આર્થિક સ્થિતિ સારી હતી, કોઈ બીમારી નહોતી... તો પછી બાપ અને દીકરાએ સાથે મળીને આત્મહત્યા કેમ કરી?

11 July, 2024 07:08 AM IST  |  Mumbai | Prakash Bambhroliya

આર્થિક સ્થિતિ સારી હતી, કોઈ બીમારી નહોતી... તો પછી બાપ અને દીકરાએ સાથે મળીને આત્મહત્યા કેમ કરી?

બે મહિના પહેલાં જય અને હરીશ મહેતા ગીરના જંગલમાં આવેલાં કુળદેવી કનકેશ્વરી માતાનાં દર્શને ગયા હતા.

સોમવારે સવારના સાડાઅગિયાર વાગ્યે ભાઈંદર રેલવે-સ્ટેશન પાસે ટ્રૅક પર સૂઈને જીવ આપનારા વસઈના ગુજરાતી બ્રાહ્મણ પિતા-પુત્ર હરીશ અને જય મહેતાના મંગળવારે રાત્રે મીરા રોડમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હરીશ મહેતાના ભાઈ અને જયની પત્નીના કહેવા મુજબ તેમને આર્થિક કે શારીરિક મુશ્કેલી નહોતી અને ૧૩ મહિના પહેલાં જયનાં લગ્ન બાદ પરિવાર ખુશખુશાલ હતો તો તેમણે શા માટે આ પગલું ભર્યું એ સમજાતું નથી. આમ તો હરીશ મહેતા નિવૃત્ત હતા, પણ વસઈમાં ઘર નજીક આવેલા સ્ટૉકમાર્કેટના બોલ્ટમાં જઈને બેસતા હતા અને પુત્ર જય મરોલમાં આવેલી કોલ્ડ ડ્રિન્ક્સની કંપનીમાં જૉબ કરતો હતો એટલે સવારના તે વસઈથી જૉબ પર જવા નીકળતો હતો. સોમવારે બન્ને વસઈથી સાથે કેમ નીકળ્યા? વસઈથી ૮.૩૦ વાગ્યાની આસપાસ નીકળેલા પિતા-પુત્ર ભાઈંદર કેમ ઊતર્યા? ભાઈંદરમાં તેઓ કોને મળ્યા? વગેરે જેવા સવાલના જવાબ તેમના મોબાઇલ ફોનના રૅકોર્ડમાંથી મેળવવાનો પોલીસ પ્રયાસ કરી રહી છે.
વસઈ-ઈસ્ટમાં આવેલી વસંતનગરીના રશ્મિ-દિવ્યા કૉમ્પ્લેક્સમાં રહેતા ૬૫ વર્ષના હરીશ મહેતા અને તેમના ૩૪ વર્ષના પુત્ર જયના મૃતદેહ સોમવારે સવારના ભાઈંદર રેલવે-સ્ટેશન પાસેથી ટ્રૅક પરથી મળી આવ્યા હતા. રેલવે પોલીસે બન્નેના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરીને મંગળવારે મોડી સાંજે તેમના મીરા રોડમાં રહેતા પરિવારજનોને સોંપ્યા હતા અને રાત્રે દસેક વાગ્યે મીરા રોડના સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

‍પ્લાનની શંકા

મીરા રોડ-ઈસ્ટમાં આવેલા પૂનમ સાગર કૉમ્પ્લેક્સમાં રહેતા હરીશ મહેતાના મોટા ભાઈ વસંત મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છ ભાઈ-બહેનમાં હરીશ સૌથી નાનો. અમે પાંચ ભાઈ-બહેન સમાજમાં હળીએ-મળીએ, પણ હરીશનો સ્વભાવ અમારાથી એકદમ વિપરીત. રવિવારે બન્ને વિરારમાં આવેલા અમારાં કુળદેવી કનકેશ્વરી માતાના મંદિરે દર્શન કરવા ગયા હતા. અમારાં પાલનપુરમાં રહેતાં બહેને હરીશને ફોન કર્યો ત્યારે તેણે કહ્યું હતું કે માતાનાં દર્શન કરીને ખૂબ આનંદ થયો. મને લાગે છે કે તેમણે પહેલેથી આત્મહત્યા કરવાનું પ્લાનિંગ કર્યું હશે અને છેલ્લી વાર માતાનાં દર્શન કરવા ગયા હશે. આર્થિક તકલીફ નહોતી અને બેમાંથી કોઈને ગંભીર બીમારી પણ નહોતી તો પણ તેમણે શા માટે સુસાઇડ કર્યું એ સમજાતું નથી.’

જયનાં લગ્ન બાદ ખુશ હતા

ઉનેવાળ બ્રાહ્મણ સમાજના મૂળ જૂનાગઢના વંથલી નજીકના ગામના વતની વસંત મહેતાએ કહ્યું હતું કે ‘હરીશનાં પત્નીનું નવેક વર્ષ પહેલાં મૃત્યુ થઈ ગયા બાદ તે અને પુત્ર જય એકલા જ રહેતા હતા. જય ત્રીસ વર્ષનો થયો ત્યારે તેના માટે છોકરીઓ જોવાની શરૂઆત કરી હતી, પરંતુ કંઈ જામ્યું નહોતું. એવામાં જય જે કંપનીમાં કામ કરતો હતો એમાં કામ કરતી અંજલિ ગોપાલકૃષ્ણન નામની યુવતી સાથે લગ્ન કરવા માગતો હોવાનું જાણવા મળ્યું હતું. અંજલિ કેરલાની હોવા છતાં બન્ને લગ્ન કરવા માગતાં હતાં એટલે અમે અંજલિના પરિવારજનોને મળ્યા હતા. તેમણે સંમતિ આપ્યા બાદ ગયા વર્ષે ૧૬ મેએ બન્નેનાં ધામધૂમથી લગ્ન કર્યાં હતાં. મહિલા વગરના ઘરમાં અંજલિના રૂપમાં જયની પત્ની આવ્યા બાદ હરીશના જીવનમાં નવી આશા જાગી હતી. તે અને જય ખુશ રહેવા લાગ્યા હતા.’

