ધનશક્તિ સામે ઇચ્છાશક્તિ હોવી જોઈએ બળવાન

20 October, 2021 08:31 AM IST  |  Mumbai | Rohit Parikh

આ વાતને જીવનમંત્ર બનાવનારો વરલીમાં રહેતો ડૉ. મીત વાઘેલા નીટ પીજી મે‌ડિકલ એન્ટ્રન્સમાં ૧,૮૦,૦૦૦ ડૉક્ટરોમાંથી રાષ્ટ્રીય સ્તરે ચોથા અને મહારાષ્ટ્રમાં પહેલા ક્રમાંકે આવ્યો છે

ડૉ. મીત વાઘેલા મહારાષ્ટ્રમાં ફર્સ્ટ આવ્યો

વરલીમાં ભિવંડીવાલા બિલ્ડિંગની ચાલ સિસ્ટમમાં રહેતો ડૉ. મીત દિનેશ વાઘેલા નીટ પીજી મે‌ડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં ૧,૮૦,૦૦૦ ડૉક્ટરોમાંથી રાષ્ટ્રીય સ્તરે ચોથા ક્રમાંકે અને મહારાષ્ટ્રમાં પહેલા ક્રમાંકે આવ્યો છે. મીત પરેલની જીએસ મેડિકલ કૉલેજ (કેઈએમ હૉસ્પિટલ)નો હોનહાર ડૉક્ટર છે.
મીત વાઘેલા સ્કૂલના સમયમાં નવમા ધોરણ સુધી ૭૦ ટકા લાવતો એક સામાન્ય વિદ્યાર્થી હતો. જોકે તેના મોટા પપ્પા ખીમજીભાઈ દયાળભાઈ વાઘેલાની મૃત્યુ સમયે ઇચ્છા હતી કે તેમના પરિવારમાંથી કોઈ ડૉક્ટર બને. મોટા પપ્પાની આ ઇચ્છા પૂરી કરવા મીતે બીડું ઝડપ્યું હતું. તેણે અથાગ મહેનત શરૂ કરી હતી. એ દિવસ પછી મીતે ક્યારેય પાછું વળીને જોયું નથી. તેણે તેના જીવનનો એક મંત્ર બનાવી લીધો હતો કે મહેનત અને પરિશ્રમનો કોઈ પર્યાય નથી. ધનશક્તિ સામે ઇચ્છાશક્તિ બળવાન હોવી જોઈએ. એ મંત્ર સાથે દરજી પરિવારના ૧૬ સભ્યોના સંયુકત પરિવાર વચ્ચે ઊછરેલા મીતે આઇસીએસએઈ બોર્ડની દસમા ધોરણની એક્ઝામ ૯૫ ટકા સાથે પાસ કરી હતી. ત્યાર પછી નીટમાં મહારાષ્ટ્રમાં ૫૦મો નંબર લાવીને મીતે જીએસ મેડિકલ કૉલેજમાં ઍડ્મિશન મેળવ્યું હતું. 
મીતની સફળતા પાછળ મોટા પપ્પાની છેલ્લી ઇચ્છા પૂરી કરવા માટેનો અડગ નિશ્ચય અને એ નિશ્ચય પૂરો કરવા માટેની ભારે જહેમત જવાબદાર હતાં. એ વિશે જાણકારી આપતાં ટેલરિંગનો બિઝનેસ કરી રહેલા મીતના પિતા દિનેશ વાઘેલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેનું જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે પહેલાં તો અમને ખબર પડી કે મીતને નીટ પીજી મે‌ડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં ૮૦૦માંથી ૭૦૯ માર્ક મળ્યા છે. ત્યારે રાતના સાડાદસ-અગિયાર વાગ્યા હતા. રાતના બે વાગ્યે તેના એક મિત્રનો ફોન આવ્યો કે મીત નૅશનલ લેવલ પર ચોથા ક્રમાંકે આવ્યો છે. અમને આશા હતી કે મીત દોઢસોની અંદર નંબર લાવશે, પરંતુ અમને જ્યારે ખબર પડી કે મીત નૅશનલ લેવલ પર ચોથા નંબરે આવ્યો છે ત્યારે મારી અને મારી મિસિસની આંખો હરખનાં આંસુથી ભરાઈ ગઈ હતી. અમારા માટે ભલે તેનું પરિણામ આશ્ચર્યજનક હતું, પરંતુ મીતે જે મહેનત કરી હતી એ જોતાં એવું લાગ્યું કે તે આ ડિઝર્વ કરે છે. તેની મમ્મી ટેન્થ સુધી ભણી છે અને હું ટ્વેલ્થ સુધી જ ભણ્યો છું. એ સંજોગોમાં અમારો દીકરો આ સિદ્ધિ પ્રાપ્ત કરે એ ભાવના અમે શબ્દોથી વ્યક્ત કરી શકતા નથી. અમને તો તેના રિઝલ્ટની ખબર પડી ત્યારે અમને ઘણા લોકોએ કહ્યું કે તમે પ્રાઉડ પેરન્ટ્સ છો, તમને ગર્વ થતો હશે. જોકે અમારી ડિક્શનરીમાં આ શબ્દો નથી. અમે તો મીતની સફળતા માટે ભગવાનનો જ આભાર માન્યો હતો કે હે પ્રભુ, તે મારા દીકરાની મહેનતનું ફળ આપ્યું છે. અમે એનાથી ખૂબ જ ખુશ થયા છીએ.’ 
મારી સફળતા માટે હું મારા સંયુક્ત પરિવારને શ્રેય આપું છું એમ જણાવતાં ડૉ. મીત વાઘેલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારો પરિવાર બહુ મોટો છે અને અમે નાની-નાની ત્રણ રૂમમાં ચાલ સિસ્ટમમાં રહીએ છીએ જ્યાં મને બધી જ સુવિધાઓ મળી રહે એ શક્ય નહોતું. કમ્ફર્ટ ઝોન મળવો અત્યંત મુશ્કેલભર્યો હોય છે. જોકે અમારી પાસેની બેઝિક સુવિધાઓમાં પણ મારાં નાનાં ભાઈ-બહેનોથી લઈને બધા જ કઝિનોએ તેમ જ વડીલોએ મારા ભણવા માટે નાની જગ્યામાં પણ મને બધી જ સુવિધાઓ મળી રહે એનું આજ સુધી ધ્યાન રાખ્યું છે. મેં પણ એની સામે મારા લક્ષ્યને પૂરું કરવા માટે અને મારા પપ્પાની અંતિમ ઇચ્છા પૂરી કરવા માટે નાના ઘરમાં પણ ઍડ્જસ્ટમેન્ટ કરીને ભણવાનું ચાલુ રાખ્યું હતું. પરીક્ષાના સમયમાં અડધી રાતના મારા માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરવા મારા પરિવારના બધા જ સભ્યો હંમેશાં તૈયાર રહેતા હતા.’ 

Mumbai mumbai news rohit parikh