નાલાસોપારામાં કચ્છી સિનિયર સિટિઝન પર પાડોશીએ શું કામ કર્યો ચાકુથી હુમલો?

25 January, 2022 08:21 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

પરિવારજનોથી લઈને પોલીસને સતાવી રહ્યો છે આ સવાલ, ૨૩ વર્ષનો આરોપી સૌરભ સોલંકી એક મહિના પહેલાં તેની મમ્મી ગુજરી જતાં ડિસ્ટર્બ રહેતો હતો, કોવિડ થયો હોવાથી તેની ધરપકડ નથી થઈ

નાલાસોપારાનાં રતન છેડા પર હુમલો થતા તેઓ જખમી થયાં હતાં.

નાલાસોપારા-ઈસ્ટમાં તિવારીનગરના ગોવિંદ ભગવતી કૉમ્પ્લેક્સમાં શિવતીર્થ અપાર્ટમેન્ટમાં ફ્લૅટ નંબર-૨માં પરિવાર સાથે રહેતા ૬૪ વર્ષનાં કચ્છી રતનબહેન માવજી છેડા પર તેમની જ બાજુમાં રહેતાં ૨૩ વર્ષના સૌરભ હસમુખ સોલંકી દ્વારા કોઈ કારણ વગર જ હુમલો કરવામાં આવતાં તેઓ જખમી થયાં હતાં અને લોહીલુહાણ હાલતમાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં હતાં. પોલીસે ઘટનાસ્થળેથી ચાકુ જપ્ત કર્યું છે અને કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે યુવાન આરોપી કોરોના પૉઝિટિવ આવ્યો હોવાથી તેની હાલમાં ધરપકડ કરાઈ નથી.
આ બનાવ વિશે માહિતી આપતાં તુલિંજ પોલીસ સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને તપાસ અધિકારી ડી. જે. નાગરગોજેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ઘટના સમયે પીડિત મહિલા અને સુનીતા દાવડે નામની મહિલા દરરોજની જેમ ઘરની બહાર બેસીને વાતો કરી રહ્યાં હતાં. એ વખતે આરોપી યુવક તેમની પાછળ આવીને ઊભો રહી ગયો હતો. થોડા સમય બાદ સુનીતા પોતાનું કંઈ કામ હોવાથી ઘરની અંદર ગઈ હતી, ત્યારે ચાન્સ મળતા આરોપીએ સિનિયર સિટિઝન રતનબહેનના ગળા અને ખભા પર ચાકુથી વાર કર્યો હતો. હુમલો કોણ કરી રહ્યું છે એ જોવા માટે પીડિતાએ પાછળ ફરીને જોતાં ચાકુ તેમના ગળાના નીચેના ભાગમાં અને હાથમાં લાગી ગયું હતું તેથી પીડિતા વૃદ્વાએ મદદ માટે બૂમાબૂમ કરી મૂકી હતી. પીડિતા વૃદ્વાનો અવાજ સાંભળતાં જ સુનીતા ઘરમાંથી દોડીને બહાર આવી એ દરમ્યાન જ આરોપી ચાકુ ફેંકીને નાસી ગયો હતો. કોઈ કારણ ન હોવાથી આરોપી દ્વારા પીડિતાના ગળા, ખભા અને ડાબી બાજુએ ગળાની નીચે, હાથ પર ચાકુથી હુમલો કર્યો હોવાથી વૃદ્વાને ગંભીર ઈજા થઈ હતી.’
