11 વર્ષની દીકરી પિતા સામે ફરિયાદ નોંધાવવા 10 કિલોમિટર ચાલી

18 November, 2020 08:39 PM IST  |  Kendrapara | Gujarati Mid-day Online Correspondent

11 વર્ષની દીકરી પિતા સામે ફરિયાદ નોંધાવવા 10 કિલોમિટર ચાલી

પ્રતીકાત્મક તસવીર

અનોખી રીતે વિરોધ નોંધાવવાના આશયથી ઓરિસ્સાના ડુકુકા ગામની છઠ્ઠા ધોરણની છોકરી દસ કિલોમિટર ચાલીને કેન્દ્રાપાડા કલેક્ટર ઑફિસ પહોંચી. દીકરીનો વિરોધ તેના પિતા સામે હતો કે તેમણે તેના મિડ-ડે મિલના એટલે કે મધ્યાહન ભોજનના પૈસા અને ચોખા લઇ લીધા.

સોમવારે બનેલી આ ઘટના અંગે ધી ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસમાં આવેલા રિપોર્ટ અનુસાર સુશ્રી સંગીથા સેઠી (11 વર્ષ) દુકુકા વિદ્યાપીઠમાં ભણે છે અને તેણે કલેક્ટર સમર્થ વર્મા પાસે પોતાના પિતા રમેશ ચંદ્ર સેઠી સામે ફરિયાદ નોંધાવી કે તેઓએ સુશ્રીના મધ્યાહન ભોજનના પૈસા અને તેને મળેલા ચોખા લઇ લીધા છે.

ફરિયાદ અનુસાર તેની માતાનાં મૃત્યુનાં બે વર્ષ બાદ તેના પિતાએ ગયા વર્ષે ફરી લગ્ન કર્યા અને ત્યારેથી સુશ્રી તેના કાકાને ઘરે રહે છે કારણકે પિતા અને સાવકી માને તેની કાળજી નહોતી લેવી. સરકારે કોરોનાવાઇરસ રોગચાળા પછી સરકારી શાળાના વિદ્યાર્થીઓ અને તેમના ગાર્ડિયન્સના ખાતામાં મધ્યાહન ભોજનના પૈસા જમા કરાવ્યા અને તેમને અમુક જથ્થામાં ચોખા પણ પુરા પાડ્યા. સુશ્રીને આમાંનું કંઇ નહોતું મળથું કારણકે તેણે જણાવ્યા અનુસાર તેનું બૅંક એકાઉન્ટ હોવા છતાં પૈસા તેના પપ્પાના ખાતામાં જમા થતા હતા અને જ્યારે તેણે પિતા પાસે એ પૈસા માગ્યા તો તેમણે એ તેને આપવાની ના પાડી અને તેના ભાગના ચોખા પણ સ્કૂલમાં લઇને ઘર ભેગા કરી દીધા.

કેન્દ્રાપાડાના કલેક્ટર સમર્થ વર્માએ કહ્યું કે, "તેની સમસ્યા સાંભ્યા બાદ મેં જિલ્લા શિક્ષણ અધિકારીને સુશ્રીના ખાતામાં જ પૈસા જમા કરાવવા કહ્યું છે જિલ્લા શિક્ષણ અધિકારી તેના પિતા પાસેથી પૈસા અને ચોખા પાછા મેળવવાનો પ્રયાસ પણ કરશે."

જિલ્લા શિક્ષણ અધિકારી ડીઇઓ સંજબ સિંઘે કહ્યું કે કલેક્ટરના હુકમ અનુસાર પૈસા હવે વિદ્યાર્થીના ખાતામાં જમા થશે અને પિતાએ પડાવી લીધેલા પૈસા પાછા મેળવવાની તજવીજ પણ કરાશે. શાળાના હેડ માસ્તરને પણ સૂચના અપાઇ છે કે ચોખા વિદ્યાર્થીઓના હાથમાં જ આપવા.

સિંઘે કહ્યું કે રોગચાળામાં સ્કૂલ્સ બંધ રહી છે અને સત્તાધિશો રોજના દોઢસો ગ્રામ ચોખા આપે છે અને 8.10 રૂપિયા પ્રતિ વિદ્યાર્થી ખાતામાં જમા કરાવે છે. વિદ્યાર્થીઓના ખાતામાં કૂલ રકમ મહિને એકવાર જમા કરાવાય છે. 

odisha Crime News