માતા મારી ગુજરાતી છે, ગાથા મારી ગુજરાતી છે! ગુજરાતી ભાષાને જીવંત રાખવા શું કરવું જોઈએ?

25 August, 2025 06:55 AM IST  |  Mumbai | Heena Patel

આજે કવિ નર્મદની ૧૯૨મી જન્મજયંતી પર વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ઊજવાઈ રહ્યો છે, પણ આપણી માતૃભાષા સંકટમાં છે એ હકીકત છે. ગુજરાતી ભાષાને જીવંત રાખવા શું કરી શકાય એનું મનોમંથન કરીએ આજે-આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે આ પ્રશ્નનો ઉત્તર મેળવીએ

પ્રતીકાત્મક તસવીર

જો તમે ઇચ્છતા હો કે તમારું સંતાન સંસ્કાર, સાહિત્ય, લોકગીત, તહેવારો સાથે જોડાયેલું રહે; ઘરના વડીલો પ્રત્યે આદરભાવ રાખે તો તેને માતૃભાષા જરૂર શીખવાડજો. તમે તેને અંગ્રેજીનું જ્ઞાન આપો એમાં ના નથી, પણ તેને ગુજરાતી ભાષાથી વંચિત રાખવાની ભૂલ ન કરતા. વર્તમાન સમયમાં અંગ્રેજીની બોલબાલા વચ્ચે માતૃભાષાનું મહત્ત્વ ઓછું આંકવાની જે ભૂલ થઈ રહી છે અને વાલીઓ અંગ્રેજી પાછળ જે આંધળી દોટ મૂકી રહ્યા છે તેમણે થોડું થોભીને વિચારવાની જરૂર છે. સમય આવી ગયો છે કે એક ગુજરાતી હોવાના નાતે આપણે બધા મળીને એવા સમાજનું નિર્માણ કરીએ જ્યાં આપણે અંગ્રેજી તો શીખીએ, પણ સાથે-સાથે ગુજરાતી ભાષાને પણ ગર્વથી બોલીએ. ઉચ્ચ શિક્ષણ અને નોકરીમાં અંગ્રેજીનું મહત્ત્વ ખરું, પણ વ્યક્તિગત અને પારિવારિક જીવનમાં માતૃભાષા અને એના થકી મળતા સંસ્કારના વારસાનું મહત્ત્વ અનેકગણું છે એ પણ જાણીએ. આજે આપણી ભાષાના દિગ્ગજ કવિ, નાટ્યકાર, નિબંધકાર, વક્તા નર્મદાશંકર લાલશંકર દવેની જન્મજયંતી નિમિત્તે ઊજવાતો વિશ્વ ગુજરાતી ભાષા દિવસ છે ત્યારે આપણી માતૃભાષાને જીવંત રાખવા શું કરવું જોઈએ એનું મનોમંથન કરીએ.

સંતાનને ગુજરાતી ભાષા શીખવાડવાની પહેલી જવાબદારી વાલીઓની છે- અનંતરાય મહેતા, શ્રી સાંઈ સાર્વજનિક ટ્રસ્ટના ફાઉન્ડર ટ્રસ્ટી