વિડિયો-કૉલિંગમાં ખુશ હતા

જય અને હરીશ મહેતાનાં મૃત્યુ થયાં ત્યારે જયની પત્ની અંજલિ તેનાં વાકોલામાં રહેતાં માતા-પિતાના ઘરે તેની મોટી બહેનના બર્થ-ડે માટે ગઈ હતી. અંજલિ ગોપાલકૃષ્ણને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું અને જય એક જ કંપનીમાં કામ કરતાં હતાં એટલે ફ્રેન્ડ બન્યાં હતાં અને બાદમાં પ્રેમ થતાં અમે લગ્ન કર્યાં હતાં. ૧૩ મહિનાથી હું અમારા વસઈના ઘરે જ જય અને સસરા હરીશ મહેતા સાથે રહું છું. રવિવારે મારી બહેનનો બર્થ-ડે હતો એટલે હું શુક્રવારે સાંજે મમ્મીના ઘરે તૈયારી કરવા ગઈ હતી. અમે જયને અને સસરાને રવિવારે સાંજે બર્થ-ડેમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. સાંજે મેં ફોન કર્યો ત્યારે સસરાએ કહ્યું કે તેમના પેટમાં તકલીફ છે અને વારંવાર ઊલટી થઈ રહી છે એટલે બર્થ-ડેમાં નહીં આવી શકાય. જય પણ તેમની તબિયતને લીધે નહોતા આવ્યા. રાત્રે અમે કેક કાપી ત્યારે વિડિયો-કૉલ કર્યો હતો. જય અને સસરાએ મારી બહેનને બર્થ-ડે વિશ કરીને કેકનો ભાગ ખવડાવવાનું કહેતાં અમે કેક પાસે મોબાઇલ રાખ્યો હતો. ત્યારે તેમણે જાણે ખરેખર કેક ખાઈ રહ્યા હોય એવી ઍક્ટિંગ કરી હતી. એ સમયે જરાય નહોતું લાગતું કે તેઓ ડિપ્રેશનમાં છે.’

છેલ્લો મેસેજ

હરીશ મહેતા પુત્રવધૂ અંજલિને દરરોજ સવારે મેસેજ કરીને તે ઑફિસ પહોંચી કે નહીં એ પૂછતા હતા. સોમવારે પણ તેમણે અંજલિને સવારના ૮.૩૦ વાગ્યે આવો મેસેજ કર્યો હતો. આ વિશે અંજલિએ કહ્યું હતું કે ‘સસરાનો મેસેજ આવ્યા બાદ મેં તેમને રિપ્લાય કર્યો હતો. બાદમાં હું ઑફિસના કામમાં લાગી ગઈ હતી. બારેક વાગ્યે મોબાઇલ ચેક કર્યો ત્યારે મારો મેસેજ સસરાને પહોંચ્યો ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી મેં પહેલાં તેમને ફોન કર્યો હતો, પણ ​રિંગ નહોતી જતી. આથી થોડી વાર પછી જયને ફોન કર્યો તો તેનો નંબર પણ બંધ આવ્યો હતો. બન્ને કદાચ નેટવર્કમાં નહીં હોય અને જય ફીલ્ડનું કામ કરીને થોડી વારમાં ઑફિસ આવી જશે એમ સમજીને મેં તેને કૉલ નહોતો કર્યો. જય લંચ બાદ પણ ઑફિસમાં નહોતો પહોંચ્યો અને તેનો ફોન પણ બંધ હોવાથી હું ચિંતા કરી રહી હતી ત્યાં સાડાચાર વાગ્યે પોલીસનો ફોન આવ્યો હતો કે જયનો ઍક્સિડન્ટ થયો છે એટલે જલદી આવી જાઓ.’

સુસાઇડ-નોટ એક દિવસ પહેલાં જ લખી રાખી હતી

હરીશ અને જય મહેતાએ આત્મહત્યા ૮ જુલાઈએ કરી, પણ તેમની સુસાઇડ-નોટ પર તારીખ ૭ જુલાઈની છે.

પોલીસ શું કહે છે?

વસઈ રેલવે પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર ભગવાન ડાંગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જીવ ગુમાવનારા જય અને હરીશ મહેતાના મોબાઇલમાંથી તેમની છેલ્લે કોની-કોની સાથે વાતચીત થઈ હતી એ જાણવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. આ સિવાય હવે બન્નેની અંતિમક્રિયા થઈ ગઈ છે એટલે તેમના પરિવારજનોનાં નિવેદનો નોંધવાની શરૂઆત એકાદ દિવસમાં કરીશું.’

mumbai news mumbai bhayander suicide gujaratis of mumbai gujarati community news