અમેરિકન વિઝાની અપૉઇન્ટમેન્ટ માટે ૫૦૦થી વધુ દિવસનું વેઇટિંગ

19 August, 2022 08:55 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

યુકે સહિત અન્ય કેટલાક દેશોમાં પણ વિઝા માટે ખૂબ રાહ જોવી પડે છે

પ્રતીકાત્મક તસવીર

ભણવા કે કામ કરવા કે ટૂર માટે ફૉરેન જતા ભારતીયોએ હાલ વિઝા મેળવવા માટે ખૂબ જ રાહ જોવી પડે છે. અમેરિકન સરકારની વેબસાઇટ Travel.State.Gov અનુસાર નવી દિલ્હીમાં અમેરિકન કૉન્સ્યુલેટમાં વિઝિટર વિઝા માટે વિઝા અપૉઇન્ટમેન્ટ માટે ઍવરેજ વેઇટિંગ પિરિયડ ૫૨૨ દિવસ, જ્યારે સ્ટુડન્ટ વિઝા માટે ૪૭૧ દિવસનો ઍવરેજ વેઇટિંગ પિરિયડ છે. મુંબઈમાં પણ વિઝિટર વિઝા માટે અમેરિકન વિઝા અપૉઇન્ટમેન્ટ માટે ઍવરેજ વેઇટિંગ સમય ૫૧૭ દિવસનો છે.

અમેરિકન વિઝા ઇન્ટરવ્યુ સ્લૉટ માટે રાહ જોનારા ઍપ્લિકન્ટ્સની સંખ્યા ચાર લાખ પર પહોંચી છે. કૅનેડા માટે પણ આવી જ સ્થિ​તિ છે કે જ્યાં બૅકલોગ ૨૦ લાખથી વધુનો છે. યુકે જવા ઇચ્છનારા લોકોએ પણ ખૂબ રાહ જોવી પડે છે. ફ્રાન્સ અને આઇસલૅન્ડ સહિતના કેટલાક દેશોમાં વિઝા અપૉઇન્ટમેન્ટ્સ માટે કોઈ સ્લૉટ્સ નથી.

અમેરિકન એમ્બેસી આ વેઇટિંગ સમયગાળો ઘટે એના માટે કામ કરી રહી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે કૉન્સ્યુલર સ્ટાફ વધારીને અને ચોક્કસ પ્રકારના વિઝાને પ્રાયૉરિટી આપીને વેઇટિંગ સમયગાળો ઘટાડવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મહામારી બાદ વિઝા માટે ઍપ્લિકેશન્સની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે, જેના લીધે વિલંબ થઈ રહ્યો છે. કૅનેડિયન હાઈ કમિશનના સ્પોક્સ પર્સને કહ્યું હતું કે ‘૨૦૨૧માં મહામારી હોવા છતાં કૅનેડિયન સરકારે ચાર લાખથી વધુ નવા પર્મેનન્ટ રેસિડન્ટ્સને આવકાર્યા હતા, જેમાંથી ૩૨ ટકા ભારતીયો છે.’

national news united states of america india