આમાં મરો થાય છે પબ્લિકનો

07 August, 2026 08:41 AM IST  |  Mumbai | Ruchita Shah

એક વર્ષનો બ્રિજ કોર્સ કરનાર હોમિયોપૅથિક ડૉક્ટરને પણ ઍલોપથીની દવા આપવાની મંજૂરી આપવાના રાજ્ય સરકારના નિર્ણય સામે વિરોધનો વંટોળ બૉમ્બે હાઈ કોર્ટની મધ્યસ્થીથી હાલપૂરતો શમ્યો છે ત્યારે આ આખું પ્રકરણ વિસ્તારપૂર્વક સમજી લઈએ

પ્રતીકાત્મક તસવીર

સાડાચાર વર્ષની બૅચલર ઑફ હોમિયોપૅથિક મેડિસિન અૅન્ડ સર્જરી (BHMS)ની ડિગ્રી લીધા પછી મહારાષ્ટ્રમાં હોમિયોપૅથિક ડૉક્ટરોને એક વર્ષનો સર્ટિફિકેટ કોર્સ ઇન મૉડર્ન ફાર્માકોલૉજી (CCMP) કર્યા બાદ મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ (MMC)માં ડ્યુઅલ રજિસ્ટ્રેશન કરવાની મંજૂરી તો ૨૦૨૫માં જ આપી દેવામાં આવી હતી, પણ આ મહિને સરકારે તેમને અ‍ૅલોપૅથિક દવાઓ ​પ્રિસ્ક્રાઇબ કરવાની પણ છૂટ આપી દીધી. હોમિયોપૅથિક ડૉક્ટરોને આ રીતે મૉડર્ન મેડિસિનની પ્રૅક્ટિસ કરવા દેનારું મહારાષ્ટ્ર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ આદેશના વિરોધમાં મહારાષ્ટ્ર અસોસિએશન ઑફ રેસિડન્ટ ડૉક્ટર્સ (MARD) અને ઇન્ડિયન મેડિકલ અસોસિએશન (IMA) દ્વારા હડતાળ શરૂ કરવામાં આવી હતી જે ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટના કહેવાથી પાછી ખેંચી લેવામાં આવી હતી. હાઈ કોર્ટે કહ્યું છે કે એક વર્ષનો કોર્સ કરનારા હોમિયોપથીના ડૉક્ટરોને મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટર કરવા માટેની સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર નક્કી કરવા કમિટી બનાવવામાં આવે જેમાં રેસિડન્ટ ડૉક્ટરો અને IMAના પ્રતિનિધિઓ પણ હોય. આ વિવાદ ગાજ્યો છે ત્યારે સમજીએ કે આખો વિવાદ શું છે? હોમિયોપથીના ડૉક્ટરોને અપાતા કયા લાભનો ઍલોપથીના ડૉક્ટરો વિરોધ કરી રહ્યા છે? બન્ને પક્ષના તર્ક શું છે? આ વિવાદથી આમ જનતાને શું લાભ કે નુકસાન છે?

મૂળ વિવાદ શું છે?

આ વિવાદનો ઇતિહાસ લગભગ એક દાયકા જૂનો છે. મહારાષ્ટ્ર સરકારે ૨૦૧૪માં રાજ્ય વિધાનમંડળમાં બિલ પસાર કરીને બે કાયદામાં એકસાથે સુધારો કર્યો; મહારાષ્ટ્ર હોમિયોપૅથિક પ્રૅક્ટિશનર્સ ઍક્ટ, ૧૯૬૦ની કલમ 20 (12)માં ઉમેર્યું કે જે હોમિયોપૅથિક ડૉક્ટરો સરકારમાન્ય સર્ટિફિકેટ કોર્સ ઇન મૉડર્ન ફાર્માકોલૉજી (CCMP) પાસ કરશે તેઓ રાજ્યમાં મર્યાદિત સ્તરે ઍલોપૅથિક દવાઓની પ્રૅક્ટિસ કરી શકશે; એ જ રીતે મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ ઍક્ટ, ૧૯૬૫માં સુધારો કરીને માત્ર ઍલોપૅથિક ડૉક્ટરનું રજિસ્ટ્રેશન કરતી સંસ્થા MMCમાં હવે CCMP કોર્સ પૂરો કરનાર હોમિયોપૅથિક ડૉક્ટર એક અલગ રજિસ્ટર બનાવીને ડ્યુઅલ રજિસ્ટ્રેશન કરાવી શકશે. એટલે કે હોમિયોપથીનો સાડાચાર વર્ષનો અભ્યાસ કરનાર વિદ્યાર્થી એક જ વર્ષના સરકાર સંચાલિત ઍલોપથી દવાના બ્રિજ કોર્સ દ્વારા બન્ને બાજુ રજિસ્ટર્ડ થઈ શકશે. ૨૦૧૪માં થયેલા આ સુધારાનો સ્વાભાવિકપણે જ ઇન્ડિયન મેડિકલ અસોસિએશન અને મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ શરૂ થયો અને એ જ વર્ષે તેમણે હાઈ કોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી. એ પછીયે સરકારે ૨૦૧૬માં આ કોર્સ શરૂ કરી દીધો. ૨૦૧૪માં કેસ દાખલ થયા પછી વિવિધ સુનાવણીઓ અને લાંબી લડાઈ બાદ કોર્ટે વચગાળાના નિર્દેશમાં સ્પષ્ટ કર્યું કે જે હોમિયોપૅથિક ડૉક્ટરે CCMP સફળતાપૂર્વક પૂરો કર્યો છે તેમના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા આગળ વધી શકે છે. હાઈ કોર્ટના વચગાળાના આ જ આદેશનો આધાર લઈને સરકારે ૨૦૨૫માં MMCને હોમિયોપૅથિક ડૉક્ટરોનું રજિસ્ટ્રેશન શરૂ કરવાનું કહ્યું હતું. અત્યાર સુધી અંદાજે ૧૨,૫૦૦ હોમિયોપૅથ એક વર્ષનો કોર્સ પૂરો કરી ચૂક્યા છે અને એમાંથી ૨૫૦૦ ડૉક્ટરોએ MMCમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

