સોમવારથી સ્કૂલો થશે શરૂ?

20 January, 2022 10:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે યોજાનારી કૅબિનેટની મીટિંગમાં નિર્ણય આવવાની શક્યતા

ફાઇલ તસવીર

કોરોનાની ત્રીજી લહેરમાં જોખમ વધતા રાજ્યની સ્કૂલોમાં ઑફલાઇન એજ્યુકેશન બંધ કરવામાં આવ્યું હતું. હવે કોરોનાના કેસ નિયંત્રણમાં હોવાની સાથે શૈક્ષણિક વર્ષ પૂરું થવામાં છે ત્યારે રાજ્યનાં સ્કૂલ શિક્ષણપ્રધાન વર્ષા ગાયકવાડે સોમવારથી જે વિસ્તારમાં કોરોનાનું જોખમ ઓછું હોય એવા સ્થળે ફરી ઑફલાઇન ક્લાસ શરૂ કરવાનો પ્રસ્તાવ ગઈ કાલે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મોકલ્યો હતો. વર્ષા ગાયકવાડે આ વિશે કહ્યું હતું કે ‘મોટા પ્રમાણમાં શિક્ષણનિષ્ણાતો અને શિક્ષકો દ્વારા ઑફલાઇન સ્કૂલો શરૂ કરવાની માગણી કરાઈ રહી છે. આથી કોરોનાના ઓછા કેસ આવતા હોય એવા વિસ્તારમાં સ્થાનિક કલેક્ટરના માધ્યમથી સ્કૂલ શરૂ કરવાનો નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવે એવો પ્રસ્તાવ મુખ્ય પ્રધાનને મોકલ્યો છે.’
આજે યોજાનારી કેબિનેટની બેઠકમાં સ્કૂલો પુનઃ ઑફલાઇન શરૂ કરવાના મુદ્દાની સમીક્ષા થાય એવી શક્યતા છે. સ્કૂલો રીઓપન કરવાની વાલી અને સ્કૂલોનાં સંગઠનોની સતત માગણીને કારણે સરકાર પર દબાણ સર્જાયું છે. મહારાષ્ટ્ર ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટીઝ અસોસિએશન (મેસ્ટા)એ અને પેરન્ટ્સ અસોસિએશન ઑફ મુંબઈએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને સુધરાઈના કમિશનર આઇ. એસ. ચહલને પત્ર મોકલીને ૨૪ જાન્યુઆરીથી સ્કૂલો ફરી ખોલવાની માગણી કરી હતી. ત્રીજી લહેરને પગલે સ્કૂલો ૧૫ ફેબ્રુઆરી સુધી બંધ રખાઈ છે.
સંગઠનોએ એવી દલીલ કરી છે કે જ્યારે આખું શહેર ખુલ્લું છે તો પછી સ્કૂલો શા માટે બંધ કરી દેવાઈ છે? આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે ‘બાળકોમાં સંક્રમણનો દર નીચો હોવા છતાં તેઓ વાહક બની શકે છે અને ઘરે સિનિયર સિટિઝનોને સંક્રમિત કરી શકે છે. જોકે આ સપ્તાહે કૅબિનેટ મીટિંગમાં વાલીઓ, સ્કૂલોનાં સંગઠનો, ટાસ્ક ફોર્સ અને અન્ય નિષ્ણાતોના અભિપ્રાયોને ધ્યાનમાં લેવાશે.’
મેસ્ટાના જનરલ સેક્રેટરી વિનોદ કુલકર્ણીએ જણાવ્યું હતું કે ‘અમે કૅબિનેટના નિર્ણયની રાહ જોઈશું. જો સાનુકૂળ જવાબ ન મળ્યો તો અમે નિયંત્રણોનું પાલન કરીને મંત્રાલય બહાર શાંતિપૂર્ણ માર્ચ યોજીશું.’

coronavirus covid19 mumbai mumbai news