દેશનાં ૨૦ બાળકોને વીર બાલ દિવસ પર અપાયો રાષ્ટ્રીય બાલ પુરસ્કાર

27 December, 2025 08:41 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

નરેન્દ્ર મોદી આ બાળકોને મળ્યા ત્યારે કહ્યું, ‘જેન-ઝી અને જેન-આલ્ફા જ આપણને વિકસિત ભારતના લક્ષ્ય સુધી લઈ જશે’

તમામ અવૉર્ડવિનર બાળકો સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ.

ગઈ કાલે વીર બાલ દિવસ નિમિત્તે દેશનાં ૨૦ બાળકોને તેમનાં સાહસિક કામો અને રમતગમત, વિજ્ઞાન તથા કળાના ક્ષેત્રમાં વિશેષ યોગદાન બદલ ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર’ આપવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તેમને આ અવૉર્ડ આપવામાં આવ્યો હતો. અવૉર્ડ-સમારંભ પછી નરેન્દ્ર મોદી આ બાળકોને મળ્યા હતા અને એ વખતે કહ્યું હતું કે ‘હું ભારતના યુવાનો પાસેથી એ જ અપેક્ષા રાખું છું કે મોટાં સપનાં જુઓ, ખૂબ મહેનત કરો અને તમારા આત્મવિશ્વાસને કદી નબળો ન પડવા દો. જેન-ઝી અને જેન-આલ્ફા જ આપણને વિકસિત ભારતના લક્ષ્ય સુધી લઈ જશે.’

ક્યારથી શરૂ થયા આ અવૉર્ડ?

વીર બાલ દિવસ ગુરુ ગોવિંદ સિંહજીના ૪ દીકરાઓની શહાદતના સન્માનમાં મનાવવામાં આવે છે. ગુરુ ગોવિંદ સિંહને ત્રણ પત્નીથી ચાર દીકરાઓ એટલે કે સાહિબજાદાઓ હતા જેનાં નામ હતાં અજિત, જુઝાર, જોરાવર અને ફતેહ. ૧૭૦૫ની ૨૬ ડિસેમ્બરે આ ચાર દીકરાઓની મુગલસેનાએ હત્યા કરી નાખી હતી. તેમની શહાદતના સન્માન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૨માં દર વર્ષે ૨૬ ડિસેમ્બરે વીર બાલ દિવસ મનાવવાની ઘોષણા કરી હતી.

કોને મળ્યા અવૉર્ડ?

. છ વર્ષના બાળકને વીજળીના આંચકાથી બચાવવા જતાં જીવ ગુમાવનારી તામિલનાડુની ૯ વર્ષની વ્યોમા પ્રિયાને તેની બહાદુરી માટે મરણોપરાંત અવૉર્ડ આપવામાં આવ્યો હતો.

. બીજા બાળકને ડૂબતો જોઈને તેને બચાવવા માટે પાણીમાં કૂદી પડેલા બિહારના ૧૧ વર્ષના કમલેશ કુમારે બીજા બાળકને બચાવી લીધો, પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેની બહાદુરી માટે કમલેશ કુમારને મરણોત્તર અવૉર્ડ અપાયો હતો.

. કેરલાના ૧૧ વર્ષના મોહમ્મદ સિદ્દાને તેના બે દોસ્તોનો જીવ બચાવ્યો હતો. પલક્કડમાં બે દોસ્તોને કરન્ટ લાગ્યો હતો એ વખતે સમયસૂચકતા વાપરીને તેણે લાકડીની મદદથી બન્ને મિત્રોને કરન્ટની ચપેટમાંથી છોડાવ્યા હતા.

. ઉત્તર પ્રદેશના ૯ વર્ષના અજય રાજે પોતાના પિતાને મગરમચ્છની પકડમાંથી બચાવ્યા હતા. તેણે મગરને લાકડીથી જોરજોરથી ફટકારવાનું શરૂ કરી દેતાં મગર તેના પિતાને છોડીને નદીમાં ભાગી ગયો હતો.

. મિઝોરમની ૯ વર્ષની એસ્થર લાલદુહાવમી હનામત દેશભક્તિનાં ગીતો અને દેશને ગૌરવ થાય એવાં ગીતો ગાઈને તેના સુરીલા અવાજથી લાખો સ્થાનિક લોકોનાં દિલને સ્પર્શી ગઈ છે.

. તબલાવાદનની અનોખી પ્રતિભાથી પશ્ચિમ બંગાળની ૧૬ વર્ષની સુમન સરકારે વિશ્વસ્તરે પ્રશંસા મેળવી છે.

. ઉત્તર પ્રદેશના બારાબંકીની ૧૭ વર્ષની પૂજાએ આસપાસના લોકોને પ્રદૂષણથી પરેશાન થતા જોઈને એવું થ્રેશર મશીન બનાવ્યું છે જેનાથી ધૂળ-માટી ઓછી ઊડે છે અને વાયુપ્રદૂષણને રોકવામાં કારગત નીવડે છે.

