શહેરમાં બસ અને ટ્રકને પાર્કિંગ પૂરું પાડવાનો પ્લાન કરો તૈયાર

19 October, 2021 11:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટ્રાન્સપોર્ટરોના પ્રતિનિધિમંડળની હાજરીમાં મુખ્ય પ્રધાને આપ્યો અધિકારીઓને આદેશ : કોવિડને કારણે ટ્રાન્સપોર્ટરોને થયેલા નુકસાનનો ઉપાય શોધવાની હૈયાધારણ પણ ઉદ્ધવ ઠાકરેએ આપી

ફાઈલ તસવીર

કોવિડને લીધે આર્થિક મુશ્કેલી અનુભવી રહેલા રાજ્યના ટ્રાન્સપોર્ટરો બાબતે યોગ્ય ઉપાય કરવામાં આવશે તથા  રાજ્યના ફાઇનૅન્સ, ટ્રાન્સપોર્ટ અને પોલીસ વિભાગને ટ્રાન્સપોર્ટરોની માગણીઓને સંતોષવા માટેના નિર્દેશ આપવામાં આવશે એમ ગઈ કાલે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું.  મહારાષ્ટ્ર રાજ્ય ટ્રક, ટેમ્પો, ટૅન્કર્સ બસ વાહતૂક મહાસંઘના પ્રતિનિધિમંડળે ગઈ કાલે સહ્યાદ્રિ ગેસ્ટહાઉસમાં મુખ્ય પ્રધાનની મુલાકાત લઈને તેમની સાથે ચર્ચા કરી હતી. આ સમયે રાજ્યના સંસદસભ્યો, એનસીપીના ચીફ શરદ પવાર, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, પરિવહનપ્રધાન અનિલ પરબ, ગૃહપ્રધાન દિલીસ વળસે પાટીલ, પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરે સહિતના નેતાઓ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા.

ટ્રાન્સપોર્ટરોના પ્રતિનિધિઓએ વાર્ષિક મોટર વેહિકલ ટૅક્સમાં અને બિઝનેસ ટૅક્સમાં રાહત આપવાની સાથે સ્કૂલો અને ધાર્મિક સ્થળોએ પ્રવાસીઓનું વહન કરનારાં વાહનોને મોટર ટૅક્સ આ વર્ષે બાદ કરવાની માગણી કરી હતી. તેમણે રાજ્યભરનાં શહેરોમાં બસ અને ટ્રક પાર્ક કરવાની વ્યવસ્થા કરવાની સુવિધા આપવાની માગણી પણ કરી હતી.

તેમણે રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં ૧૦થી ૧૬ કલાકની એન્ટ્રી પરનો પ્રતિબંધ દૂર કરવાની સાથે ઍરકન્ડિશન્ડ બસો પરનો ટૅક્સ ઓછો કરવાની માગણી પણ કરી હતી. આ સિવાય તેમણે પબ્લિક સર્વિસ વાહનોની કરાતી ચેકિંગ કરવાનો પોલીસનો અધિકાર પાછો ખેંચવાની અપીલ પણ કરી હતી. મુખ્ય પ્રધાને ટ્રાન્સપોર્ટરોની મુશ્કેલી અને માગણીઓ સાંભળ્યા બાદ અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટને બસ અને ટ્રકો માટે દરેક શહેરમાં પાર્કિંગની જગ્યા પૂરી પાડવાનો પ્લાન તૈયાર કરવાના નિર્દેશ આપવાનું આશ્વાસન આપ્યું હતું. આ સિવાય તેમણે રાજ્યની દરેક ચેકપોસ્ટ પર ટ્રૉમા સેન્ટરો ઊભાં કરવાનું પણ સંબંધિત અધિકારીઓને કહ્યું હતું.

mumbai mumbai news uddhav thackeray