મુઝફ્ફરનગર રમખાણ કેસ: પુરાવાના અભાવે કોર્ટે 20 લોકોને નિર્દોષ જાહેર કર્યા

20 September, 2021 07:43 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મુઝફ્ફરનગર રમખાણ કેસમાં કોર્ટે પુરાવાના અભાવે 20 લોકોને નિર્દોષ જાહેર કર્યા છે.

પ્રતીકાત્મક તસવીર

ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર રમખાણોના કેસમાં પુરાવાના અભાવે સોમવારે અહીંની એક સ્થાનિક કોર્ટે 20 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા. વર્ષ 2013માં આ રમખાણો થયા હતાં. એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ બાબુરામે તેમને નિર્દોષ જાહેર કરતા કહ્યું કે, પ્રોસિક્યુશન તેમની સામે પુરાવા આપવામાં નિષ્ફળ રહ્યું છે.

ફરિયાદીના જણાવ્યા મુજબ, રમખાણોના કેસોની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ જિલ્લાના કુટબી ગામમાં રમખાણો દરમિયાન અનેક મકાનો સળગાવવા અને લૂંટફાટ કરવા બદલ ભારતીય દંડ સંહિતા (IPC) ની વિવિધ કલમો હેઠળ 21 વ્યક્તિઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. કેસની પેન્ડન્સી દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું.

અત્યાર સુધીમાં રમખાણોના કુલ 98 કેસોનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં પુરાવાના અભાવે 1,137 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે. પોલીસે રમખાણો સંદર્ભે 510 કેસ નોંધ્યા હતા અને 1,480 લોકોની ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ કર્યા પછી SITએ 175 કેસમાં ચાર્જશીટ દાખલ કરી.

મુઝફ્ફરનગરમાં વર્ષ 2013માં કોમી રમખાણો થયા હતાં. જેમાં 60 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને 40,000 લોકો વિસ્થાપિત થયા હતાં.

national news uttar pradesh muzaffarnagar