. પંજાબના ફિરોઝપુરમાં રહેતા ૧૦ વર્ષના શ્રવણ સિંહે ઑપરેશન સિંદૂર દરમ્યાન સીમા પર કાર્યરત સૈનિકોને રોજિંદી જરૂરિયાતની ચીજો પહોંચાડીને પોતાનાથી બનતી સહાય કરી હતી.

. પંજાબના ચંડીગઢના ૧૭ વર્ષના વંશ તાયલે બાળપણમાં ખૂબ જ હાડમારીઓ વેઠી હોવાથી કરુણાથી પ્રેરાઈને વિશેષ જરૂરિયાત ધરાવતાં બાળકોના રીહૅબિલિટેશન માટે કામ કર્યું છે.

૧૦. આસામની ૧૪ વર્ષની એશી પ્રિયા બોરાએ પર્યાવરણને બચાવવા માટે ટકાઉ અને કુદરતી ખેતી પદ્ધતિ અને મલ્ચિંગ ટેક્નિકનો પ્રસાર કરવાનું કામ કર્યું છે.

૧૧. મહારાષ્ટ્રનો ૧૭ વર્ષનો અર્ણવ અનુપ્ર્રિયા મહર્ષિ દિવ્યાંગ ઇનોવેટર છે. તેણે પોતાના જીવનની રોજબરોજની અગવડોના ઉકેલરૂપે આર્ટિફિશ્યલ ઇન્ટેજિલન્સ (AI) બેઝ્ડ રીહૅબિલિટેશન ટૂલ્સ વિકસાવ્યાં છે.

૧૨. આંધ્ર પ્રદેશની ૧૭ વર્ષની દિવ્યાંગ પૅરા-ઍથ્લીટ શિવાની હોસુર ઉપારાએ શૉટપુટ અને જૅવલિન થ્રોમાં દેશને ગૌરવ અપાવનારી અચીવમેન્ટ્સ મેળવી છે.

૧૩. બિહારનો ૧૪ વર્ષનો વૈભવ સૂર્યવંશી રેકૉર્ડબ્રેકિંગ પર્ફોર્મન્સ સાથે યંગેસ્ટ ક્રિકેટર છે જેણે IPL જેવી ટુર્નામેન્ટમાં ફાસ્ટેસ્ટ ભારતીય સેન્ચુરિયનનો ખિતાબ આ ઉંમરે મેળવી લીધો છે.

૧૪. છત્તીસગઢના નક્સલવાદી અસરગ્રસ્ત વિસ્તારમાં ઊછરેલી ૧૪ વર્ષની યોગિતા મંડાવીએ રાષ્ટ્રીય સ્તરે ખેલો ઇન્ડિયામાં જુડોમાં પ્રશંસનીય પ્રદર્શન કર્યું હતું.

૧૫. ગુજરાતના સુરતની ૭ વર્ષની વાકા લક્ષ્મી પ્રજ્ઞ‌િકાએ અન્ડર-7 વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપમાં તેની પ્રતિભાથી વિશ્વને દંગ કરી નાખ્યું છે.

૧૬. હરિયાણાના સિરસાની ૧૭ વર્ષની જ્યોતિ ઇન્ટરનૅશનલ સ્તરની પૅરા-ઍથ્લીટ છે અને મેડલ વિનિંગ પર્ફોર્મન્સથી તેણે પોતાની ક્ષમતા, દૃઢશક્તિનો પરિચય આપ્યો છે.

૧૭. ઝારખંડના રાંચીની ૧૪ વર્ષની અનુષ્કા કુમારી તેની ગોલ-સ્કોરિંગ ક્ષમતાને કારણે ભારતીય અન્ડર-17 વિમેન્સ ફુટબૉલ ટીમમાં સ્થાન પામી છે.

૧૮. કર્ણાટકના બૅન્ગલોરની ૧૫ વર્ષની ધિનિધિ દેસિંઘુ એક પ્રતિભાશાળી સ્વિમર છે જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને ગર્વ અપાવ્યો છે અને તે યંગેસ્ટ ભારતીય બની છે જેણે ૨૦૨૪માં પૅરિસ ઑલિમ્પિક્સમાં ભાગ લીધો હતો.

૧૯. ઓડિશની ૧૬ વર્ષની જ્યોશના સાબર યંગ પાવરફુલ વેઇટલિફ્ટર છે જેણે યુથ એશિયન રેકૉર્ડ બનાવ્યો છે અને ભારત માટે ઇન્ટરનૅશનલ મેડલ્સ જીતી આવી છે.

૨૦. તેલંગણનો ૧૬ વર્ષનો વિશ્વનાથ કાર્તિકેય પડકાંતી જાંબાઝ માઉન્ટેનિયર છે જેણે વિશ્વનાં હાઇએસ્ટ શિખરો સર કરીને સૌથી યંગ એજમાં ૭ શિખર સર કરવાની ઉપલબ્ધિ મેળવી છે.

national news india narendra modi indian government new delhi delhi news droupadi murmu