15 January, 2026 12:14 PM IST | Telangana | Gujarati Mid-day Correspondent
તેલંગણનાં કેટલાંક ગામોમાં કૂતરાઓને ઝેરી ઇન્જેક્શન્સ આપવામાં આવ્યાં હતાં.
તેલંગણનાં કેટલાંક ગામોમાં ગ્રામપંચાયતની ચૂંટણી પછી બહુ મોટી સંખ્યામાં રખડુ કૂતરાઓની હત્યા થવાના કિસ્સા બહાર આવ્યા છે. લગભગ એક વીકમાં અલગ-અલગ જિલ્લાઓમાં થઈને લગભગ ૫૦૦થી વધુ કૂતરાઓની હત્યા થઈ છે. પોલીસનું કહેવું છે કે આ ઘટનાઓમાં ગ્રામપંચાયતની ભૂમિકા હોવાનું લાગી રહ્યું છે. તાજો દાખલો કામારેડ્ડી જિલ્લાનો છે. અહીં પાંચ ગામોમાં છેલ્લા ૩ દિવસમાં ૨૦૦ આવારા કૂતરાઓને મારવાનો આરોપ છે. પોલીસે પાંચેય ગામના સરપંચો સહિત છ લોકો સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યો છે.
બીજાં ૩ ગામોમાં પણ ૩૦૦ રખડુ કૂતરાઓનાં મૃત્યુ થયાં હોવાનું નોંધાયું છે. બે મહિલા સરપંચ અને તેમના પતિઓ સાથે કુલ ૯ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
એવું કહેવાઈ રહ્યું છે કે ચૂંટણી વખતે પંચાયતોએ ગામલોકોને વચન આપ્યું હતું કે ગામને રખડુ કૂતરાઓ અને વાંદરાઓની સમસ્યાથી છુટકારો અપાવશે. પંચાયતે કૂતરાઓને ઝેર આપીને પતાવી નાખવા માટે માણસોને પૈસા આપીને કામ કરાવ્યું હતું.