ગુજરાતી ભાષા વધુમાં વધુ લોકો શીખે એ ઉદ્દેશ સાથે છેલ્લાં ૩૦ વર્ષથી શ્રી સાંઈ સાર્વજનિક ટ્રસ્ટ હેઠળ ગુજરાતી ભાષા શીખવાડતા વ્યવસાયે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અનંતરાય મહેતા કહે છે, ‘ગુજરાતી ભાષાને જીવંત રાખવાની સૌથી પહેલી જવાબદારી વાલીઓની છે. એ માટે સૌથી પહેલાં તેમણે પોતાની માતૃભાષાનું ગૌરવ જાળવતાં શીખવું પડશે અને બાળકોને પણ ગૌરવ જાળવતાં શીખવાડવું પડશે. માતૃભાષા ન આવડતી હોય તો પહેલાં તેમણે કમસે કમ ગુજરાતી લખતાં-વાંચતાં શીખવું પડશે અને પછી બાળકને પણ એ શીખવાડવું પડશે. અનેક ઘરોમાં તમે જોશો તો ગુજરાતી છાપાંઓ ઘરના વડીલો પૂરતાં સીમિત રહી ગયાં છે. તેમનાં સંતાનોને ગુજરાતી વાંચતાં આવડતું નથી એટલે એટલે તેઓ અંગ્રેજી છાપાં મગાવે છે. લોકોની એવી માનસિકતા થઈ ગઈ છે કે સંતાન અંગ્રેજી માધ્યમમાં ભણે એનો ગર્વ લઈએ અને ગુજરાતી માધ્યમમાં ભણે તો એને હલકું ગણવામાં આવે છે. લોકોમાં ભાષા માટેનો જે પ્રેમ છે એ સતત ઓછો થઈ રહ્યો છે. એક જમાનામાં એવું હતું કે હું ગુજરાતીમાં ભણ્યો, ભલે મારો દીકરો અંગ્રેજીમાં ભણે, પણ સાથે તેને મારે ગુજરાતી તો શીખવાડવું જ છે. આજે પરિસ્થિતિ એવી છે કે વાલીઓ પોતે જ અંગ્રેજી માધ્યમમાં ભણ્યા છે એટલે તેમને પોતાને ગુજરાતી આવડતું નથી તો પછી બાળકને ક્યાંથી શીખવે? અમારા ક્લાસમાં ઘણી વાર ગુજરાતી શીખવા માટે સંતાનો સાથે તેમના વાલીઓ પણ આવે છે. ઉનાળાના વેકેશનમાં મે મહિનામાં કાંદિવલી, બોરીવલી, મલાડ, ઘાટકોપર, મુલુંડ, ચર્ની રોડ બધે અમારા વર્ગો ચાલે છે. એક મહિનામાં તેમને એટલું ગુજરાતી શીખવાડી દઈએ છીએ કે તેઓ ગુજરાતી લખતાં-વાંચતાં શીખી જાય છે. એ સિવાય મહારાષ્ટ્રનાં નાનાં શહેરો સાંગલી, સોલાપુર વગેરે જગ્યાએ પણ ગુજરાતી ભાષાના વર્ગો શરૂ કરવાનું અમે વિચારી રહ્યા છીએ. એને માટે અત્યારે શિક્ષકોને ટ્રેઇનિંગ આપવાનું કામ ચાલી રહ્યું છે. આજના વાલીઓની એવી માનસિકતા થઈ ગઈ છે કે જે ભાષા રળીને ન આપતી હોય એ શીખવાનો શું અર્થ? પણ તેમણે એ સમજવાની જરૂર છે કે ગુજરાતી માધ્યમોની શાળામાં આપણે ગુજરાતી કવિઓ-લેખકોની જે કવિતાઓ કે પાઠ ભણાવવામાં આવતાં એના થકી જ આપણામાં સંસ્કારનાં બીજ રોપાયાં અને આપણું વ્યક્તિત્વ ઘડાયું છે. શાળામાં આપણને ભણાવવામાં આવતું કે ઊંચી-નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી એની ઓટ છે, ઓટ પછી જુવાળ. આપણે મોટા થયા પછી પણ મગજમાં એ વસ્તુ એટલી ઊતરેલી છે કે જીવનમાં જ્યારે પણ સુખ-દુઃખ આવે ત્યારે પોતાની જાતને સમજાવી દઈએ કે જીવન છે, એમાં સુખ-દુઃખ તો આવ્યા કરે. આજની પેઢીને તમે જોશો તો જરા દુઃખ આવે એટલે તરત નિરાશ થઈ જાય કે ડિપ્રેશનમાં ચાલી જાય અને પછી આત્મહત્યા જેવું અંતિમ પગલું ઉઠાવી લેતા હોય છે.’

નવી પેઢીમાં માતૃભાષાનાં મહત્ત્વરૂપી બીજ રોપવાની જરૂર છે- ભાવેશ મહેતા, મુંબઈ ગુજરાતી સંગઠનના સ્થાપક ટ્રસ્ટી

