ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા-વરસાદને કારણે 19 જણનાં મૃત્યુ, 48 ઘાયલ

08 June, 2019 11:07 PM IST  |  લખનઊ

ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા-વરસાદને કારણે 19 જણનાં મૃત્યુ, 48 ઘાયલ

ઉત્તર પ્રદેશમાં વાવાઝોડું

ઉત્તર પ્રદેશમાં ગઈ કાલે મોડી રાત્રે આંધી અને વરસાદના કારણે થયેલી દુર્ઘટનાઓ અને વીજળી પડવાનાં કારણે ૧૯ જણનાં મૃત્યુ થયાં છે જ્યારે ૪૮ લોકો ઘાયલ થયા છે. એમાં મૈનપુરીના છ, એટા અને કાસગંજના ત્રણ-ત્રણ, મુરાદાબાદ, મહોબા, હમીરપુર, ફરુખાબાદ, બદાયુના એક-એક જણનો સમાવેશ થાય છે. આખો દિવસ સખત ગરમી પડ્યા બાદ સાંજે સાત વાગ્યાથી હવામાન ઓચિંતું પલટાઈ ગયું હતું.

ફિરોઝાબાદ, જાલૌન સહિતનાં અનેક સ્થળોએ આંધી અને વરસાદ સાથે કરા પણ પડ્યા હતા. કેટલાંક સ્થળોએ વીજળીના થાંભલા પડી જવાથી અંધારપટ છવાયો હતો. વિવિધ જગ્યાએ બનેલી દુર્ઘટનાઓમાં ૫૦થી વધુ લોકોને ગંભીર ઈજા પણ થઈ છે. યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે, સંકટના આ સમયમાં રાજ્ય સરકાર પીડિત પરિવારોની સાથે છે. તેમણે જિલ્લાધિકારીઓને તાત્કાલિક ધોરણે પ્રભાવિત લોકોને મદદ કરવાના આદેશ આપ્યા છે.

યુપી સરકારે મૃતકોના પરિવારને ચાર-ચાર લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત પણ કરી છે. ૨૪ કલાકની અંદર જ પીડિત પરિવારોને સહાય મળી રહે તે જોવાનું મુખ્ય પ્રધાને જણાવ્યું છે. ખાસ કરીને પશ્ચિમી ઉત્તર પ્રદેશના વિભિન્ન જિલ્લાઓમાં કરા પડવાથી ભારે નુકસાન થયું છે. હજી પણ જોકે પૂર્વ અને મધ્ય ઉત્તર પ્રદેશમાં હવામાન ગરમ જ છે અને ત્યાંના લોકોને ગરમીમાં રાહત મળી નથી. ઝાંસી ૪૭ ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું.

ગઈ કાલે સાંજથી જ બહરાઈચ, શ્રીવસ્તી, બારાબંકી અને ગોન્ડા જિલ્લામાં અચાનક વરસાદી વાતાવરણ થઈ ગયું હતું. તોફાની પવન સાથે વરસાદ શરૂ થતાં લોકોની પરેશાનીમાં વધારો થયો હતો. આંધીના કારણે કેરીના પાકને ભારે નુકસાન થયું

હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. જે ખેડૂતોના પાકને ૩૩ ટકા કરતાં વધુ નુકસાન થયું હોય તેમને કૃષિસહાય આપવામાં આવશે.

આ પણ વાંચો : અકબર મહિલાઓના વેશમાં મીનાબજાર જતો હતો અને છેડછાડ કરતો: મદનલાલ સૈની

આજે ચોમાસું વિધિવત રીતે કેરળ પહોંચે તેવી સંભાવના

હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર ચોમાસું શરૂ થવામાં એક સપ્તાહનો વિલંબ થઈ શકે છે. હવે આગામી ૨૪ કલાકમાં ચોમાસું કેરળમાં સક્રિય થાય તેવી સંભાવના છે. સામાન્ય રીતે ચોમાસું એક જૂને કેરળમાં સક્રિય થાય છે અને એ સાથે જ અધિકૃત રીતે ચાર મહિનાની વરસાદી સિઝનનો પણ પ્રારંભ થતો હોય છે.

uttar pradesh national news