કર્ણાટકના ૧૭ વિધાનસભ્યો અયોગ્ય, પણ પેટા ચૂંટણી લડી શકશેઃ સુપ્રીમ કોર્ટ

14 November, 2019 10:52 AM IST  |  New Delhi

કર્ણાટકના ૧૭ વિધાનસભ્યો અયોગ્ય, પણ પેટા ચૂંટણી લડી શકશેઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટનો કર્ણાટક પર ચુકાદો

સુપ્રીમ કોર્ટે કર્ણાટક વિધાનસભાના તત્કાલીન અધ્યક્ષ કે. આર. રમેશકુમાર દ્વારા કૉન્ગ્રેસ અને જેડીએસના ૧૭ બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાના નિર્ણયને અનુમોદન આપીને ૧૭ ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાની સાથે-સાથે દૂરોગામી અસર સમાન તેઓ ચૂંટણીઓ લડી શકે એવો મહત્ત્વનો ચુકાદો આજે જાહેર કર્યો હતો. આ ૧૭ બળવાખોર ધારાસભ્યોના રાજીનામાંને કારણે તે વખતે કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર ઊથલી પડી હતી. અધ્યક્ષે ૧૭ બળવાખોરોને અયોગ્ય ઠરાવવાની સાથે તેઓ વિધાનસભાની વર્તમાન સમયમર્યાદા સુધી કોઈ ચૂંટણી લડી નહીં શકે એમ પણ ઠરાવ્યું હતું. અધ્યક્ષના આ ચુકાદાને બળવાખોર ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જેનો ચુકાદો જસ્ટિસ એન. વી. રમન્ના, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ કૃષ્ણમુરારીની બેન્ચે આજે જાહેર કરતા આ બળવાખોર ધારાસભ્યો કર્ણાટકમાં ૫ ડિસેમ્બરના રોજ યોજાનાર પેટાચૂંટણીમાં ઉમેદવારી કરી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ સુપ્રીમ કોર્ટે અયોગ્ય ધારાસભ્યોની અરજી પર ૨૫મી ઑક્ટોબરના રોજ સુનાવણી બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. આ ધારાસભ્યોને વિધાનસભાના તત્કાલીન અધ્યક્ષ આર. રમેશ કુમારે અયોગ્ય જાહેર કરી દીધા હતા. ન્યાયમૂર્તિ એન. વી. રમન્ના, ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના, અને ન્યાયમૂર્તિ કૃષ્ણમુરારીની ત્રણ સભ્યવાળી બેન્ચે આ અયોગ્ય ઘોષિત ધારાસભ્યોની અરજી પર ૨૫મી ઑક્ટોબરના રોજ સુનવણી પૂરી કરી હતી.
આ ધારાસભ્યોને અયોગ્ય ઘોષિત કરતાં ૧૭માંથી ૧૫ સીટો માટે પાંચ ડિસેમ્બરે પેટાચૂંટણી થઈ રહી છે. અયોગ્ય ધારાસભ્યોએ પોતાની અરજીમાં ૫ ડિસેમ્બરના રોજ યોજાનાર પેટાચૂંટણી પર પ્રતિબંધ મૂકવાની પણ માગણી કરી હતી. ધારાસભ્યોનું કહેવું હતું કે પેટાચૂંટણી ત્યાં સુધી ન થવી જોઈએ જ્યાં સુધી તેમની અરજી પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય ન આવી જાય.
પેટાચૂંટણી માટે અરજી દાખલ કરવાની છેલ્લી તારીખ ૧૮ નવેમ્બર છે. આ ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને ૧૫ સીટો માટે યોજાનાર પેટાચૂંટણીની તારીખ સ્થગિત કરવાના ચૂંટણી પંચના નિર્દેશનો અનુરોધ કર્યો હતો.
આપને જણાવી દઈએ કે વિધાનસભા અધ્યક્ષ રમેશ કુમારે વિધાનસભામાં એચ. ડી. કુમારસ્વામી સરકારના વિશ્વાસ પ્રસ્તાવ પહેલાં જ ૧૭ બાગી ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરી દીધા હતા. બીજી બાજુ વિધાનસભામાં વિશ્વાસ મત પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહેવા પર કુમારસ્વામીની સરકારે રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ બીજેપીના બી. એસ. યેદિયુરપ્પાના નેતૃત્વમાં રાજ્યમાં નવી સરકારની રચના થઈ.

કર્ણાટક વિધાનસભાનું ગણિત

૧૫ સીટો પર પેટાચૂંટણી થશે તો વિધાનસભાની સંખ્યા પણ વધી જશે અને બહુમતીનો આંકડો પણ... યેદિયુરપ્પા સરકારને સત્તામાં બની રહેવા માટે ૧૫ સીટોની પેટાચૂંટણીમાં બીજેપી માટે કોઈ પણ પરિસ્થિતિમાં ૬ સીટો જીતવી જરૂરી થઈ ગઈ છે. અત્યારે વિધાનસભાની સ્થિતિ જોઈએ તો ૨૦૭ સીટોમાંથી બીજેપી+ની પાસે ૧૦૬ સીટ છે. ૨૦૭+૧૫ એટલે કે ૨૨૨ થશે. વિધાનસભા સીટોની સંખ્યા તો બીજેપીને બહુમતી માટે ૧૧૨ સીટો જોઈશે.

આ પણ જુઓઃ Children's Day: દેશના પ્રથમ વડાપ્રધાનને તેમના જન્મદિવસે કરીએ યાદ

એ પણ જાણી લઈએ કે જે સીટો પર પેટાચૂંટણી થવાની છે, અત્યારે ત્યાંની ૩ સીટો જેડીએસ અને ૧૨ સીટો કૉન્ગ્રેસ પાસે હતી. હવે એ વાતની પ્રબળ સંભાવના છે કે બીજેપી મોટાભાગની સીટો પર અયોગ્યને જ ચૂંટણી લડાવે.

karnataka supreme court