છેલ્લાં ૧૬ વર્ષથી મહારાષ્ટ્રની માતૃભાષાની ગુજરાતી શાળાઓ (૭૦ સ્કૂલો)ને એક છત્ર તળે લાવીને એના ઉત્કર્ષ માટે તેમ જ નવી પેઢી આજના સંસ્કાર-સંસ્કૃતિથી વંચિત ન રહી જાય એટલે વિવિધ સ્તરે જનજાગૃતિ કરવાનું કાર્ય કરતી સંસ્થા મુંબઈ ગુજરાતી સંગઠનના ભાવેશ મહેતા કહે છે, ‘આજના વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે આપ સર્વે ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓને ખૂબ-ખૂબ શુભેચ્છા. ભારતીયોને એટલા માટે કે ભારત ત્યારે જ ભારત રહેશે જ્યારે એની વિવિધતા, વિવિધ ભાષા અને સંસ્કૃતિ જીવંત રહેશે. એટલે ભારતની દરેક ભાષા જીવંત રહેવી બહુ જરૂરી છે. ગુજરાતી એટલે ખમણ, ખાંડવી, ઊંધિયું અને ગરબા જ? ગુજરાતી ત્યારે કહેવાઈએ જ્યારે ગુજરાતી ભાષા બોલતાં-લખતાં આવડતી હોય, ગુજરાતી ભાષા પર ગર્વ હોય. આ ગર્વ શેનો? ગુજરાતી ભાષામાં રહેલા વિવિધ વારસાનો, સંસ્કાર-સંસ્કૃતિનો જે આ ભાષા દ્વારા આપણને થાય છે. એ ફ્ક્ત ગુજરાતી કુળમાં જન્મ લેવાથી ન આવે. એને માટે બારાખડીનું અક્ષરજ્ઞાન, નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં જે ભક્તિનું નિરૂપણ બાળપણથી કરે, અખાના છપ્પા જે અંધશ્રદ્ધા અને શ્રદ્ધા વચ્ચેનો ભેદ સમજાવે, કલાપીની કવિતા જે જીવદયાનો ભાવ જન્માવે, પ્રકૃતિ સાથે તન્મય થતાં શીખવે એવાં કાકા કાલેલકરનાં પ્રવાસવર્ણનો, સાચો વારસો જાળવી રાખતાં લોકગીતો, ગરબા, આજની બાળાઓમાં શૂરવીરતાનાં બીજ રોપે એવી ઝવેરચંદ મેઘાણીની ચારણકન્યા, દેશપ્રેમથી તરબોળ કરે એવી નર્મદની ગાથાઓનો ગર્વ હોવો જરૂરી છે. આ બધું નવી પેઢીને ક્યાંથી મળશે એ વિચારવું જરૂરી છે. ફ્ક્ત એક દિવસ માતૃભાષાની જય બોલાવવાથી કે સાહિત્યિક કાર્યક્રમ કરવાથી નહીં મળે. આજની પેઢીને જો માતૃભાષા લખતાં-વાંચતાં આવડતું જ ન હોય તો સાહિત્યની સમજ તો બહુ દૂરની વાત છે. માટે સાચી ઉજવણી તો આપણા માતૃભાષાનાં મૂળિયાં એટલે કે માતૃભાષાની શાળાઓ જ્યાં-જ્યાં છે એને મજબૂત કરીને આજના સમયને ટક્કર મારે એવી કરવાની જરૂર છે. માતૃભાષા બોલવામાં પણ જેમના નાકનાં ટેરવાં ચડે છે તેમનામાં માતૃભાષાનાં મહત્ત્વરૂપી બીજ રોપવાનું સાચું કાર્ય કરવાની જરૂર છે. જો નવી પેઢીને ખરી ભારતીય કે ખરી ગુજરાતી બનાવવી હશે તો પોતે સ્વીકારેલી પરદેશી ભાષાની ગુલામી છોડીને માતૃભાષા તરફ પાછી વાળવી પડશે. આ મુદ્દાને અવિરતપણે એક ક્રાન્તિની જેમ જીવંત રાખીને બધાએ ભેગા મળીને કાર્ય કરવું પડશે. હાલની સરકાર તો આ બાબતે સક્રિય છે, પણ આપણે આ બાબત સમજવા છતાં કે સ્વીકારવા છતાં અપનાવતાં અટકીએ છીએ શા માટે? આના પર ગંભીર રીતે આત્મમંથન કરીશું તો જ નર્મદને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે. જય જય ગરવી ગુજરાત.’

