બેલેટ યુગમાં પાછા નહીં જઈએ, EVMથી જ થશે ચૂંટણીઃચૂંટણી પંચ

24 January, 2019 11:51 AM IST  | 

બેલેટ યુગમાં પાછા નહીં જઈએ, EVMથી જ થશે ચૂંટણીઃચૂંટણી પંચ

મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરા

ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે EVM હૅક થવાની અને બેલેટ પેપરથી ચૂંટણી કરવાની માગ સામે ચૂંટણી પંચે પોતાનો મત સ્પષ્ટ કરી દીધો છે. ચૂંટણી પંચે 2019ની લોકસભાની ચૂંટણી ઈવીએમથી જ કરવાની જાહેરાત કરી દીધી છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યું,'હું એ વાત સ્પષ્ટ કહેવા માગુ છુ કે અમે બેલેટ પેપર યુગમાં પાછા નથી જવાના.'

ઉલ્લેખનીય છે કે સોમવારે લંડનમાં થયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં સૈયદ શૂજા નામના હેકરે દાવો કર્યો હતો કે વર્ષ 2014ની ચૂંટણીમાં ઈવીએમ સાથે છેડછાડ થઈ હતી, જેની અસર પરિણામ પર પણ પડી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં શૂજાએ ભાજપના કેટલાક નેતાઓનું નામ લીધું હતું અને ભાજપ ઈવીએમ સાથે છેડછાડ કરવામાં સૌથી આગળ હોવાનો આરોપ લગાવ્યો હતો.

આ પ્રેસ કોન્ફરન્સમાં શૂજાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓનું પણ નામ લીધું હતું અને કહ્યું હતું કે આ તમામ લોકોએ તેમની સાથે મુલાકાત કરી હતી. શૂજાએ એવી પણ સ્પષ્ટતા કરી હતી કે આમ આદમી પાર્ટીના નેતાઓએ તેમની સાથે ઈવીએમ હેક થઈ શકે છે કે નહીં તે જાણવા માટે વાત કરી હતી.

આ પણ વાંચોઃ EVM હૅકિંગને મુદ્દે રાજકારણમાં ખળભળાટ

શૂજાની પ્રેસ કોન્ફરન્સ બાદ ઈવીએમ સામે સવાલો ઉઠી રહ્યા છે. કેટલાક પક્ષોએ ચૂંટણી ફરી બેલેટ પેપરથી કરાવવા પણ માગ કરી હતી. જો કે મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ ઈવીએમથી જ ચૂંટણી થવાની સ્પષ્ટતા કરી દીધી છે.

 

national news