મર્યા પછી પણ કેમ શાંતિ નથી...

27 May, 2022 08:12 AM IST  |  Mumbai | Mehul Jethva

બે મહિના પહેલાં લોન રિકવરી એજન્ટોના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરનારાં દક્ષા બોરીચાના ભાઈને હજી પણ તેમના ફોનનો સામનો કરવો પડી રહ્યો છે અને હવે તેઓ પૈસા ભરવા માટે તેમને હૅરૅસ કરી રહ્યા છે

દક્ષા બોરીચા

ભાઈંદરમાં રહેતાં ૪૩ વર્ષનાં દક્ષા બોરીચાએ લોન ઍપ્લિકેશનમાંથી લીધેલી લોનના આશરે ૨૦૦ ટકા વધારે પૈસા ભર્યા પછી પણ તેમને રિકવરી એજન્ટો ત્રાસ આપતા હોવાથી ૧૬ માર્ચે આત્મહત્યા કરી હતી. એની ફરિયાદ નવઘર પોલીસે નોંધીને તપાસ શરૂ કરી હતી. આ ઘટનાને આશરે બે મહિના વીતી ગયા હોવા છતાં હજી પણ દક્ષાના ભાઈ જતીનને લોન રિકવરી એજન્ટો ફોન કરીને દક્ષાએ લીધેલી લોનના પૈસા ભરવા માટે ત્રાસ દઈ રહ્યા છે.
ભાઇંદર-ઈસ્ટના કૅબિન રોડ પર રાવલનગરમાં પરમેશ્વર કૃપા બિલ્ડિંગમાં રહેતાં દક્ષા બોરીચાની ડેડ બૉડી ૧૬ માર્ચે ગોરાઈ બીચ પરથી મળી આવી હતી. પ્રાથમિક માહિતીના આધારે તપાસ કરતાં દક્ષા બોરીચાએ સુસાઇડ કર્યું હોવાની માહિતી મળી હતી. એ પછી પરિવારને દક્ષાએ લખેલી સુસાઇડ-નોટ તેમના કબાટમાંથી મળી હતી. એમાં જણાવ્યું હતું કે તેમણે ક્વિક લોન અને સનશાઇન લોન ઍપ્લિકેશનમાંથી લોન લીધી હતી, જેના હપ્તા સમય પર ભરી દીધા હતા છતાં ઍપના રિકવરી એજન્ટો તેમને હપ્તા ભરવા માટે કાયમ ફોન કરતા હતા અને હપ્તા ન ભરવા બદલ તેમના ફોટો મૉર્ફ કરી સંબંધીઓને મોકલ્યા હતા. આ બધાં કારણોથી કંટાળીને તેઓ આત્મહત્યા કરતાં હોવાનું સુસાઇડ-નોટમાં જણાવ્યું હતું. સુસાઇડ-નોટના આધારે આત્મહત્યા માટે પ્રેરિત કરનાર ઍપ્લિકેશન રિકવરી એજન્ટો સામે નવઘર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી હતી. આ ઘટનાને આશરે બે મહિના વીતી ગયા હોવા છતાં દક્ષાના ભાઈ જતીનને ઍપ્લિકેશન રિકવરી એજન્ટો ફોન કરીને પૈસા ભરવા માટે પરેશાન કરી રહ્યા છે.  
દક્ષાબહેનના ભાઈ જતીન બોરીચાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દક્ષાના મૃત્યુ પછી અમે તેનું બૅન્ક-સ્ટેટમેન્ટ જોયું હતું જેમાં તેણે સાત-સાત હજારની ચાર વાર લોન લીધી હતી. એની સામે તેણે ૯૪,૦૦૦ રૂપિયા ચૂકવ્યા હતા. આત્મહત્યા પહેલાં પણ તેણે લોનના હપ્તા ભર્યા હતા એમ છતાં તેઓ તેને પરેશાન કરી રહ્યા હતા એટલે આત્મહત્યા કરી હતી. તેના મૃત્યુ પછી મેં આશરે મેસેજના ૪૫૦ સ્ક્રીન-શૉટ પોલીસને આપ્યા હતા, જેઓ અમારા કેસ પર કામ કરી રહ્યા છે. એમ છતાં ‘મની મેક’ નામની ઍપ્લિકેશનના રિકવરી એજન્ટો મને હાલમાં પણ ફોન કરીને પૈસા ભરવા માટે કહી રહ્યા છે. મેં તેમને દક્ષાના મૃત્યુ વિશેની વાત કહી ત્યારે તેમણે મને અપશબ્દો કહ્યા હતા અને કહ્યું હતું કે દક્ષાને તમે કોઈ જગ્યાએ સંતાડી રાખી છે. એ સાથે અનેક વાતો મને સંભળાવી હતી. મારા ઘરની વ્યક્તિ તો ગઈ, હવે તેઓ મને કેમ પરેશાન કરી રહ્યા છે એ મને સમજાતું નથી. આ બધું જોતાં મને સમજાય છે કે દક્ષાને તેઓ કઈ રીતનો ત્રાસ આપતા હશે.’
નવઘર ડિવિઝનના એસીપી શશિકાંત ભોસલેનો ‘મિડ-ડે’એ સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે હું તમે કહેલા કેસ પર તપાસ કરી રહ્યો છું અને વધુ માહિતી ભેગી કરું છું.

