મહારાષ્ટ્ર બીજેપીના સંગઠનમાં કેમ એક જ ગુજરાતીને સ્થાન?

05 July, 2020 10:42 AM IST  |  Mumbai Desk | Mumbai correspondent

મહારાષ્ટ્ર બીજેપીના સંગઠનમાં કેમ એક જ ગુજરાતીને સ્થાન?

મિહિર કોટેચા, યોગેશ સાગર, કિરીટ સોમૈયા

મહારાષ્ટ્ર બીજેપીના શુક્રવારે જાહેર થયેલા નવા સંગઠનમાં મુલુંડના બીજેપીના વિધાનસભ્ય મિહિર કોટેચાને ટ્રેઝરરની જવાબદારી સોંપવામાં આવી છે. મુંબઈ અને થાણેમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસતા હોવા છતાં એકમાત્ર ગુજરાતીને રાજ્યના સંગઠનમાં સ્થાન આપવું એ યોગ્ય ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયા, સંસદસભ્ય મનોજ કોટક, વિધાનસભ્યો યોગેશ સાગર અને પરાગ શાહ જેવા ગુજરાતી નેતાઓને સંગઠનમાં સ્થાન નથી અપાયું. મુંબઈમાં ગુજરાતીઓની વસતિને ધ્યાનમાં રાખીએ તો બીજેપી સહિતના રાજકીય પક્ષોમાં ગુજરાતી જનપ્રતિનિધિઓને મળવું જોઈએ એટલું મહત્ત્વ ન અપાતું હોવાનું જણાઈ આવે છે. મહારાષ્ટ્રમાંથી વિશેષ નિમંત્રક સમિતિ બનાવવામાં આ‍વી છે અને એમાં ભૂતપૂર્વ રાજ્યપ્રધાન પ્રકાશ મહેતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર બીજેપીએ શુક્રવારે સંગઠનના પદાધિકારીઓ જાહેર કર્યા હતા, જેમાં મુલુંડના કચ્છી વિધાનસભ્ય મિહિર કોટેચા સિવાય કોઈ ગુજરાતી નેતાનો સમાવેશ નથી કરાયો. મુંબઈ સહિત થાણે, નવી મુંબઈ અને આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસે છે. મોટા ભાગના આ ગુજરાતીઓનું માનવું છે કે વધારે ગુજરાતી નેતાઓને સ્થાન મળ્યું હોત તો સારું થાત.
ભૂતપૂર્વ સંસદસભ્ય અને બીજેપીના વરિષ્ઠ નેતા ડૉ. કિરીટ સોમૈયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પક્ષમાં શહેર, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે નવા જનરેશનને તક અપાઈ રહી છે, જેના ભાગરૂપે મહારાષ્ટ્રમાં મિહિર કોટેચાને રાજ્યમાં યોગ્ય સ્થાન મળ્યું છે. આથી એમ ન કહી શકાય કે મારા જેવા સિનિયર કે બીજા કોઈ ગુજરાતીને પક્ષમાં તક નથી અપાઈ.’
ચારકોપ વિધાનસભા મતદાર ક્ષેત્રમાંથી ત્રણ વખત ચૂંટાઈ આવેલા ગુજરાતી વિધાનસભ્ય યોગેશ સાગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બીજેપી એકમાત્ર એવો રાષ્ટ્રીય પક્ષ છે જેમાં નિષ્ઠાથી કામ કરતા સામાન્ય કાર્યકરને યોગ્ય સ્થાન અપાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમીત શાહ આનું સૌથી મોટું ઉદાહરણ છે. બીજા પક્ષોમાં જૂજ ગુજરાતીઓને સ્થાન અપાય છે. ગુજરાતીઓ રાજનીતિમાં બહુ ઓછા આવે છે એટલે મહારાષ્ટ્રમાં સંખ્યા ઓછી દેખાય છે. જો વધારે લોકો આગળ આવશે અને પક્ષ માટે નિષ્ઠાથી નિરંતર કામ કરશે તો તેમને પણ મિહિર કોટેચાની જેમ રાજ્ય સ્તરે ઊંચું સ્થાન અપાશે. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ગુજરાતીઓની સંખ્યાની દૃષ્ટિએ મને લાગે છે કે બીજેપીમાં ગુજરાતી નેતાઓને યોગ્ય સ્થાન અપાયું છે.’

પક્ષે બહુ મોટી જવાબદારી સોંપી : મિહિર કોટેચા

મુલુંડના બીજેપીના વિધાનસભ્ય મિહિર કોટેચાએ મહારાષ્ટ્ર બીજેપીના ટ્રેઝરરનું પદ સોંપવા બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આર્થિક દૃષ્ટિએ મહારાષ્ટ્ર ભારતનું મહત્ત્વનું રાજ્ય છે ત્યારે પક્ષે મને આ જવાબદારી સોંપી એનો ગર્વ છે. રેલવેપ્રધાન પીયૂષ ગોયલ, શાઈના એન.સી. જેવા પક્ષના વરિષ્ઠ નેતાઓ અગાઉ આ જવાબદારી સંભાળી ચૂક્યાં છે. બીજેપીના સંગઠનની વાત કરીએ તો કૉન્ગ્રેસ-એનસીપીમાં જ્યાં ૫૦ જેટલા ઉપાધ્યક્ષો હોય છે એની સામે બીજેપીમાં આવા પદ ગણતરીનાં જ રખાય છે. રાજ્યના તમામ વર્ગને સંગઠનમાં સ્થાન મળે એ માટેના પક્ષના પ્રયાસ રહ્યા છે. ગુજરાતીઓની વસતિની સરખામણીએ મને લાગે છે કે રાજ્ય સ્તરે પૂરતું પ્રતિનિધિત્વ અપાયું છે. મહારાષ્ટ્ર બીજેપીમાં કચ્છીને ટ્રેઝરર પદે નિયુક્ત કરાયા હોય એવી પહેલી ઘટના છે.’
મુલુંડના ભૂતપૂર્વ વિધાનસભ્ય મનોજ કોટકને લોકસભામાં મોકલાયા બાદ તેમના સ્થાને ગયા વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીએ મિહિર કોટેચાની પસંદગી કરી હતી. તેઓ પ્રચંડ બહુમતીથી વિજયી થયા હતા. તેઓ ૨૦૦૭થી ૨૦૧૦ દરમ્યાન યુવા મોરચાના અધ્યક્ષ અને બાદમાં મુંબઈ બીજેપીના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. કોરોનાના સંકટમાં તેઓ દરરોજ લોકોના સંપર્કમાં રહીને રોજેરોજની અપડેટ વિડિયોના માધ્યમથી આપી રહ્યા હોવાથી ટૂંક સમયમાં જ તેઓ લોકપ્રિય બની રહ્યા હોવાથી કદાચ પક્ષે તેમની મહેનત અને નિષ્ઠાને ધ્યાનમાં રાખીને રાજ્ય સ્તરે ટ્રેઝરરની જવાબદારી સોંપી હશે.

bharatiya janata party maharashtra national news