લૉકડાઉન દરમ્યાન ડોમ્બિવલીમાં ચાતુર્માસ પ્રવેશ કરવા આવેલા

30 May, 2020 07:32 AM IST  |  Mumbai | Mehul Jethva

લૉકડાઉન દરમ્યાન ડોમ્બિવલીમાં ચાતુર્માસ પ્રવેશ કરવા આવેલા

ચોમાસું માથા પર છે, અમારા મહારાજસાહેબ ચોમાસામાં વિહાર ન કરે. આથી સવારે ૩૫ મહારાજસાહેબ અહીં આવ્યા હતા.- ભદ્રેશ દોશી, સંદપ ગાવ દેરાસરના ટ્રસ્ટી

ડોમ્બિવલી-ઈસ્ટમાં સંદપ ગામમાં આવેલા દેરાસરમાં ૩૫ જૈન સાધુ ચાતુર્માસ કરવા માટે આવ્યા હોવાની જાણ સ્થાનિક રહેવાસીઓને થતાં તેમણે પોલીસ બોલાવી હતી. દરમ્યાન પોલીસે દેરાસરના ટ્રસ્ટી વિરુદ્ધ ફરિયાદ નોંધી હોવાનું જાણવા મળ્યું છે.
છેલ્લા બે મહિનાથી ઘાટકોપરમાં રહેતા જૈન સાધુઓ ચોમાસું નજીક આવતાં ચાતુર્માસ કરવા ડોમ્બિવલીના સંદપ ગામમાં આવેલા દેરાસરમાં પહોંચ્યા હતા. સાધુઓને આવેલા જોઈને સોસાયટીના રહેવાસીઓએ તેમનો વિરોધ કર્યો હતો. સોસાયટી અને નજીકના દેરાસરમાં કોઈ આવવાથી કોરોનાનું સંક્રમણ થવાના ડરથી તેમણે આ બાબતે પોલીસને જાણ કરી હતી.
સંદપ ગાવ દેરાસરના ટ્રસ્ટી ભદ્રેશ દોશીએ જણાવ્યું કે ‘સ્થાનિક રહેવાસીઓએ જૈન સાધુઓ સામે વિરોધ કર્યો એ દુખદ બાબત છે. આ લોકો કહે છે કે કોરોનાનું સંક્રમણ થશે. અમે લૉકડાઉનનું પાલન કરીને બે મહિનાથી દેરાસર બંધ રાખ્યું છે. ચોમાસું માથા પર છે, અમારા મહારાજસાહેબ ચોમાસામાં વિહાર ન કરે. આથી સવારે ૩૫ મહારાજસાહેબ અહીં આવ્યા હતા. અહીં પધારેલા પંડિત મહારાજસાહેબે સામે ચાલીને પાલિકાના અધિકારીને તમામની મેડિકલ-ટેસ્ટ કરાવવાનું કહ્યું હતું. તેમની સાથેના બીજા ચાર જણની પણ ટેસ્ટ કરાઈ છે. તમામ એકદમ સ્વસ્થ છે.’
માનપાડાના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર દાદાહરિ ચૌરેએ જણાવ્યું હતું કે ‘અમને સ્થાનિક નાગરિકોની ફરિયાદ મળતાં અમે કાર્યવાહી કરી છે. દેરાસરના ટ્રસ્ટી ભદ્રેશ દોશી વિરુદ્ધ લૉકડાઉનના ઉલ્લંઘનની ફરિયાદ કરવાની સાથે અમે તેમને નોટિસ આપી છે.’

dombivli mumbai mumbai news mehul jethva lockdown