કરણ જોહરની પાર્ટીમાં વાઇટ પાવડર શું હતો?

03 October, 2020 11:38 AM IST  |  Mumbai | Mumbai correspondent

કરણ જોહરની પાર્ટીમાં વાઇટ પાવડર શું હતો?

કરણ જોહરની પાર્ટીમાં વાઇટ પાવડર શું હતો?

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર કરણ જોહરને ત્યાં થયેલી પાર્ટીના વાઇરલ થયેલા વિડ‌િયો બાબતે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી) ફરી તપાસ કરશે. એ વિડિયોને ફૉરેન્સિક તપાસ માટે મોકલાવવામાં આવશે એટલું જ નહીં, એ પાર્ટીમાં વિડિયોમાં જોવા મળેલા સિનેસ્ટાર્સને પણ બોલાવી ખરેખર એ પાર્ટીમાં શું થયું હતું, સ્ટાર્સ લોકોએ ડ્રગ લીધું હતું કે નહીં એની પણ પૂછપરછ થઈ શકે છે. એ પાર્ટીમાં ફરિયાદી દ્વારા દાવો કરાયો છે કે ડ્રગનો વાઇટ પાઉડર પણ દેખાય છે. એ ખરેખર ડ્રગ હતું કે કેમ એ વિશે તપાસ કરાશે. જોકે કયા સ્ટાર્સને બોલાવાશે? બોલાવાશે તો ક્યારે બોલાવાશે? એ સંદર્ભે હાલના તબક્કે કોઈ ચોખવટ કરાઈ નથી.
સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુના કેસમાં ડ્રગ ઍન્ગલની તપાસ કરી રહેલા એનસીબીએ તપાસ દરમ્યાન સુશાંત સિંહની ગર્લ ફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેના ભાઈ શોવિક અને અન્ય આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસની તપાસમાં બૉલીવુડમાં કાર્યરત ડ્રગ કાર્ટેલની અનેક વિગતો મળી અને બૉલીવુડ સેલિબ્રિટીઓ દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાનને પણ પૂછપરછ માટે બોલાવી તેમનાં સ્ટેટમેન્ટ નોંધવામાં આવી રહ્યાં છે. એ પ્રોસેસ હજી ચાલુ જ છે.
એ દરમ્યાન બૉલીવુડના જાણીતા નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરને ત્યાં થયેલી એક પાર્ટીનો વિડિયો વાઇરલ થયો હતો જેમાં અનેક બૉલીવુડ સેલિબ્રિટી હાજર રહી હતી. એ વિડિયો બાબતે એવું કહેવાય છે કે તેમાં એ સેલિબ્રિટીઓએ ડ્રગ્સનું સેવન કર્યું હતું. એથી શિરોમણિ અકાલ દળના વિધાનસભ્ય મનજિંદર સિંહ સિરસાએ આ વિડિયોના આધારે કરણ જોહર દ્વારા ડ્રગ પાર્ટીનું આયોજન થયું હોવાની ફરિયાદ કરી છે. એ પાર્ટીમાં દીપિકા પાદુકોણ, મલાઇકા અરોરા, વિકી કૌશલ, આયાન મુખરજી, રણબીર કપુર, શાહિદ કપુર, અર્જુન કપુર, મીરા રાજપૂત અને વરુણ ધવન હાજર હતાં.
એનસીબીએ વાઇરલ થયેલા એ વિડિયોની ઑથેન્ટિસિટી તપાસવા કે એ વિડિયો સાચો છે? મૉર્ફ તો નથી કરાયો? એમાં અન્ય કોઇ વિડિયોની ક્લિપ તો મિક્સ નથી કરાઈ? વગેરે પ્રશ્નના જવાબ મેળવવા એની તપાસ કરાવી હતી; જેના રિપોર્ટમાં કહેવાયું હતું કે એ વિડિયો સાચો છે. એમાં કોઈ એડિટિંગ કરાયું નથી કે એની સાથે કોઈ ચેડાં કરાયાં નથી. એમ છતાં હવે એ વિડિયોને ફૉરેન્સિક ચેક માટે મોકલવામાં આવશે અને ત્યાર બાદ તેમની ઝીણવટભરી તપાસ કરાશે.
મનજિંદર સિરસાએ એમ પણ કહ્યું છે કે તેને એ ફરિયાદ કર્યા બાદ પાકિસ્તાનથી ધમકીભર્યા ફોન આવી રહ્યા છે અને એ ફરિયાદ પાછી ખેંચવા દબાણ કરાઈ રહ્યું છે.

mumbai mumbai news karan johar