28 May, 2025 11:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આદિત્ય રૉય કપૂર
સલમાન ખાન બાદ અભિનેતા આદિત્ય રૉય કપૂરના ઘરમાં એક મહિલા ગિફ્ટ દેવાના બહાને ઘૂસી ગઈ હોવાનો મામલો સોમવાર રાતે પ્રકાશમાં આવ્યો હતો. ખાર પોલીસે સોમવારે મોડી રાતે આદિત્ય રૉય કપૂરની હાઉસ-હેલ્પ સંગીતા પવારની ફરિયાદ પર દુબઈની ૪૭ વર્ષની ગજાલા ઝકરિયા સિદ્દીકી સામે ટ્રેસપાસિંગનો ગુનો નોંધીને ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ગજાલા સોમવારે જ દુબઈથી મુંબઈ આવી હતી. તેની પાસે મોબાઇલ ન હોવાથી તે કયા ઉદ્દેશથી આદિત્યના ઘરમાં ગઈ હતી તેમ જ તેને કોણે મદદ કરી એની તપાસ હાથ કરવામાં આવી રહી છે.
ખાર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજીવ ધુમલે ઘટનાક્રમની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવાર સાંજે છ વાગ્યાની આસપાસ બાંદરાના શર્લી રાજન રોડ પર આવેલા રિઝવી કૉમ્પ્લેક્સના પૅસિફિક ટાવરમાં રહેતા આદિત્ય રૉય કપૂરના ઘરની એક મહિલાએ ડોરબેલ વગાડી હતી. એ સમયે આદિત્યની હાઉસ-હેલ્પ સંગીતા પવારે દરવાજો ખોલતાં આવેલી મહિલા આ આદિત્યનું ઘર છે? હું આદિત્ય માટે ભેટ લાવી છું એમ કહીને ઘરમાં પ્રવેશી હતી. ઘરની અંદર આવતાં હાઉસ-હેલ્પે મહિલાની પૃચ્છા કરતાં તેણે કહ્યું હતું કે આદિત્યએ તેને છ વાગ્યે ઘરે મળવા બોલાવી છે. આ સમયે આદિત્ય શૂટિંગ માટે ઘરથી બહાર હતો એટલે આવેલી મહિલાએ તેની રાહ જોઈ હતી. થોડી જ વારમાં આદિત્ય શૂટિંગથી ઘરે પાછો આવ્યો ત્યારે આદિત્યએ ઘરમાં પ્રવેશેલી મહિલાને ઓળખવાનો ઇનકાર કર્યો હતો. એ સમયે મહિલા તેની નજીક જવાની કોશિશ કરતાં હાઉસ-હેલ્પે આદિત્યને ઘરથી બહાર નીકળી જવાનું કહીને તાત્કાલિક આદિત્યના હાઉસ-મૅનેજરને ફોન કરીને ઘટનાની માહિતી આપી હતી. ત્યાર બાદ ઘટનાની જાણ અમને કરવામાં આવી હતી. અમારી ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મહિલાને તાબામાં લીધી હતી. વધુ તપાસ કરવામાં આવતાં મહિલાનું નામ ગજાલા ઝકરિયા સિદ્દીકી હોવાની માહિતી અમને મળી હતી.’
સિનિયર ઇન્સ્પેક્ટર સંજીવ ધુમલે વધુ માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી મહિલા સામે ટ્રેસપાસિંગનો ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મહિલા મૂળ દુબઈની રહેવાસી છે અને સોમવારે જ મુંબઈ આવી હોવાની અમને માહિતી મળી છે. આરોપી મહિલા પાસે મોબાઇલ પણ નથી, તેને આદિત્યના ઘરનું ઍડ્રેસ કોણે આપ્યું? આદિત્યના ઘરમાં ઘૂસવાનું કારણ શું હતું? મોટા ટાવરની કડક સુરક્ષા વચ્ચે કઈ રીતે તે આદિત્યના ઘર સુધી પહોંચી એની માહિતી જાણવાની અમે કોશિશ કરી રહ્યા છીએ. આ મહિલાનું મુંબઈ-કનેક્શન પણ અમે શોધી રહ્યા છીએ.’