હોમિયોપથીના ડૉક્ટરો શું કહે છે?

હવે આ વિષય પર હોમિયોપથી ડૉક્ટરોના દૃષ્ટિકોણને સમજવા માટે મહારાષ્ટ્ર હોમિયોપથી કાઉન્સિલના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડૉ. બાહુબલી શાહે આપેલા તર્કને સમજીએ.

 સૌથી પહેલાં તો એ સમજવું જોઈએ કે CCMP નામનો એક વર્ષનો કોર્સ મહારાષ્ટ્ર યુનિવર્સિટી ઑફ હેલ્થ સાયન્સિસ (MUHS) દ્વારા તૈયાર અને સંચાલિત કરવામાં આવે છે. આ કોઈ ખાનગી કે ગેરકાયદે તાલીમ નથી અને આ મુદ્દો પણ આજનો નથી.

 કોણે કહ્યું કે હોમિયોપથી ડૉક્ટર માત્ર એક વર્ષની જ તાલીમ લે છે. સાડાચાર વર્ષના મૂળ BHMS અભ્યાસક્રમમાં પણ ઍનૅટૉમી, ફિઝિયોલૉજી ભણાવવામાં આવે જ છે. એક વર્ષના કોર્સમાં વધારાની ટ્રેઇનિંગ અપાય છે.

 ૩૦ વર્ષ પહેલાં બૅચલર ઑફ આયુર્વેદિક મેડિસિન અૅન્ડ સર્જરી (BAMS)ના અભ્યાસક્રમમાં જરૂરી વિષયો ઉમેરીને તેમને મર્યાદિત ઍલોપથી પ્રૅક્ટિસની મંજૂરી આપવામાં આવી હતી. જો આયુર્વેદિક ચિકિત્સકોને સ્વીકારી શકાતા હોય તો વિધિવત્ એક વર્ષની તાલીમ લેનારા BHMS ડૉક્ટર માટે વિરોધ કેમ?

 સૌથી મહત્ત્વની વાત કે આ મુદ્દો હોમિયોપથી વિરુદ્ધ ઍલોપથીનો નથી, પરંતુ પબ્લિક હેલ્થનો છે. રાજ્યની જનતાના હિતમાં સરકારે આ બાબતને માન્યતા આપી છે.

 ૧૨ વર્ષ પહેલાં પણ અને આજે પણ ગામડાંઓ કે તાલુકા મથકોએ પૂરતા ઍલોપૅથિક ડૉક્ટર ઉપલબ્ધ નથી. અઢી લાખ ઍલોપૅથિક કે સ્પેશ્યલિસ્ટ ડૉક્ટર હોવા છતાં ગ્રામીણ વિસ્તારોમાં સેવાઓ પહોંચતી નથી.

 રાજ્યમાં ૭૦,૦૦૦થી વધુ નોંધાયેલા BHMS ડૉક્ટર છે. ગામડાંઓ અને નાનાં શહેરોમાં તાવ, ડાયેરિયા, શ્વાસની તકલીફ કે નાના ઇન્ફેક્શન જેવા કિસ્સામાં ગરીબ દરદીઓ માટે BHMS ડૉક્ટર જ પ્રથમ આશરો બને છે.

