ઉત્તર પ્રદેશમાં બે વર્ષમાં ૧,૦૮,૩૦૦ લોકો ગુમ, એમાંથી માત્ર ૯૭૦૦ની જ ભાળ મળી

06 February, 2026 09:38 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

અલાહાબાદ હાઈ કોર્ટે જાતે આ બાબતની નોંધ લઈને અસિસ્ટન્ટ ચીફ સેક્રેટરી અને ડિરેક્ટર જનરલ ઑફ પોલીસને આગામી સુનાવણીમાં હાજર રહેવાનો આદેશ આપ્યો

પ્રતીકાત્મક તસવીર

દિલ્હીમાં પહેલી જાન્યુઆરીથી ૧૫ જાન્યુઆરી સુધીમાં ૮૦૦થી વધારે લોકો ગાયબ થવાના સમાચારે સનસની ફેલાવી છે ત્યારે ઉત્તર પ્રદેશના મિસિંગના આંકડા તો એથીયે વધુ ડરામણા છે. ત્રીજી ફેબ્રુઆરીએ જૌનપુરની બે સગી બહેનો અને એક પિતરાઈ બહેન આધાર કાર્ડની ફોટોકૉપી કરાવવા માટે ઘરેથી નીકળેલી જે પાછી આવી જ નહોતી. આ કેસને પગલે ઉત્તર પ્રદેશમાં પણ મિસિંગના આંકડાઓએ સુરક્ષા-વ્યવસ્થા પર સવાલ ઊભા કર્યા છે. છેલ્લાં બે વર્ષમાં ઉત્તર પ્રદેશમાં ૧,૦૮,૩૦૦ લોકો ખોવાયા હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. એમાંથી માત્ર ૯૭૦૦ લોકોની જ ભાળ મળી શકી છે. 

અલાહાબાદ હાઈ કોર્ટની લખનઉ બેન્ચે ઉત્તર પ્રદેશમાં વધી રહેલા મિસિંગના કિસ્સાઓની જાતે નોંધ લઈને અત્યંત ગંભીર અને ચિંતાજનક સ્થિતિ ગણાવી હતી.

કોર્ટે આ માટે પોલીસના સુસ્ત રવૈયા પ્રત્યે નારાજગી દર્શાવી હતી અને આ મુદ્દો વ્યાપક જનહિતનો માનીને પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (PIL) રજિસ્ટર કરવાનો નિર્દેશ કર્યો હતો. કોર્ટે આ મામલે રાજ્ય સરકારના તમામ સંબંધિત વિભાગોને નિર્દેશ કર્યો હતો કે રાજ્યમાં ખોવાયેલા લોકોના આંકડા અને રેકૉર્ડ કોર્ટમાં રજૂ કરે. આ સાથે જ કોર્ટે ઍડિશનલ ચીફ સેક્રેટરી (ACS) અને ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP)ને આગામી સુનાવણીમાં વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા હાજર રહેવાનો આદેશ આપ્યો છે. નેક્સ્ટ સુનાવણી ૨૩ માર્ચે છે. 

national news india uttar pradesh allahabad Crime News delhi news new delhi