હિંસાની ઘટના વચ્ચે પશ્ચિમ બંગાળમાં ચોથા તબક્કામાં ૭૬.૧૬ ટકા મતદાન

11 April, 2021 11:28 AM IST  |  Kolkata | Agency

ચૂંટણી પંચે આપી સીઆઇએસએફને ક્લીન ચિટ, આત્મરક્ષણ માટે કરેલા ગોળીબારમાં ચાર લોકોનાં મોત

મતદાન માટે પત્ની ડોના સાથે કતારમાં ઊભો રહેલો સૌરવ ગાંગુલી.

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં પાંચ જિલ્લાના ૪૪ મત ક્ષેત્રોમાં કુલ ૭૬.૧૬ ટકા મતદાન નોંધાયું હતું. કૂચ બિહાર જિલ્લામાં સૌથી વધારે ૭૯.૫૩ ટકા મતદાન નોંધાયું હતું. મતવિસ્તારોમાં ભાનગરમાં ૮૫.૧૨ ટકા અને નાતાબારીમાં ૮૪.૫૦ ટકા મતદાન નોંધાયું હતું. સૌથી ઓછું ૬૬.૨૩ ટકા મતદાન બેહાલા પૂર્બા મતવિસ્તારમાં નોંધાયું હતું. કૂચ બિહારમાં થયેલી હિંસાની ઘટનામાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. ચોથા તબક્કામાં કૂચ બિહાર, અલીપુરદ્વાર, દ​ક્ષિણ ૨૪ પરગણા, હાવડા અને હુગલી જિલ્લાના ૪૪ મત ક્ષેત્રોના ૩૭૩ ઉમેદવારોના ભવિષ્ય ઇવીએમમાં બંધ થયા છે. રાજ્ય વિધાનસભાની ચૂંટણીનું પાંચમા તબક્કાનું મતદાન ૧૭ એપ્રિલે યોજાશે. મતગણતરી બીજી મેએ યોજાશે. 
કૂચબિહારમાં મતદાન દરમ્યાન થયેલી હિંસાની ઘટનામાં ગઈ કાલે ચૂંટણીપંચે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (સીઆઇએસએફ)ને ક્લીન ચિટ આપી હતી. ચૂંટણીપંચના જણાવ્યા પ્રમાણે મોટી સંખ્યામાં લોકોએ તેમને ઘેરી લેતાં સ્વબચાવમાં તેમણે ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે લોકો તેમની રાઇફલને આંચકી લેવાનો પ્રયાસ કરતા હતા. જોકે આ મામલે ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ અને પોલીસ સુપરિન્ટેન્ડન્ટ પાસેથી વિગતવાર અહેવાલ રજૂ કરવા જણાવાયું છે. 

national news west bengal