આવનારા દાયકામાં ભારત પોતાનું સ્પેસ સ્ટેશન અવકાશમાં મોકલશે : નરેન્દ્ર મોદી

16 August, 2025 09:01 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નરેન્દ્ર મોદીએ તાજેતરનાં વર્ષોમાં અવકાશ ક્ષેત્રમાં થયેલા સુધારાઓની પ્રશંસા કરીને કહ્યું

પ્રતીકાત્મક તસવીર

શુક્રવારે સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘ભારત અવકાશ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે અને આગામી વર્ષોમાં દેશ પોતાનું અવકાશમથક બનાવશે. અમે અવકાશમાં આત્મનિર્ભર ભારત ગગનયાન માટે પણ તૈયારી કરી રહ્યા છીએ. અમે આપણું પોતાનું અવકાશમથક બનાવવા માટે પણ કામ કરી રહ્યા છીએ.’

અગાઉ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO-ઇસરો)ના અધ્યક્ષ વેન્કૈયા નાયડુએ જુલાઈમાં કહ્યું હતું કે ‘ભારત ૨૦૩૫ સુધીમાં પોતાનું અવકાશમથક બનાવવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે. એના પ્રથમ તબક્કામાં અવકાશમથકનું પ્રથમ મૉડ્યુલ ૨૦૨૮ સુધીમાં ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માત્ર ભારતની વૈજ્ઞાનિક ક્ષમતાઓનું પ્રદર્શન કરશે નહીં, પરંતુ અવકાશ ક્ષેત્રમાં ઉપલબ્ધ વ્યવસાયિક તકોનો લાભ લેવામાં પણ મદદ કરશે.’

નરેન્દ્ર મોદીએ તાજેતરનાં વર્ષોમાં અવકાશ ક્ષેત્રમાં થયેલા સુધારાઓની પ્રશંસા કરીને કહ્યું હતું કે ‘આજે દેશમાં ૩૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સ ફક્ત અવકાશ ક્ષેત્ર પર જ કામ કરી રહ્યાં છે. આ ૩૦૦ સ્ટાર્ટઅપ્સમાં હજારો યુવાનો સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહ્યા છે. આ મારા દેશના યુવાનોની તાકાત છે અને આ આપણા દેશના યુવાનો પર અમારો વિશ્વાસ છે.’

ગગનયાન ભારત માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે. એનો ઉદ્દેશ સમાનવ અવકાશ-ઉડાનમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાનો છે. આ ભારતને ૨૦૩૫ સુધીમાં સ્વદેશી અવકાશ સ્ટેશન બનાવવા અને ૨૦૪૦ સુધીમાં ચંદ્ર પર ભારતીયને ઉતારવાના એના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરશે.

independence day narendra modi red fort new delhi indian space research organisation isro national news news