લોન ઍપ્લિકેશનમાં ભાઈંદરનો ૧૯ વર્ષનો સ્ટુડન્ટ ફસાયો
ભાઇંદર-વેસ્ટમાં બાલાજીનગરમાં રહેતા ૧૯ વર્ષના સ્ટુડન્ટે કરેલી ફરિયાદ અનુસાર ૧૨ મેએ તે ઇન્સ્ટાગ્રામ જોઈ રહ્યો હતો ત્યારે તેને હેડશી લોન ઍપ્લિકેશન દેખાઈ હતી. તેણે એ ડાઉનલોડ કરી હતી. ઍપ્લિકેશનની વધુ વિગત લેતાં તેણે ઍપ્લિકેશન ચાલુ કરી એમાં પોતાની તમામ માહિતીઓ ભરી હતી. કોઈ પૈસાની માહિતી ન આપવા છતાં થોડી વારમાં તેના અકાઉન્ટમાં ૩૮૫૦ રૂપિયા જમા થઈ ગયા હતા. એ પછી ૧૭ મેએ તેને ૭૦૦૦ રૂપિયા ભરવા માટે મેસેજ આવ્યો હતો. એ પછી ફોન આવવાના ચાલુ થતાં તેણે કહ્યું હતું કે મને કોઈ લોનની જરૂર ન હોવા છતાં તમે પૈસા મોકલ્યા છે એટલે હું તમારા આવેલા પૈસા જ પાછા ભરીશ. આ સાંભળીને સામેવાળી વ્યક્તિએ તેને ધમકાવ્યો હતો અને તેના ફોટો સાથે એક મેસેજ લખી મોકલ્યો હતો જેમાં લખ્યું હતું કે આ યુવકે ૧૫ વર્ષની છોકરી પણ બળાત્કાર કર્યો છે અને ચાર કલાક પહેલાં અહીંથી ભાગ્યો છે. એ મેસેજ એકાએક આવતાં હું ડરી ગયો હતો. એ પછી તેણે ભાઈંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

 મેં તેમને દક્ષાના મૃત્યુ વિશેની વાત કહી ત્યારે તેમણે મને અપશબ્દો કહ્યા હતા અને કહ્યું હતું કે દક્ષાને તમે કોઈ જગ્યાએ સંતાડી રાખી છે.
જતીન, દક્ષા બોરીચાનો ભાઈ

Mumbai mumbai news mehul jethva