જમ્મુમાં આર્મી કૅમ્પ પરના હુમલામાં ત્રણ જવાન શહીદ

12 August, 2022 08:45 AM IST  |  Jammu | Gujarati Mid-day Correspondent

બન્ને ફિદાયીન આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા

પ્રતીકાત્મક તસવીર

જમ્મુના રાજૌરી જિલ્લામાં એક આર્મી કૅમ્પ પર ગઈ કાલે વહેલી સવારે બે આતંકવાદીઓના ફિદાયીન હુમલામાં ત્રણ સૈનિકો શહીદ થયા હતા. સામસામે ચાર કલાક સુધી ચાલેલા ગોળીબારમાં આ બન્ને હુમલાખોરોને ઠાર મારવામાં આવ્યા હતા. અધિકારીઓ અને સાક્ષીઓ અનુસાર બુધવારે રાત્રે બે વાગ્યાની આસપાસ સૌપ્રથમ ગોળીબારનો અવાજ સંભાળાયો હતો કે જ્યારે આ આતંકવાદીઓએ જમ્મુથી ૧૮૫ કિલોમીટરના અંતરે આવેલા પરગલ ખાતે આ કૅમ્પની બહારની ફેન્સ તોડીને ઘૂસવાની કોશિશ કરી હતી.

ઇન્ડિપેન્ડન્સ ડેના ચાર દિવસ પહેલાં આ હુમલો થયો છે. લગભગ ત્રણ વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરમાં ફિદાયીન (સુસાઇડ) અટૅક થયો છે. છેલ્લે દ​ક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં લેથપોરામાં ૨૦૧૯ની ૧૪ ફેબ્રુઆરીએ સુસાઇડ અટૅક થયો હતો, જેમાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતા.

ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ દિલબાગ સિંહે કહ્યું હતું કે  ‘ગઈ કાલે હુમલો કરનારા આ બે ફિદાયીન પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદના હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેઓ કૅમ્પમાં પ્રવેશવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ ઠાર મારવામાં આવ્યા હતા. આ ગોળીબારમાં આર્મીના છ જવાન ઇન્જર્ડ થયા હતા, જેમાંથી ત્રણ શહીદ થયા હતા. દરહાલ પોલીસ સ્ટેશનથી લગભગ છ કિલોમીટરસ્થિત આર્મી કૅમ્પમાં વધારાની ફોર્સિસને મોકલવામાં આવી છે તેમ જ સર્ચ ઑપરેશન પણ કરવામાં આવ્યું છે.’

national news jammu and kashmir