...તો શરદ પવાર ફરી મુખ્ય પ્રધાન?

03 November, 2019 10:03 AM IST  |  મુંબઈ

...તો શરદ પવાર ફરી મુખ્ય પ્રધાન?

શરદ પવાર

કૉન્ગ્રેસના બહારથી ટેકા સાથે એનસીપી-શિવસેના સરકાર બનાવી શકે- જો કે મુખ્ય પ્રધાનપદનો આગ્રહ રાખતી શિવસેના નમતું જોખવા બાબતે શંકા
મહાયુતિમાં ચૂંટણી લડ્યા બાદ પણ રાજ્યમાં સત્તા સ્થાપવા માટે બીજેપી અને શિવસેના વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે ત્યારે એનસીપીના ચીફ શરદ પવાર ફરી મુખ્ય પ્રધાન બને એવા ચોંકાવનારા સમાચાર જાણવા મળ્યા છે. એનસીપી શિવસેના સાથે મળીને સરકાર બનાવશે અને કૉન્ગ્રેસ તેમને બહારથી ટેકો આપે એવું ત્રણેય પક્ષ વચ્ચે રંધાઈ રહ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આ બાબતે ચર્ચા કરવા આવતી કાલે શરદ પવાર સોનિયા ગાંધીને મળી શકે છે. જો કે શિવસેના અત્યારે મુખ્ય પ્રધાનના પદનો આગ્રહ રાખી રહી છે એના પરથી તે એનસીપીને આ પદ આપવા તૈયાર થાય એવી શક્યતા નહીંવત છે.
આ સરકારમાં એનસીપી-શિવસેના ૫૦-૫૦ ટકાની ફૉર્મ્યુલાને ધોરણે પહેલા અઢી વર્ષ શરદ પવાર મુખ્ય પ્રધાન અને આદિત્ય ઠાકરે નાયબ મુખ્ય પ્રધાનનું પદ સંભાળી શકે છે. આ પ્રકારની ગોઠવણમાં એનસીપીને કૉન્ગ્રેસનો ટેકો હોવાથી કૉન્ગ્રેસે શિવસેનાને ટેકો આપવાની ટીકાનો સામનો નહીં કરવો પડે.
સૂત્રોના કહેવા મુજબ એનસીપીના સિનિયર નેતાઓ વચ્ચે આ બાબતની ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે. બન્ને પક્ષના વરિષ્ઠ નેતાઓની બેઠક બાદ આગળની વ્યૂહરચના સ્પષ્ટ થશે.
શિવસેનાને ટેકો આપવા બાબતે કૉન્ગ્રેસના કેટલાક નેતાઓ આગ્રહ કરી રહ્યા છે, પણ શિવસેનાને સીધો ટેકો આપે તો ટીકાનો સામનો કરવો પડે એને બદલે એનસીપીને ટેકો આપવાનું કૉન્ગ્રેસ માટે સરળ બનશે. કૉન્ગ્રેસ સત્તામાં સહભાગી નહીં થાય, પણ બહારથી ટેકો આપશે. એવી જ રીતે શિવસેના-એનસીપી વચ્ચે ૫૦-૫૦ ટકા સત્તામાં ભાગીદારી રહેશે. એ માટેની હિલચાલ શરૂ થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની કુલ ૨૮૮ બેઠકમાંથી બીજેપીને ૧૦૫, શિવસેનાને ૫૬, એનસીપીને ૫૪, કૉન્ગ્રેસને ૪૪ તથા અપક્ષ-નાના પક્ષોને ૨૯ બેઠક મળી હતી. જો ખરેખર સરકાર બનાવવા માટે ત્રણેય પક્ષો ગંભીરતાથી વિચારતા હોય તો તેઓ ૧૫૪ વિધાનસભ્યો સાથે બહુમતના ૧૪૫ના આંકડાને આસાનીથી ક્રૉસ કરે છે. જો કે શિવસેના મુખ્ય પ્રધાનપદ છોડે એવી શક્યતા નહીવત હોવાની સાથે આવી સરકાર પર લટકતી તલવાર રહેવાને લીધે આવો નિર્ણય ન જ લે એવું રાજકીય પંડિતો કહે છે.

શરદ પવાર રાજ્યમાં સત્તાસ્થાપના બાબતે સોનિયા ગાંધીને મળશે
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પછી સત્તા સ્થાપના બાબતે ડહોળાયેલા વાતાવરણમાં એનસીપીના પ્રમુખ શરદ પવાર આવતા સોમવારે દિલ્હીમાં કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીને મળનાર હોવાનું એનસીપીના નેતા અજિત પવારે જણાવ્યું હતું. અજિત પવારે ગઈ કાલે પ્રસાર માધ્યમોને જણાવ્યું હતું કે ‘વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો ૨૪ ઑક્ટોબરે બહાર પાડવામાં આવ્યાં ત્યારથી કૉન્ગ્રેસ અને એનસીપીએ વિરોધ પક્ષ રૂપે બેસવાની તૈયારી કરી છે. હવે શરદ પવાર અને સોનિયા ગાંધી વચ્ચેની ચર્ચા પર ભાવિ કાર્યવાહીનો આધાર છે.’

આ પણ જુઓઃ મિત્ર ગઢવીની આગામી ફિલ્મનું શૂટ થયું પૂર્ણ, જાણો ફિલ્મ વિશે બધું જ તસવીરો સાથે....

મહારાષ્ટ્ર વિધાનસભાની મુદત આગામી ૭ નવેમ્બરે પૂરી થાય છે, પરંતુ હજી સુધી કોઈ પણ પક્ષ કે ગઠબંધને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો નથી. ૨૪ ઑક્ટોબરે જાહેર કરવામાં આવેલાં પરિણામો અનુસાર રાજ્ય વિધાનસભાની ૨૮૮ બેઠકોમાંથી બીજેપીને ૧૦૫, શિવસેનાને ૫૬, એનસીપીને ૫૪ અને કૉન્ગ્રેસને ૪૪ બેઠકો મળી છે.

sharad pawar sonia gandhi nationalist congress party