જ્યારે બાપુએ બે હાથની મુઠ્ઠી ધરીને પૂછ્યું, બોલ આમાંથી મમરા શેમાં છે?

16 September, 2020 12:52 PM IST  |  Mumbai | Ruchita Shah

જ્યારે બાપુએ બે હાથની મુઠ્ઠી ધરીને પૂછ્યું, બોલ આમાંથી મમરા શેમાં છે?

ઉષા અંતાણી

અને ઘાટકોપરમાં રહેતાં ઉષા અંતાણીએ ગાંધીજીની મમરાવાળી હથેળીને જડબેસલાક પકડી લીધી. ‘ઉંમર બાણું છે અને આખો દિવસ ગાઉં છું જીવનનું ગાણું’ એવું મસ્તીથી કહેનારાં ઉષાબહેન સાથે તમે વાતો કરો તો થાય કે વાતોની આ ધારા બસ, આમ જ અસ્ખલિત ચાલ્યા કરે. જેમને એક વાર મળીએ એટલે વારંવાર મળવાનું મન થાય એવા અનોખા વ્યક્તિત્વ સાથે આજે ગુફ્તગો કરીએ..

હરીન્દ્ર દવે જેવા ગુજરાતી ભાષાના પ્રખર કવિએ જેમને અન્નપૂર્ણાની ઉપમા આપી અને તેમના જન્મદિવસે પોતાનું એક પુસ્તક ભેટ મોકલતા એ ઘાટકોપરમાં રહેતાં લોકગાયિકા ઉષા અંતાણીના હાથનું ભોજન ખાઓ એટલે સ્વાદની સાચી પરિભાષા તમને સમજાય. પાંચ જુલાઈએ બાણું વર્ષ પૂરાં કરીને ૯૩મા‍ વર્ષમાં પ્રવશેલાં ઉષાબહેનને લૉકડાઉનમાં નિતનવી રસોઈ, વાંચન અને સાંજે દીકરાઓ સાથે રિયાઝમાં તેમનો દિવસ ક્યાં પૂરો થઈ જાય છે એની ખબર જ નથી પડતી. ૧૯૬૫માં રાજકોટમાં ઑલ ઇન્ડિયા રેડિયો દ્વારા રેકૉર્ડ થયેલું ‘ઘૂમે રે ઘૂમ ઘંટી’ લોકગીત તેમણે ગાયું અને આજે આ ગીત વિના નવરાત્રિ અધૂરી મનાય છે. છ વર્ષની ઉંમરે તેમણે ગાવાનું શરૂ કર્યું હતું, જે સિલસિલો આજ સુધી ચાલે છે. સંગીત જાણે તેમની રગોમાં દોડે છે. ચુસ્ત ગાંધીવાદી પરિવારમાં જન્મ્યા છે અને કાગ, ઝવેરચંદ મેઘાણી, અમૃત ઘાયલ જેવા દિગ્ગજ કક્ષાના સાહિત્યકારોના સંયોગનો તેમને ભરપૂર લાભ મળ્યો છે. ઉષાબહેન કહે છે, ‘અમૃત ઘાયલને અમે મામા કહેતા. એ સમયે સ્વતંત્રતા ચળવળમાં મારા બાપુજી પણ જોડાયા હતાં. કૉન્ગ્રેસના અગ્રણી નેતા ગણાય, પણ ઘરમાં સાવ સાદગી. બાપુ સાથે મારા પિતાએ ઘણો લાંબો સમય જેલવાસ પણ વેઠ્યો છે. એક સમય તો એવો આવેલો કે ખાવાનાં પણ સાંસાં હતાં. નાનપણમાં લગભગ છ વર્ષ તો અમે માત્ર દાળ અને રોટલી ખાધાં છે, કારણ કે શાક માટે પૈસા નહોતા. મને યાદ છે કે હું નાની હતી અને બીમાર પડી. એ સમયે તાવને કારણે બાએ આજુબાજુમાંથી લાવીને ચા, સાકર અને દૂધ ભેગાં કરીને મને ચા બનાવીને પીવડાવી. મને એવી ભાવી કે મનમાં થયું કે હજી બે-ચાર દિવસ તાવ રહે તો સારું, ચા તો પીવા મળે. આવા ઘણા કિસ્સાઓ છે.’
