હા, અમે ડીલર છીએ, અમે વિકાસ કરવાની ડીલ કરી છે

19 March, 2024 10:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એકનાથ શિંદે જૂથ-લીડર નહીં પણ ડીલર છે એમ કહેનારા વિરોધી પક્ષોને મુખ્ય પ્રધાને આપ્યો જવાબ

ગઈ કાલે પાર્ટીના નેતાઓ શંભુરાજ દેસાઈ અને ઉદય સામંત સાથે મીડિયાને સંબોધતા એકનાથ શિંદે.

રવિવારે શિવાજી પાર્કમાં આયોજિત સભામાં વિરોધી પક્ષોના સંગઠન INDIAમાં સામેલ કેટલાક નેતાઓએ એકનાથ શિંદે જૂથ-લીડર નહીં પણ ડીલર હોવાની ટીકા કરી હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે આનો જવાબ આપતાં કહ્યું હતું કે ‘હા, અમે ડીલર છીએ. અમે ખેડૂત, કામગાર, મહિલા, ઉદ્યોગ સહિતના મહત્ત્વનાં ક્ષેત્રનો સર્વાંગી વિકાસ કરવાની ડીલ કરી છે. રાજ્યમાં મહાયુતિની સરકાર અસ્તિત્વમાં આવ્યા બાદથી મેટ્રો, અટલ સેતુ, કોસ્ટલ રોડ સહિતનાં કામોને ગતિ આપવાની ડીલ અમે કરી. રાજ્યની જનતા આ બધું જોઈ રહી છે એટલે અમને વિશ્વાસ છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં તેઓ મહાયુતિને ૪૫ બેઠકોમાં વિજયી બનાવશે. રવિવારે વીર સાવરકર અને બાળાસાહેબ ઠાકરેના સ્મારક સામે થયેલી રાહુલ ગાંધીની સભામાં દેશભરના નિરાશ થયેલા નેતા જોવા મળ્યા. આ સભામાંથી ‘મારા તમામ હિન્દુ ભાઈઓ’ શબ્દ ગાયબ થઈ ગયો. બાળાસાહેબની નીતિ, વિચાર તેમણે છોડ્યાં એટલે અમારે અલગ થવાનો નિર્ણય લેવો પડ્યો. તેમને પાંચ જ મિનિટ બોલવા મળ્યું. પચાસ વર્ષમાં જે ન થયું એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર ૧૦ વર્ષમાં કરીને બતાવ્યું.’

ગઈ કાલે મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલોમાં પક્ષના નેતાઓની બપોરે બેઠક મળી હતી એમાં લોકસભાના ઉમેદવારો બાબતે ચર્ચા થયા બાદ જાહેરાત થવાની શક્યતા હતી. જોકે મુખ્ય પ્રધાને પત્રકારો સાથે કરેલી વાતચીતમાં આ બાબતે કંઈ નહોતું કહ્યું. 

eknath shinde shiv sena bharatiya janata party maharashtra political crisis maharashtra news maharashtra mumbai news mumbai Lok Sabha Election 2024