 જ્યાં ગામડામાં MBBS ડૉક્ટર ઉપલબ્ધ જ નથી ત્યાં ગરીબ દરદીઓ કે બાળકોને વિના સારવારે છોડી દેવાય? ૧૯૯૮ની ગરેવાલ કમિટીથી લઈને અત્યાર સુધી પબ્લિક હેલ્થ સુધારવા માટે જ આ પગલું લેવાયું છે.

ઍલોપથીના ડૉક્ટરોનો શું તર્ક છે?

IMA અને ઍલોપૅથિક ડૉક્ટરો
(MARD)ની સ્પષ્ટ ડિમાન્ડ છે કે જ્યાં સુધી બૉમ્બે હાઈ કોર્ટ આ કેસમાં આખરી ચુકાદો ન આપે ત્યાં સુધી આ ડ્યુઅલ રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને તાત્કાલિક ધોરણે સ્થગિત રાખવામાં આવે. આ સંદર્ભે ઇન્ડિયન મેડિકલ અસોસિએશનના મુંબઈ શાખાના પ્રેસિડન્ટ ડૉ. મંગલા ગોમારેએ ‘મિડ-ડે’ સાથે શૅર કરેલી દલીલો સમજીએ.

 સેન્ટ્રલ હોમિયોપથી કાઉન્સિલ પણ ડ્યુઅલ રજિસ્ટ્રેશનના નિર્ણયને સપોર્ટ નથી કરતું. ત્રીજી ઑગસ્ટે રાજ્ય સરકારે આ કોર્સ કરનારા ડૉક્ટરો માટે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર બનાવવાનું ગવર્નમેન્ટ રેઝલ્યુશન બહાર પાડેલું, એના માટે ૬ લોકોની કમિટી બનાવી હતી પરંતુ એમાં કંઈ આગળ કર્યા વિના રજિસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય?

 નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) પાસ કરીને ૫.૫ વર્ષનો સઘન બૅચલર ઑફ મેડિસિન અૅન્ડ બૅચલર ઑફ સર્જરી (MBBS) અભ્યાસક્રમ પૂરો કરનારની સરખામણી એક વર્ષનો ટૂંકો બ્રિજ કોર્સ ક્યારેય કરી શકે નહીં.

 ભલે દરેક તબીબી શાખામાં ઍનૅટૉમી અને ફિઝિયોલૉજી સમાન ભણાવવામાં આવે (જેમ કે ડેન્ટિસ્ટ પણ એ જ ભણે છે), પરંતુ સારવાર માટેનું વિજ્ઞાન અને સાયન્સ અપ્લાય કરવાની પદ્ધતિ બન્ને શાખાઓમાં સાવ જુદી છે. એટલે જેમ ડેન્ટિસ્ટ હાર્ટ-સર્જરી ન કરી શકે એમ હોમિયોપથીનો ડૉક્ટર કેવી રીતે ઍલોપથીની આંટીઘૂંટીઓ સમજી શકે.

 એટલું જ નહીં, અહીં દરદીઓની સુરક્ષાનો પ્રશ્ન પણ છે. માત્ર એક જ વર્ષની તાલીમ સાથે ઍન્ટિ-બાયોટિક્સ કે સ્ટેરૉઇડ્સ જેવી ઍલોપૅથિક દવાઓ પ્રિસ્ક્રાઇબ કરવી દરદીના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે.

 બીજી વાત એ કે એક જ વ્યક્તિ બે અલગ કાઉન્સિલમાં નોંધાયેલી હોય ત્યારે સામાન્ય પબ્લિકને ખબર જ નથી પડતી કે સારવાર આપનાર ઑથેન્ટિક ઍલોપૅથિક ડૉક્ટર છે કે બીજું કોઈ. આનાથી દરદીઓમાં ડૉક્ટરની મૂળ લાયકાત અંગે ભ્રમ ઊભો થાય છે.

 સરકાર અને હોમિયોપૅથ્સ જેને ગ્રામીણ સેવા માટેનો ઉપાય બતાવે છે એ અડધું સત્ય છે. જે ડૉક્ટરે CCMP કર્યો છે એમાંથી મોટા ભાગના અર્બન ડૉક્ટર છે જેઓ ગામડાંઓમાં જઈને સેવા આપવાના જ નથી.

 રાજ્યમાં હવે ગામડાંઓમાં ડૉક્ટરની અછત રહી નથી. સરકારે ૨૩ જુલાઈએ જ જાહેર કર્યું છે કે MBBS ડૉક્ટર માટેનું એક વર્ષનું ફરજિયાત રૂરલ બૉન્ડ નાબૂદ કર્યું છે જે દર્શાવે છે કે ગ્રામીણ સેવા માટે ઍલોપૅથિક ડૉક્ટરો પ્રાપ્ત છે.

