ચોર પકડા ગયા

20 June, 2026 09:30 AM IST  |  Mumbai | Mehul Jethva

અનેક દેરાસરોમાંથી સિદ્ધચક્રની છબિઓ ચોરતી સિરિયલ તસ્કર આખરે પકડાઈ ઃ પોલીસને ચકમો આપવા ટ્રેન, રિક્ષા અને ટૅક્સી બદલીને ભાગતી ફરતી હતી પણ છેવટે ભાઈંદરમાંથી પકડાઈ ગઈ

ચોરી કરતી વખતે CCTV કૅમેરામાં કેદ થયેલી આરોપી મહિલા રશ્મિ અડિયા

મુંબઈના જુદા-જુદા વિસ્તારોમાં આવેલાં જૈન દેરાસરોને નિશાન બનાવીને લાખો રૂપિયાની સિદ્ધચક્રની છબિ ચોરનારી ૬૨ વર્ષની રશ્મિ અડિયાની સાયન પોલીસે ભાઈંદર-ઈસ્ટમાંથી ધરપકડ કરી છે. આ હાઈ-પ્રોફાઇલ ચોરીની ઘટના સામે આવ્યા બાદ મુંબઈના જૈન સમુદાય અને ધાર્મિક સ્થળોની સુરક્ષા-વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા હતા, જેને પગલે પોલીસે આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી હતી. આ સાથે જ પોલીસે મુંબઈ, થાણે અને એની આસપાસના અન્ય વિસ્તારોનાં દેરાસરોના ટ્રસ્ટીઓને અપીલ કરી હતી કે જો તેમના વિસ્તારમાં પણ આ પ્રકારની કોઈ ચોરી થઈ હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવે, જેથી આ મામલે કાયદેસરની વધુ કડક કાર્યવાહી કરી શકાય.

પકડાયેલી આરોપી મહિલા એટલી શાતિર હતી કે તે પોલીસની પકડથી બચવા માટે સતત પોતાના પ્રવાસનાં સાધનો બદલતી રહેતી હતી. તે ચોરીના સ્થળે પહોંચવા અને ત્યાંથી ભાગવા માટે અલગ-અલગ રિક્ષા અને ટૅક્સીનો ઉપયોગ કરતી હતી, જેને કારણે અમને CCTV કૅમેરાનાં ફુટેજ દ્વારા તેને ટ્રૅક કરવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી એમ જણાવતાં સાયન પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગયા રવિવારે સાયનની જૈન સોસાયટીમાં આવેલા અભિનંદન સ્વામી જૈન દેરાસરમાંથી ૮૦૦ ગ્રામ વજનની ચાંદીની પવિત્ર સિદ્ધચક્રની છબિ ચોરાઈ હોવાની ફરિયાદ અમારી પાસે આવી હતી. આ ઘટના બાદ અમે તાત્કાલિક ધોરણે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં જેમાં આરોપી મહિલાએ અન્ય દેરાસરોમાં પણ આ પ્રકારની ચોરી કરી હોવાની માહિતી સામે આવી હતી.’

સાયન પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘મહિલા સામે સૌથી પહેલો ગુનો પચીસ મેએ વડાલાના શ્રી મહાવીર શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન જ્ઞાન દેરાસરમાં ચોરીના આરોપસર RAK માર્ગ પોલીસ-સ્ટેશનમાં નોંધાયો હતો. ત્યાર બાદ વાકોલા અને પંતનગર પોલીસ-સ્ટેશનમાં પણ સમાન પ્રકારની ફરિયાદો નોંધાતાં તમામ પોલીસ-સ્ટેશનોની ડિટેક્શન ટીમો તેની પાછળ લાગી હતી. આખરે અમારી પાસે નોંધાયેલી ચોરીમાં તેની માહિતી કાઢતાં CCTV કૅમેરાના ફુટેજમાં તે રેલવે-સ્ટેશન જતી નજરે પડી હતી જેના આધારે મજબૂત ટેક્નિકલ માહિતી અને લોકેશન ટ્રૅકિંગના આધારે તેને અમે ભાઈંદરથી દબોચી લીધી હતી. હાલમાં આરોપી મહિલાની સઘન પૂછપરછ અમે કરી રહ્યા છીએ કે તે આ પ્રકારની પવિત્ર અને કીમતી વસ્તુઓની ચોરી કોના ઇશારે અને કયા હેતુથી કરતી હતી. આ ચોરી પાછળ અન્ય કોઈ મોટી ગૅન્ગ કાર્યરત છે કે કેમ એની ચોક્કસ માહિતી પણ એકઠી કરવામાં આવી રહી છે.’

jain community bhayander sion mumbai police Crime News mumbai crime news mumbai mumbai news