અંગ્રેજીમાં સારું શિક્ષણ મળશે તો ગુજરાતી માધ્યમની શાળાઓ ચાલશે- અશ્વિન અનમ, ગુજરાતી વિચાર મંચના સલાહકાર

ગુજરાતી માધ્યમોની શાળાઓને સારા શિક્ષકો ઉપલબ્ધ કરાવતી, સારી માળખાકીય સુવિધાઓ માટે મદદ કરતી તેમ જ શાળાને લગતી અન્ય કોઈ જરૂરિયાતો હોય તો એ પૂરી કરવાનો પ્રયત્ન કરતી સંસ્થા ગુજરાતી વિચાર મંચના સલાહકાર અશ્વિન અનમ કહે છે, ‘ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે ગુજરાતી માધ્યમની શાળાઓમાં અંગ્રેજીનું સારું શિક્ષણ આપવા પર ભાર મૂકવો જોઈએ જેથી માતૃભાષામાં ભણતો વિદ્યાર્થી કડકડાટ અંગ્રેજી બોલી શકે, વાંચી શકે, લખી શકે અને સમજી શકે. તો જ વાલીઓ તેમનાં સંતાનોને ગુજરાતી માધ્યમની શાળામાં ભણાવવા પ્રોત્સાહિત થશે. મુંબઈની મોટા ભાગની ગુજરાતી માધ્યમની શાળાઓ અનુદાનિત છે. શાળાઓમાં જે શિક્ષકો કામ કરે છે એ બધા સરકારી કર્મચારીઓ છે. તેમનાં પગારધોરણ બહુ ઊંચાં છે. તેમની નોકરી સુર​ક્ષિત છે. તેમને ખબર છે કે નિવૃત્ત થઈશું ત્યાં સુધી તેમને કોઈ તકલીફ થવાની નથી. એટલે અમુક નિષ્ઠાવાન શિક્ષકો છોડીને બાકીના લોકો ભણાવવા ખાતર ભણાવે છે. એટલે સંચાલકોની એ જવાબદારી છે કે તેઓ શાળાનું વ્યવસ્થાપન એવું કરે જ્યાં શાળાના શિક્ષકો ત્યાં ભણવા આવતા વિદ્યાર્થીઓ પર પૂરતું ધ્યાન આપે, તેમને વિષયો ગોખાવવા કરતાં સમજાવવા પર ધ્યાન આપે. સાથે જ શાળામાં બાળકોના સર્વાંગીણ વિકાસ પર ધ્યાન આપવામાં આવે અને એ માટે તેમને આધુનિક કમ્પ્યુટર શીખવાડવા પર, માહિતીસભર પુસ્તકોનો ભંડોળ હોય એવી લાઇબ્રેરી તેમ જ શારીરિક સુસજ્જતાના દૃષ્ટિકોણથી રમતગમત, યોગ, કસરત માટે સારી સુવિધા ઉપલબ્ધ કરાવવા પર ધ્યાન આપવું જોઈએ. ગુજરાતી માધ્યમની ઉત્તમ શાળાઓ બનાવવા માટે જેમણે માતૃભાષામાં શિક્ષણ લીધું હોય અને હાલમાં આર્થિક રીતે સક્ષમ હોય એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, મોટા ઉદ્યોગપતિઓ, વેપારીઓ, વિવિધ સમાજો, મંડળો, ટ્રસ્ટો, સમાજશ્રેષ્ઠીઓએ આગળ આવવું જોઈએ અને પોતાની મનગમતી કે પોતાના વિસ્તારની ગુજરાતી માધ્યમની શાળામાં આર્થિક અનુદાન અથવા તો અન્ય કોઈ રીતે મદદ કરીને અથવા ગુજરાતી માધ્યમની કોઈ પણ શાળાને દત્તક લઈને એને ઉત્તમ અને આધુનિક બનાવવાના પ્રયત્ન કરવો જોઈએ. ગુજરાતી માધ્યમની શાળાઓમાં બાળકો ભણતાં રહેશે તો જ ગુજરાતી ભાષા જીવંત રહેશે. નવી પેઢી જો ગુજરાતી વાંચી કે લખી ન શકે તો એ ફક્ત બોલચાલ પૂરતી જ સીમિત રહી જશે. ગુજરાતી માધ્યમની શાળા થકી જ ગુજરાતી ભાષા જીવંત રહી શકે છે. એ સિવાય એને જીવતી રાખવાનો બીજો કોઈ રસ્તો મને અત્યારે દેખાતો નથી.’

mumbai news mumbai gujarati medium school gujarati mid day culture news gujaratis of mumbai gujarati community news