જૈન ધર્મના ઊંડા અભ્યાસક અને લેખક ચીમનભાઈ શાહ કલાધરનું નિધન

11 November, 2020 10:27 AM IST  |  Mumbai | Mumbai Correspondent

જૈન ધર્મના ઊંડા અભ્યાસક અને લેખક ચીમનભાઈ શાહ કલાધરનું નિધન

ચીમનભાઈ શાહ કલાધર

જૈન ધર્મના ઊંડા અભ્યાસક, ચિંતક, લેખક અને ‘મિડ-ડે’ માં જૈન ધર્મ પર કૉલમ લખનારા ૭૨ વર્ષના ચીમનભાઈ શાહ ‘કલાધર’નું ગઈ કાલે સાંજે ૪ વાગ્યે તેમના ડોમ્બિવલીના નિવાસસ્થાને નિધન થયું હતું. તેમના જમાઈ હિરેન દોશીએ આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ત્રણ દિવસ પહેલાં તેમને પેટમાં દુખાવો ઊપડ્યો હતો. ત્યાર બાદ તેમને યુરિન પાસ કરવામાં તકલીફ પડતી હતી. ડૉક્ટરના કહેવા મુજબ રિપોર્ટ કઢાવતાં તેમનું બીપી પણ ઘટી ગયું હતું એથી તેમને ડોમ્બિવલી-ઈસ્ટના ટિળક રોડ પર આવેલી કારવાં હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યા હતા. જોકે સોમવારે ઘરે જવાની જીદ પકડી હતી એટલે ગઈ કાલે અમે હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઈને તેમને ઘરે લઈ આવ્યા હતા. ત્યાર બાદ સતત નવકાર મંત્ર ભણતાં-ભણતાં જ તેમણે બપોર બાદ ૪ વાગ્યે દેહ છોડ્યો હતો. મોડી સાંજે ડોમ્બિવલી-ઈસ્ટના શંકર મંદિર પાસેની હિન્દુ સ્મશાનભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર કવામાં આવ્યા હતા.

મૂળ પાલિતાણાના ઘોઘારી વીસા શ્રીમાળી જૈન ચીમનભાઈ ‘કલાધર’ના પરિવારમાં પત્ની રમીલાબહેન, દીકરી જિનલ, જમાઈ હિરેન દોશી અને દોહિત્ર દેવનો સમાવેશ છે. તેમના આકસ્મિક નિધનથી જૈન સમાજમા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

mumbai mumbai news gujarati mid-day dombivli