✕

ઑપરેશન સિંદૂર વખતે ગુજરાતના દરિયાકાંઠે ચીનની ત્રણ જાસૂસી સૅટેલાઇટની બાજનજર હતી

25 November, 2026 03:15 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

૨૦૨૫ની ૨૨ એપ્રિલે પહલગામમાં થયેલા આતંકી હુમલાના ૬ દિવસ પહેલાં પણ એક ચીની સૅટેલાઇટે એ વિસ્તાર પર ફેરા બમણા કર્યા હતા, જે હુમલામાં ૨૬ નાગરિકોનાં મોત થયાં હતાં.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ગયા વર્ષે ઑપરેશન સિંદૂર દરમ્યાન ચીનની ત્રણ જાસૂસી સૅટેલાઇટ ગુજરાતના દરિયાકાંઠા પર સતત નજર રાખી રહી હતી. બૅન્ગલોર સ્થિત સ્પેસ સર્વેલન્સ કંપની ‘દિગંતરા’ના અહેવાલમાં આ ચોંકાવનારો ખુલાસો થયો હતો. રેડિયોફ્રીક્વન્સી ટ્રૅકિંગ અને ઇલેક્ટ્રૉનિક ઇન્ટેલિજન્સ (ELINT)થી સજ્જ આ સૅટેલાઇટ ૧૦ અને ૧૧ મેએ ભુજ, નલિયા અને જામનગર આસપાસના વિસ્તારો પર કેન્દ્રિત હતી. ઉપરાંત ૨૦૨૫ની ૨૨ એપ્રિલે પહલગામમાં થયેલા આતંકી હુમલાના ૬ દિવસ પહેલાં પણ એક ચીની સૅટેલાઇટે એ વિસ્તાર પર ફેરા બમણા કર્યા હતા, જે હુમલામાં ૨૬ નાગરિકોનાં મોત થયાં હતાં.

૪ દિવસના સંઘર્ષમાં મુખ્ય કાર્યવાહી જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં હતી, પરંતુ વ્યૂહાત્મક મહત્ત્વ જોતાં ચીને ગુજરાત પર દેખરેખ વધારી હતી. ૭ મેએ ઑપરેશન શરૂ થતાં જ સૅટેલાઇટ‍્સે ભ્રમણકક્ષા બદલીને ભારતીય સૈન્ય મથકો પર નજર રાખી હતી. ૭થી ૧૦ મે દરમ્યાન કચ્છ સરહદ, ભુજ, નલિયા અને જામનગરમાં ડ્રોન ગતિવિધિ; બ્લૅકઆઉટ; ઍર રેઇડ અલર્ટ; ઍરપોર્ટ બંધ કરવા અને બંદરોની કામગીરી રોકવા જેવાં પગલાં લેવાયાં હતાં. પાકિસ્તાને ભુજ સહિતનાં મથકોને ડ્રોન અને મિસાઇલથી નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

ભુજ-નલિયાના ઍરબેઝ અને નેવીનાં મથકો ઉપરાંત જામનગર સ્થિત રિલાયન્સની રિફાઇનરી અને બંદર પણ ચીની સૅટેલાઇટની નજરમાં હતાં. મનોહર પર્રિકર ઇન્સ્ટિટ્યૂટ ફૉર ડિફેન્સ સ્ટડીઝ ઍન્ડ ઍનૅલિસિસ (MP-IDSA)ના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ અને નિવૃત્ત ગ્રુપ કૅપ્ટન અજય લેલેએ કહ્યું કે સૅટેલાઇટની એક તસવીર પણ દરિયાઈ જહાજોની હિલચાલનો અંદાજ આપવા પૂરતી હોય છે અને સંઘર્ષ વખતે વિવિધ વિસ્તારોની ગુપ્ત માહિતી નિર્ણાયક બને છે.

china gujarat operation sindoor indian navy jamnagar reliance pakistan kutch bhuj news terror attack national news gujarati mid day gujarat news Pahalgam Terror Attack