શિવસેના કોની એનો ફેંસલો ૩૦ જાન્યુઆરીએ

21 January, 2023 08:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેન્દ્રીય ચૂંટણી પંચે સાડાચાર કલાક બંને જૂથના વકીલોની દલીલો સાંભળ્યા બાદ સોમવાર સુધી ઠાકરે અને શિંદે જૂથને જવાબ નોંધાવવા કહ્યું. ત્યાર પછીના સોમવારે આવશે ચુકાદો

ફાઇલ તસવીર

મુંબઈ : શિવસેનામાં ચાલી રહેલા સત્તાસંઘર્ષ માટેની વધુ એક સુનાવણી ગઈ કાલે દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ હાથ ધરવામાં આવી હતી. બપોરના ત્રણ વાગ્યે શરૂ થયેલી સુનાવણી રાત્રે સાડાસાત વાગ્યે પૂરી થઈ હતી. ચૂંટણી પંચે બંને પક્ષના વકીલોની દલીલ સાંભળ્યા બાદ તેમને સોમવારે લેખિતમાં જવાબ નોંધાવવાનો નિર્દેશ કર્યો હતો. જોકે ત્યાર પછીની સુનાવણી ૩૦ જાન્યુઆરીએ થવાની છે અને એ જ દિવસે શિવસેના કોની એ બાબતે ચુકાદો આવી જશે એવું એકનાથ શિંદે ગ્રુપના વરિષ્ઠ નેતા અને સંસદસભ્ય રાહુલ શેવાળેએ ગઈ કાલે રાત્રે કહ્યું હતું.

ઉદ્ધવ ઠાકરે જૂથના વકીલ કપિલ સિબલ અને દેવદત્ત કામતે તેમ જ એકનાથ શિંદે જૂથ વતી મહેશ જેઠમલાણી અને મનિંદર સિંહ એમ બન્ને પક્ષે તેમની પાસે પક્ષ અને ચિહન મેળવવા માટે પૂરતી સંખ્યા હોવાનો દાવો કર્યો હતો.

ઉદ્ધવ ઠાકરે જૂથના વકીલોએ શિવસેનાનું બંધારણ બરાબર હોવાનો દાવો કર્યો હતો અને પક્ષમાં વધુ લોકો ઉદ્ધવ ઠાકરે સાથે હોવાનું કહ્યું હતું. બીજી બાજુ એકનાથ શિંદે જૂથના વકીલોએ પક્ષના બંધારણ મુજબ એકનાથ શિંદેને કાર્યકારિણીએ નેતા તરીકે નિયુક્ત કર્યા છે એટલે તેઓ જ શિવસેનાના પ્રમુખપદના હકદાર છે.

કેન્દ્રીય ચૂંટણી પંચે બંને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ બંને જૂથને સોમવારે લેખિતમાં જવાબ નોંધાવવાનો નિર્દેશ આપીને સુનાવણી ૩૦ જાન્યુઆરી પર મોકૂફ રાખી હતી. નોંધનીય વાત એ છે કે ૨૩ જાન્યુઆરીએ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના પ્રમુખપદની મુદત પૂરી થાય છે.

કિશોરી પેડણેકર પર ફ્લૅટના બોગસ કરાર કરવાનો આરોપ

મુંબઈનાં ભૂતપૂર્વ મેયર અને શિવસેનાનાં નગરસેવિકા કિશોરી પેડણેકર વરલીમાં ફ્લૅટ મેળવવા માટે ત્રણ બોગસ કરાર કર્યા હોવાનો આરોપ બીજેપીના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ ગઈ કાલે કરીને આ સંબંધી કેટલાક પુરાવા રજૂ કર્યા હતા. પત્રકારો સાથેની વાતચીતમાં કિરીટ સોમૈયાએ કહ્યું હતું કે ‘કિશોરી પેડણેકરે ૨૦૧૨માં કિશ કૉર્પોરેટ સર્વિસિસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની સ્થાપી હતી. આ કંપનીના એક જ જગ્યાના એક વખતે બે બોગસ લીવ ઍન્ડ લાઇસન્સના કરાર કરવામાં આવ્યા હતા. આ બેનામી ફ્લૅટ વરલીમાં આવેલી ગોમાતા જનતા એસઆરએ સોસાયટીમાં છે. આ સોસાયટીમાં એક ડઝન બેનામી ફ્લૅટ છે, જેમાંથી મોટા ભાગના ફ્લૅટ કિશોરી પેડણેકરે તાબામાં લીધા છે. ૨૦૦૮થી આ ફ્લૅટ તેમના તાબામાં છે. કિશોરી પેડણેકરે સરકારી ઑફિસમાં રજૂ કરેલા કરારના ડૉક્યુમેન્ટ્સ બોગસ હોવાનું જણાઈ આવ્યું છે.’

mumbai mumbai news uddhav thackeray eknath shinde shiv sena