આમાં આપણું શું?
મહારાષ્ટ્રમાં હોમિયોપૅથિક ડૉક્ટરોને ઍલોપથીની પ્રૅક્ટિસ આપવા વિશેનો વિવાદ આમ જનતાને કઈ રીતે પ્રભાવિત કરે છે એ પણ સમજી લો. જો હોમિયોપથીના નિષ્ણાતોને ઍલોપથીની મંજૂરી મળે તો ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોના લોકોને સામાન્ય બીમારીમાં સ્થાનિક સ્તરે જ તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી રહેશે અને મોટાં શહેરો તરફ જવું નહીં પડે, પરંતુ સામા પક્ષે એક વર્ષના ટૂંકા કોર્સને કારણે અપૂરતી તાલીમથી ઍન્ટિ-બાયોટિક્સ કે સ્ટેરૉઇડ્સ જેવી દવાઓ આપવાથી ખોટું નિદાન, શારીરિક આડઅસરો તથા દવાની અસર બંધ થવાનું મોટું જોખમ રહે છે. એની સાથે દરદીઓમાં ડૉક્ટરની મૂળ લાયકાત વિશે ભ્રમ પણ ઊભો થાય છે. બીજી તરફ જો આ મંજૂરી રદ થાય તો ઍલોપૅથિક સારવાર આપનાર વ્યક્તિ કઈ મેડિકલ સિસ્ટમની છે એની ક્લૅરિટી તો દરદીઓને મળશે, પરંતુ ગામડાંઓમાં ડૉક્ટરોની અછત યથાવત્ રહેતાં લોકોને સામાન્ય બીમારી માટે પણ દૂર જવું પડશે અથવા બિનઅનુભવી લોકો પર નિર્ભર રહેવું પડશે. એટલે જનતા માટે તો આ પરિસ્થિતિ એક તરફ કૂવો અને બીજી તરફ ખાઈ જેવી બની છે. 

મહારાષ્ટ્રમાં દરદી અને ડૉક્ટરનો રેશિયો શું છે?
મહારાષ્ટ્રમાં બે લાખથી વધુ નોંધાયેલા ઍલોપૅથિક ડૉક્ટર ઉપલબ્ધ છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા ૧૦૦૦ લોકોએ એક ડૉક્ટરનો રેશિયો નક્કી કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં ઍલોપૅથિક ડૉક્ટર-દરદીનો રેશિયો આશરે ૧:૬૦૦થી ૧:૭૩૨ની વચ્ચે બેસે છે. જો આ આંકડામાં BHMS અને BAMS ડૉક્ટરનો પણ ઉમેરો કરવામાં આવે તો આ રેશિયો વધુ શ્રેષ્ઠ બને છે. જોકે સમસ્યા ડૉક્ટરોની કુલ સંખ્યાની નથી, શહેરો અને ગામડાંઓ વચ્ચે ડૉક્ટરની અસમાન વહેંચણીની છે. મુંબઈ, પુણે અને નાગપુર જેવા શહેરી વિસ્તારોમાં ડૉક્ટરની સંખ્યા જરૂરિયાત કરતાં પણ વધુ પ્રમાણમાં છે. ગડચિરોલી, નંદુરબાર અને મેલઘાટ જેવા ગ્રામીણ તથા આદિવાસી વિસ્તારોમાં સ્થિતિ આજે પણ અત્યંત ગંભીર છે. કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ (CAG) અને જાહેર આરોગ્ય વિભાગના અહેવાલો મુજબ ગ્રામીણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સરકારી અને સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરની પચીસ ટકાથી 
૪૦ ટકા જગ્યાઓ આજે પણ ખાલી છે.

આ છે સત્ય? 
સરકાર દ્વારા હોમિયોપથી ડૉક્ટરોને મળી રહેલા આ પીઠબળનું એક કારણ રાજકારણીઓની હોમિયોપથી કૉલેજ હોવાનું પણ મનાય છે. તેમની કૉલેજમાં વધુ વિદ્યાર્થીઓ આવતા થાય અને જ્યાં MBBSમાં ટફ સ્પર્ધા છે ત્યારે બ્રિજ કોર્સ દ્વારા ઍલોપથી પ્રૅક્ટિસની છૂટ આપીને હોમિયોપથી કૉલેજોમાં ઍડ્‍‍મિશનની ડિમાન્ડ વધે અને એની આર્થિક વૅલ્યુ વધે એનો આ એક સૉફિસ્ટિકેટેડ પ્રયાસ છે એવું કહેવાય છે. 

mumbai news mumbai maharashtra news maharashtra government maharashtra health tips exclusive