બાપુ સાથેનો યાદગાર પ્રસંગ વર્ણવતાં તેઓ કહે છે, ‘અમારા ઘરની બાજુમાં જ રાષ્ટ્રીય શાળા જ્યાં બાપુ ઉપવાસ પર ઊતરતા. અમે છોકરાઓ ત્યાં રમવા જઈએ એટલે બાપુ અમારા માટે મમરા તૈયાર રાખતા. એક વાર ગમ્મત ખાતર બાપુએ એક હાથમાં મમરા અને એક હાથ ખાલી એમ બે હાથની મુઠ્ઠીઓ બનાવીને મારી સામે ધરી. મને કહે, આમાંથી કઈ મુઠ્ઠીમાં મમરા છે એ કહે. મેં તો મમરાવાળી મુઠ્ઠી પકડી લીધી અને એવી જોરદાર પકડી કે નખ વાગી જાય. બાપુનેય નવાઈ લાગી. પૂછે કે આ કોની છોકરી છે, પછી ખબર પડી કે આ તો જેઠાલાલભાઈની દીકરી છે. નાનપણમાં જ મેં ગજબની દેશભક્તિ અને દેશ માટેનું સમર્પણ લોકોમાં જોયું છે. એ સમયના નેતા ખરા અર્થમા નેતા હતા. પોતાનું ઘર નહોતા ભરતા. તમને કહું કે દેશ આઝાદ થયા પછી સ્વાતંત્રતા સેનાની માટે ભથ્થું નક્કી કર્યું ત્યારે મારા પિતાએ એ લેવાની ના પાડી દીધી. દેશની સેવા કરવાના પૈસા લેવાય?! આ વાતો મારા જીવનમાં જાણે વણાઈ ગઈ.’
આટલું કહેતાં ઉષાબહેનનો અવાજ લાગણીભીનો થઈ જાય છે, પરંતુ પાછો એ તેજતર્રાર બને છે જ્યારે ભોજનની વાત નીકળે છે. દરઅસલ તેમના ઘરે આવનારી કોઈ વ્યક્તિ ભૂખી ન જાય અને તેમને ત્યાં કોઈ પણ વાનગી બને એટલે તેમના આડોશીપાડોશીને પણ જલસો પડી જાય. તેમના હાથનું અસ્સલ કાઠિયાવાડી ભોજન ખાઓ તો ખબર પડે. તેઓ કહે છે, ‘મને સૌથી વધુ કંઈ ગમે તો એ છે સ્વાદિષ્ટ ભોજન રાંધવું. અમારા ઘરમાં ત્રણ સભ્યો છે જેમાં બધાની પસંદનું ધ્યાન રાખીને ભોજન બને છે. અમારા નાગરમાં ચણા-રીંગણાનું શાક બને જેમાં વાટકો ભરીને લસણનો મસાલો નંખાય. અરે ખાઓ તો ગાંડા થઈ જાઓ. થેપલાં, ઢોકળાં, દાળઢોકળીથી લઈને પાણીપૂરી, ભાજીપૂરી, જાતજાતની મીઠાઈઓ એમ બધું જ બનાવી લઉં છું. ડાયાબિટીઝ બૉર્ડર લાઇન પર છે, પરંતુ મને મીઠાઈ વગર ચાલે નહીં. ડૉક્ટરને પણ મેં એ કહી દીધું છે.’ આટલું કહીને તેઓ મીઠું-મીઠું મલકાય છે.
ઉષાબહેનને ત્રણ દીકરા અને એક દીકરી છે. બધાં જ સિનિયર સિટિઝન એવી રમૂજ સાથે તેઓ કહે છે, ‘મેં મારા જીવનમાં ક્યારેય શૉપિંગ નથી કર્યું. મારા ત્રણ ભાઈઓ જેઓ મને દર વર્ષે ત્રણ સાડી આપે જે આખુ વર્ષ ચાલે. પોતાની પસંદગીની મેં ક્યારેય કંઈ ખરીદી નથી કરી. સાદગી મને ગમે છે. બહુ જ મજાથી રહું છું. સ્કૂટર પર દીકરાઓ સાથે ફરું છું. મને ડર નથી લાગતો. કોરોનાના જમાનામાં તમારે કેમ જીવવું એ તમારે જાતે નક્કી કરવાનું છે.’
અહીં ઉલ્લેખનીય છે કે ટોચના કલાકારો સંગીતના માર્ગદર્શન માટે ઉષાબહેન પાસે આવે છે. પોતાનો ફોટો ફેસબુક પર મુકાય ત્યારે કેટલી લાઇક્સ મળી અને શું થયું એનું ધ્યાન તેઓ રાખે છે. ચશ્માં વગર ઝીણા અક્ષરો વાંચી શકે છે. ઘણીબધી તકલીફો વેઠી, પરંતુ તેમની વાતો કે વ્યવહારમાં તમને વસવસો નહીં પણ વહાલ મળશે. તેમનું ફરિયાદ વિનાનું જીવન અને નિષ્ઠાપૂર્ણ મધુર વાણી ભલભલામાં તાજગીનો વિસ્ફોટ કરવા માટે પૂરતી છે.

ghatkopar ruchita shah