૭માં પહલુ ખાન પશુઓને લઈને જઈ રહ્યો હતો ત્યારે ટોળાએ ગોતસ્કરીની આશંકાએ તેની માર મારીને હત્યા કરી નાખી હતી. અહેવાલો મુજબ પહલુ ખાન વિરુદ્ધ દાખલ કરાયેલી ચાર્જશીટમાં પશુઓની હેરફેર માટે ઉપયોગમાં લેવાયેલી ગાડીના માલિકના નામનો પણ સમાવેશ છે. બહરોર નજીક લિન્ચિંગની ઘટના બની હતી.

rajasthan Ashok Gehlot national news