આસામમાં 50થી વધુ અને બિહારમાં 29 લોકોનાં મૃત્યુ

16 July, 2019 09:11 AM IST  |  નવી દિલ્હી

આસામમાં 50થી વધુ અને બિહારમાં 29 લોકોનાં મૃત્યુ

પૂરપ્રકોપ

ભારે વરસાદને પગલે દેશના ઘણા ભાગોમાં પૂરનાં દૃશ્યો જોવા મળ્યાં છે, જ્યારે ગુજરાતમાં વરસાદની અછત જોવા મળી રહી છે. દેશના આસામ, મેઘાલય, બિહાર અને ઉત્તર પ્રદેશમાં પૂરપ્રકોપને કારણે ૩૫ લાખથી વધુ લોકો પ્રભાવિત છે, જ્યારે પાડોશી દેશ નેપાલમાં પણ ભયાનક પૂરથી તબાહી મચી ગઈ છે. હવામાન વિભાગે ૨૪ કલાકમાં ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરી છે. આસામમાં ૫૦ લોકોથી વધુનાં લોકોનાં મોત થયાં છે જ્યારે બિહારમાં ૨૯ લોકો મોતને ભેટ્યા છે.

રિપોર્ટ મુજબ ૨૮ જિલ્લાઓમાંના બારપેટમાં સૌથી વધારે તબાહી થઈ છે, જ્યાં સૌથી વધુ ૭.૩૫ લાખ લોકોને અસર થઈ છે, જ્યારે અન્ય મોરી ગામ અને ધુબરી સહિત ૬.૩૮ લાખ લોકો અસરગ્રસ્ત છે. પ્રાપ્ત જાણકારી અનુસાર શનિવાર સુધી પૂરપીડિત જિલ્લાઓની સંખ્યા ૨૫ છે અને અંદાજિત ૧૪.૦૬ લાખ લોકો પૂરની ઝપેટમાં આવ્યા છે.

એક અધિકારીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર પરિસ્થિતિ સાથે વ્યવહાર કરવામાં સક્ષમ છે. ગયા વર્ષે અમને કેન્દ્રમાંથી ૫૯૦ કરોડ રૂપિયા મળ્યા હતા. અમારી પાસે પૂરતું ભંડોળ છે અને જિલ્લાઓ માટે ૫૫.૮૫ કરોડ રૂપિયા પહેલાંથી જ રિલીઝ કરી દીધા છે. ૭૦ ટકા કાઝીરંગા નૅશનલ પાર્ક પણ અસરગ્રસ્ત છે. એમાં એક શિંગડાવાળા ગેંડાઓનો વસવાટ છે અને એ વિશ્વવારસોની જગ્યા છે. બ્રહ્મપુત્રા નદી ગુવાહાટી, નિમાટી ઘાટ, સોનીપુર, ગોલપારા અને ધુબરીમાં જોખમી નિશાનથી ઉપર વહે છે.

પૂર્વોત્તર રાજ્યોમાં ઘણી નદીઓનાં પાણીના સ્તરમાં વધારો થવાને લીધે પૂરની સ્થિતિ ભયાનક બની છે. એકલા મેઘાલયમાં ૭૫,૦૦૦ લોકો ઘરવિહીન બન્યા છે. આર્મીના એકમોએ રાહત અને બચાવકાર્યમાં ઝડપથી વધારો કર્યો છે.

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કાશ્મીર અને પંજાબમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં ઉત્તરા ખંડ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા અને ચંડીગઢમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગે જણાવ્યા મુજબ ૧૮ જુલાઈ બાદ ઓડિશા અને છત્તીસગઢના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થવાનું અનુમાન છે; જ્યારે આગામી ૩-૪ દિવસમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને તેલંગણમાં ઓછા વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો : ગેલ સાથે ફોટો શૅર થયા પછી ટ્રોલ થયો માલ્યા, ટ્વીટ કરી આપ્યો જવાબ

હવામાન વિભાગે જણાવ્યા મુજબ ૧૫ જુલાઈએ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, નાગાલૅન્ડ, મણિપુર, હિમાચલ પ્રદેશ, મણિપુર-મિઝોરમ, જમ્મુ-કાશ્મીર, નૉર્થ પંજાબ, નૉર્થ હરિયાણા, ચંડીગઢ, ઉત્તર પ્રદેશ, કોકણ અને ગોવા, કોસ્ટલ કર્ણાટક, તામિલનાડુ, પુડુચેરી અને કરાઇકલમાં વરસાદનું અનુમાન છે.

assam bihar national news