રેલવેમાં તમારી સુરક્ષા હવે તમારા જ હાથમાં

14 May, 2022 08:57 AM IST  |  Mumbai | Rohit Parikh

આવો અનુભવ ગાંધીધામ હૉલિડે સ્પેશ્યલમાં કાંજુરમાર્ગના એક કચ્છી દંપતીને થયો. બાંદરાથી ઊપડતી આ ટ્રેનમાં ત્રણ દારૂડિયા ચડી ગયા અને તેમની સાથે બેહૂદું વર્તન કરવા લાગ્યા. સુરત પોલીસે તેમને ટ્રેનમાંથી ઉતાર્યા ત્યારે તેમની સામે જ ધમકી પણ આપી હતી

કાંજુરમાર્ગના નાગડા દંપતીને ટ્રેનમાં હેરાન કરનારા ત્રણ નશાખોરો.

રેલવેનાં ભાડાં વધારાના સમયે હંમેશાં રેલવેમંત્રાલય ભાડાં વધારાનાં કારણોમાં પૅસેન્જરોની સુરક્ષાનો ઉલ્લેખ કરે છે. જોકે ભાડાં વધ્યા પછી પણ પૅસેન્જરોની સુરક્ષા સામે હંમેશાં અનેક સવાલો ઊભા થાય છે. આવો જ સવાલ કચ્છ-ગાંધીધામ જતી ગાંધીધામ હૉલિડે સ્પેશ્યલમાં કાંજુરમાર્ગના એક કચ્છી દંપતી કરી રહ્યું છે. 
કાંજુરમાર્ગના શરદ નાગડા તેમનાં પત્ની કુસુમબહેન સાથે બાંદરાથી ઊપડતી ગાંધીધામ હૉલિડે સ્પેશ્યલમાં કોચ-નંબર નવમાં બેસીને માંડવી તેમના કુળદેવીનાં દર્શનાર્થે જઈ રહ્યા હતા. બાંદરાથી આ દંપતી સિવાય કોઈ પૅસેન્જરો નહોતા. એવા સમયે ત્રણ જણ દારૂના નશામાં ધુત કોચ-નંબર નવમાં આવીને શરદ નાગડા અને તેમનાં પત્ની જે સીટ પર બેઠાં હતાં એ સીટ પાસે આવીને કહેવા લાગ્યા કે ચલ ઉઠ, યહાં સે ખડા હો જા. પછી તેમની અને તેમની મિસિસ સાથે તેઓ બેહૂદું વર્તન કરવા લાગ્યા હતા. 
આ બાબતની માહિતી આપતાં શરદ નાગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી સાથે બેહૂદું વર્તન કરવાવાળા એટલી હદે ખરાબ રીતે વર્તી રહ્યા હતા કે એક જણ મારા ખોળામાં જ માથું રાખીને સૂઈ ગયો હતો અને બીજો મારી પત્નીના માથે જઈને ઊભો રહી ગયો હતો. અમે ખૂબ જ ગભરાઈ ગયા હતા. અમે બે જણ હતા અને એ લોકો ત્રણ જણ હતા. એ પણ દારૂના નશામાં. એવા લોકો સામે કેવી રીતે લડવું એમ વિચારીને અમે બાજુના કોચમાં જતા રહ્યા હતા. બોરીવલીથી અમારા કોચ-નંબર નવમાં અન્ય પૅસેન્જરોને પણ આ નશાખોરોએ હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. ટિકિટચેકરે અમને પોલીસનો સંપર્ક કરવા કહ્યું અને તેમને પણ પોલીસનો સંપર્ક કર્યો.’
વાપીમાં પોલીસ આવી, પણ મને અને મારી પત્નીને કહે કે વાપી સ્ટેશને ઊતરીને પોલીસમાં ફરિયાદ કરવા ચાલો. આ સંદર્ભમાં શરદ નાગડાએ કહ્યું હતું કે ‘હું અને મારી પત્ની ટ્રેન છોડીને વાપી કેવી રીતે ફરિયાદ કરવા જઈએ? એટલે વાપી રેલવે પોલીસ ત્યાંથી એ નશાખોરો પર કાર્યવાહી કર્યા વગર જ જતી રહી.’
શરદ નાગડાને વાપી રેલવે પોલીસની સહાય ન મળવાથી શરદભાઈએ કચ્છ જાગરૂક અભિયાનનો સંપર્ક કર્યો હતો એમ જણાવીને કચ્છ જાગરૂક અભિયાનના કાર્યકર કિશોર ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે તરત જ રેલવેના સિનિયર પોલીસ અધિકારીનો સંપર્ક કરીને તેમને આખી વિગત જણાવી હતી. એને પરિણામે સુરત પોલીસે જઈને ટ્રેનમાંથી પેલા નશાખોરોને નીચે ઉતાર્યા હતા.’
નશાખોરોને પોલીસની પણ કોઈ અસર નહોતી થઈ એમ જણાવતાં શરદ નાગડાએ કહ્યું હતું કે ‘વાપી રેલવે પોલીસ આવી ત્યારે પણ ત્રણમાંથી એક પણ નશાખોરના પેટનું પાણી હલ્યું નહોતું. સુરતમાં પોલીસ આવી ત્યારે પણ નશાખોરો તેમની સામે જ મને ધમકી આપીને ટ્રેનમાંથી નીચે ઊતર્યા હતા. સવાલ એ છે કે પૅસેન્જરોની અને એમાં પણ મહિલાઓની સુરક્ષાનું શું?’

Mumbai mumbai news rohit parikh