નાલાસોપારામાં પતિની હત્યા કરીને ભાગેલી પત્ની અને તેના પ્રેમીને પુણેથી ઝડપી લેવાયાં

23 July, 2025 07:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આરોપીએ વૉટ્સઍપ ખોલ્યું અને તેનું લોકેશન પોલીસને મળી ગયું

વિજય ચૌહાણ, ચમન ચૌહાણ, મોનુ વિશ્વકર્મા

નાલાસોપારા-ઈસ્ટના ધાનિવ બાગના વિજય ચૌહાણની હત્યા સંદર્ભે પેલ્હાર પોલીસે તેની પત્ની ચમન ચૌહાણ અને તેમના પાડોશી મોનુ વિશ્વકર્માને પુણેથી ઝડપી લીધાં છે.

કેસની તપાસ કરી રહેલી પેલ્હાર પોલીસે બન્નેના મોબાઇલ ટ્રૅક પર મૂક્યા હતા. મોનુ વિશ્વકર્માએ મંગળવારે સવારે વૉટ્સઍપ ચેક કરવા ફોન ઑન કર્યો હતો અને તેમનું લોકેશ‌‌ન પુણે હોવાનું પોલીસને જણાઈ ગયું હતું. એથી તરત જ પેલ્હાર પોલીસે પુણે પોલીસને જણાવી તેમની મદદ લઈને બન્નેને તાબામાં લઈ લીધાં હતાં અને ત્યાર બાદ તેમને પેલ્હાર લાવવામાં આવ્યાં હતાં.

શું બન્યું હતું?

નાલાસોપારામાં રહેતા વિજય ચૌહાણનો મૃતદેહ તેના જ ઘરમાં ફર્શની નીચે દાટેલો મળી આવ્યો હતો. એથી પેલ્હાર પોલીસે હત્યાનો કેસ નોંધીને તપાસ ચાલુ કરી હતી. વિજયની પત્ની અને તેમનો પાડોશી મોનુ બન્ને ગાયબ હતાં એટલે તેમના પર શંકા જતાં પોલીસે તેમની શોધ ચાલુ કરી હતી.

તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે વિજયની એક ઇનશ્યૉરન્સ પૉલિસી પાકી હતી અને એના તેને ૬ લાખ રૂપિયા મળ્યા હતા. બીજું તેણે કેટલાક રૂપિયા બચાવ્યા પણ હતા. તે નાલાસોપારામાં જ એક રૂમનો ફ્લૅટ ખરીદવાનો વિચાર કરી રહ્યો હતો અને એ માટે તેના કાકાને પણ તેણે કહીને રાખ્યું હતું. વિજય ગાયબ થયા બાદ તેની પત્ની ચમને વિજયના અકાઉન્ટમાંથી તેના ડેબિટ કાર્ડથી નાલાસોપારાનાં અલગ-અલગ ઑટોમેટેડ ટેલર મશીન (ATM)માંથી લાખો રૂપિયા ઉપાડ્યા હોવાનું જણાઈ આવ્યું હતું.  

nalasopara murder case crime news mumbai crime news mumbai police whatsapp mumbai news news mumbai maharashtra maharashtra news