પ્યાર તૂને ક્યા કિયા?

23 June, 2021 01:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એકતરફી પ્રેમમાં પાગલ બનેલા યુવાને ગૅન્ગને સુપારી આપી હત્યા કરવા મહિલાના પતિ પર ફાયરિંગ કરાવ્યું

પ્રતીકાત્મક તસવીર

ડોમ્બિવલીમાં કરિયાણાની દુકાન ધરાવતા વેપારીની પત્નીના એકતરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે વેપારીને ખતમ કરવા સુપારી આપીને ફાયરિંગ કરાવવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રેમમાં ભાન ભૂલી જનારા યુવાનના ત્રાસથી પરેશાન થઈને વેપારી ઘર અને દુકાન વેચીને ફૅમિલી સાથે રાજસ્થાનના જયપુરમાં રહેવા જતો રહ્યો હતો. થાણે ક્રાઇમ બ્રાન્ચની કલ્યાણ અને ઉલ્હાસનગરની ટીમે સુપારી આપીને વેપારીની હત્યા કરવાના પ્રયાસના આરોપસર યુવાનની ધરપકડ કરીને રાજસ્થાન પોલીસને હવાલે કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

રાજસ્થાનના જયપુરના અવધપુરી વિસ્તારમાં રહેતો ૪૧ વર્ષનો આદિત્ય પન્નાલાલ જૈન ૧૬ જૂને સવારે તેના ઘરની બહાર કાર સાફ કરી રહ્યો હતો ત્યારે મોટરસાઇકલ પર આવેલા બે અજાણ્યા લોકોએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એક ગોળી વેપારીના હાથમાં લાગી હતી. ફાયરિંગ બાદ આરોપીઓ પલાયન થઈ ગયા હતા. વેપારીએ આ હુમલાની ફરિયાદ જયપુરના કરણી વિહાર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

આદિત્ય જૈને પોતાનો જીવ લેવાનો પ્રયાસ ડોમ્બિવલીમાં રહેતા કમલેશ શેષરાવ શિંદે નામના યુવાન દ્વારા કરાયો હોવાની શંકા વ્યક્ત કરી હતી. આથી કલ્યાણ અને ઉલ્હાસનગર ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી કમલેશ શિંદેને તાબામાં લીધો હતો. તેણે ગુનો કબૂલી લીધો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પોલીસે આરોપીની કરેલી પૂછપરછમાં જણાઈ આવ્યું હતું કે આદિત્ય જૈન તેના પરિવાર સાથે ૨૦૧૮થી ૨૦૨૦ દરમ્યાન ડોમ્બિવલીમાં રહીને કરિયાણાની દુકાન ચલાવતો હતો. આ સમયે નજીકમાં રહેતા કમલેશ શિંદેની નજર વેપારીની પત્ની શેફાલી પર બગડી હતી. તે શેફાલીને એકતરફી પ્રેમ કરીને પરેશાન કરવા લાગ્યો હતો. આ ત્રાસથી કંટાળીને વેપારી ૨૦૨૦માં ડોમ્બિવલી છોડીને જયપુર રહેવા જતો રહ્યો હતો.

ઉલ્હાસનગર ક્રાઇમ બ્રાન્ચ યુનિટના અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર ગણેશ તોરગલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વેપારી પત્નીને લઈને જયપુરમાં રહેતો હોવાનું જાણ્યા બાદ એકતરફી પ્રેમમાં આંધળા બની ગયેલા કમલેશ શિંદેએ કોઈ પણ ભોગે શેફાલીને પામવા માટે તેના પતિની હત્યા કરવા માટે એક ગૅન્ગને સુપારી આપી હતી. જોકે સદ્નસીબે આ હુમલામાં વેપારી આદિત્ય જૈન બાલબાલ બચી ગયો હતો. તપાસમાં આરોપી ડોમ્બિવલી-વેસ્ટમાં આવેલા દેવીચા પાડા વિસ્તારમાં છુપાયો હોવાની માહિતી મળ્યા બાદ અમે તેને ઝડપી લીધો હતો. આ મામલો રાજસ્થાનનો હોવાથી અમે તેને રાજસ્થાન પોલીસને સોંપી દીધો હતો.’

mumbai mumbai news Crime News mumbai crime news dombivli