આજથી 17મી લોકસભાનું સંસદ સત્ર: પાંચમી જુલાઈએ પૂર્ણ બજેટ

17 June, 2019 08:00 AM IST  |  નવી દિલ્હી

આજથી 17મી લોકસભાનું સંસદ સત્ર: પાંચમી જુલાઈએ પૂર્ણ બજેટ

પાર્લામેન્ટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બનેલી નવી સરકારનું પહેલું સંસદીય સત્ર આજે એટલે કે સોમવારથી શરૂ થઈ રહ્યું છે. આ બજેટ સત્રમાં સામાન્ય બજેટ અને રેલવે બજેટ રજૂ થશે. આ સત્ર ૨૬ જુલાઈ સુધી ચાલશે. રાજ્યસભાનું સત્ર ૨૦ જૂનથી શરૂ થઈને ૨૬ જુલાઈ સુધી ચાલશે. આ સત્ર ૪૦ દિવસ ચાલશે અને એમાં ૩૦ બેઠકો યોજાશે. પ્રથમ બે દિવસ દરમ્યાન નવા સભ્યોને શપથ લેવડાવવામાં આવશે. રાષ્ટ્રપતિ કોવિંદ ૨૦ જૂને લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત અધિવેશનને સંબોધિત કરશે.

નાણાપ્રધાન તરીકે સીતારમણનું આ પહેલું બજેટ હશે. સીતારમણ પાંચમી જુલાઈએ ૨૦૧૯-‘૨૦નું પૂર્ણ બજેટ રજૂ કરશે. આર્થિક સર્વેક્ષણ સંસદમાં ૪ જુલાઈએ રજૂ થશે. મોદી સરકાર આ સત્રમાં ટ્રિપલ તલાક ઉપરાંત શૈક્ષણિક સંસ્થા ખરડો-૨૦૧૯ અને આધાર તેમ જ અન્ય કાયદા સંશોધન ખરડા - ૨૦૧૯ રજૂ કરી શકે છે. જોકે બજેટ સત્રમાં વિપક્ષ જુદા મૂડમાં જણાય છે. ટોચનાં સૂત્રોએ જણાવ્યા પ્રમાણે કૉન્ગ્રેસ સહિત તમામ વિપક્ષો ઈવીએમનો મુદ્દો સંસદમાં ઉઠાવવાની તૈયારી કરી રહ્યા છે.

વિપક્ષોને આશંકા છે કે બીજેપીની લોકસભાની ચૂંટણીમાં એની જોરદાર જીત ઈવીએમમાં ગરબડ કરવાને લીધે થઈ છે. ચૂંટણી પંચ અને ઈવીએમે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ સવાલ એટલા માટે ઊઠી રહ્યો છે કે ચૂંટણી પંચના આંકડા સાથે વિપક્ષો સંમત નથી.

કૉન્ગ્રેસ પક્ષનાય સૂત્રોએ જણાવ્યા પ્રમાણે વિપક્ષ સંસદમા ઈવીએમના મુદ્દાને ચૂંટણી પંચ અને રાષ્ટ્રપતિ પાસે લઈ જવાની તૈયારીમાં છે. તેઓની માગણી છે કે હવે પછીની ચૂંટણી બૅલટ પેપરથી થવી જોઈએ. આ મુદ્દે કૉન્ગ્રેસ જ નહીં, પરંતુ મમતા, માયાવતી, અખિલેશ, ચંદ્રાબાબુ સહિતના નેતાઓએ વિરોધ નોંધાવ્યો છે.

આ પણ વાંચો : સ્મૃતિ ઈરાનીના ગલી બોય પરની આ પોસ્ટ જોઈ તમે ખડખડાટ હસી પડશો

પાંચમી જુલાઈએ કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે ત્યારે સરકારે બજેટને અંતિમ ઓપ આપવાની તૈયારી શરૂ કરી દીધી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ અને રાજ્યકક્ષાના નાણાપ્રધાન અનુરાગ ઠાકુર ટ્રેડ યુનિયન સાથે પ્રી-બજેટ મીટિંગ યોજી રહ્યાં છે. આ દરમ્યાન જુદાં-જુદાં ટ્રેડ યુનિયનો પાસેથી સૂચન લેવામાં આવી રહ્યાં છે. યુનિયનો દ્વારા પણ બજેટને લઈને પોતાની માગણી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી છે.

national news narendra modi Lok Sabha indian politics new delhi