ગેટવે ઑફ ઇન્ડિયા પાસે દરિયામાં પડી ગયેલી યુવતીને બચાવી લેવાઈ

10 January, 2022 09:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે તરત કોસ્ટલ પોલીસ અને કોલાબા પોલીસે ધસી જઈ યુવતીને સુખરૂપ બચાવી લીધી હતી

પ્રતીકાત્મક તસવીર

ગેટવે ઑફ ઇન્ડિયા નજીક બોટમાં દરિયાની સફરનો આનંદ લેતી વખતે એક યુવતી દરિયામાં પડી ગઈ હતી. જોકે તરત કોસ્ટલ પોલીસ અને કોલાબા પોલીસે ધસી જઈ યુવતીને સુખરૂપ બચાવી લીધી હતી. 
નવી ગાઇડલાઇન્સ મુજબ જાહેર ફરવાનાં સ્થળો ૧૦ જાન્યુઆરીથી બંધ થઈ જવાનાં છે. જોકે એ પહેલાં જ ગઈ કાલે રવિવારે રજાની મજા માણવા એક યુવતી તેના બૉયફ્રેન્ડ સાથે ગેટવે ઑફ ઇન્ડિયા આવી હતી અને ત્યાર બાદ તેઓ બોટમાં બેસી દરિયાની સફરે ઊપડ્યાં હતાં. જોકે એ વખતે સવારે ૧૦.૩૦ વાગ્યા હતા. એક મોટું દરિયાનું મોજું આવતાં બોટને વાગેલી થપાટથી બોટ સહેજ વાંકી વળી હતી. એ વખતે બોટના કઠેડા પર બેસેલી યુવતી દરિયામાં પડી ગઈ હતી. તરત જ પોલીસ કન્ટ્રોલને ૧૦.૪૩ વાગ્યે આ ઘટનાની જાણ કરાઈ હતી. 
મુંબઈ પોલીસે જણાવ્યા અનુસાર તેમણે કોલાબા પોલીસ અને કોસ્ટલ પોલીસને આ ઘટનાથી માહિતગાર કર્યા હતા. થોડી જ વારમાં કોસ્ટલ પોલીસ તેની બોટ સાથે ત્યાં 
પહોંચી ગઈ હતી અને કોલાબા પોલીસ પણ પહોંચી ગઈ હતી અને યુવતીને બચાવી લેવાઈ હતી. પોલીસે બચાલી લેતાં તેના બૉયફ્રેન્ડ સહિત બોટમાંના સૌએ પોલીસનો આભાર માન્યો હતો. 

mumbai mumbai news gateway of india