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ‘આરોપીના પરિવારને પણ પૂછતાં તેમને પણ દીકરાએ કયા કારણસર આવું પગલું લીધું એ તેમને પણ સમજાઈ રહ્યું નથી. જ્યારે કે પીડિતાની ફરિયાદમાં તેમણે કહ્યું છે કે આ યુવાનની મમ્મી એક મહિના પહેલાં હાર્ટ-અટૅક આવતાં મૃત્યુ પામ્યા બાદ તે ખૂબ ડિસ્ટર્બ રહેવા લાગ્યો હતો અને અવાર-નવાર સોસાયટીના લોકો સાથે ઝઘડા કરતો રહેતો હતો. યુવાન સામે તુલિંજ પોલીસ સ્ટેશનમાં કલમ ૩૨૬ અને ૩૨૪ પ્રમાણે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે યુવાનની કોવિડ ટેસ્ટ કરાવતાં તે કોરોના પૉઝિટિવ આવ્યો હોવાથી તેની સારવાર ચાલી રહી છે અને એ બાદ કાર્યવાહી કરી શકાશે.’
આ બનાવથી સૌ કોઈ ડરી ગયા છીએ એમ કહેતાં ૬૪ વર્ષનાં પીડિતા રતનબહેન છેડાના બીજા નંબરના દીકરા હિંમત છેડાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે ફ્લૅટ નંબર-૨માં અને તે યુવાનનો પરિવાર ફ્લૅટ નંબર-૧માં એટલે એકદમ આજુબાજુમાં રહીએ છીએ. મારો પરિવાર ૧૮ વર્ષથી રહે છે અને આ સોલંકી પરિવાર પહેલાં મુંબઈ અને આશરે પાંચેક વર્ષ પહેલાં અહીં રહેવા આવ્યો હતો. પાડોશી હોવાથી અમારું તેમની સાથે સારું બનતું હતું. દરરોજ મારી મમ્મી સહિત આસપાસની મહિલાઓ ઘરની આગળ બેસીને વાતો કરતાં હોય છે. હુમલો કરનાર સૌરભ સોલંકીની મમ્મી પણ પહેલાં બેસતી હતી, પરંતુ એક મહિના પહેલાં તેની મમ્મી અટૅક આવતાં મૃત્યુ પામી હતી. એ બાદથી સૌરભ ડિસ્ટર્બ થઈ ગયો હોવાથી અનેક લોકો સાથે બોલાચાલી કરતો હતો. થોડા સમય પહેલાં સૌરભ કાતર લઈને તેના પિતા પર પણ હુમલો કરવા ગયો હતો. મમ્મી ઘરની બહાર બેઠી હતી ત્યારે આ યુવાને તેના ઘરમાં રહેલા ચાકુથી મમ્મીને પાછળ, ગળા પાસે, ખભા, હાથ પર વગેરે જગ્યા પર હુમલો કરતાં મમ્મી લોહીલુહાણ થયાં હતાં. આ બનાવ બાદ અમે અને સોસાયટીમાં રહેતા લોકો પણ ડરી ગયા છીએ, પરંતુ કોઈ કારણ વગર તેણે હુમલો શું કામ કર્યો હશે?’
કેમ હુમલો કર્યો એ અમારા માટે પણ રહસ્યમય છે એમ કહેતા હિંમતભાઈ કહે છે કે ‘મમ્મીને લોહીલુહાણ અવસ્થામાં પાસે આવેલી આઇકોન હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. મમ્મીને બે વખત અટૅક આવ્યો છે એટલે અમે બધા ખૂબ ચિંતામાં આવી ગયા હતા. મમ્મીને દસ ટાંકા પણ આવ્યા છે અને તે ડરી પણ ગઈ છે. આ યુવાન સાથે અમારી કોઈ પણ પ્રકારની બોલાચાલી કે કંઈ થયું નહોતું. ઉલટાનું તેની મમ્મીનું મૃત્યુ થયું તો અમારા ઘરે બધા બેસતા હતા. તેના આવા પ્રકારના અટૅકનું કારણ કંઈ અમને સમજાઈ રહ્યું નથી. તેની મમ્મી ગુજરી ગયા બાદ સોસાયટીના અન્ય લોકો સાથે પણ તેણે બોલાચાલી કરી હતી અને દારૂ પણ પીતો હતો. આ બનાવ બાદ સોસાયટીની મીટિંગ પણ થઈ હતી. મારા એક ભાઈ પાલિતાણા સાધુભગંવતો સાથે હતા અને બનાવ બાદ તેઓ તરત જ પાછા ફર્યા હતા.’

Mumbai mumbai news preeti khuman-thakur nalasopara