મોંઘું શું? દુકાનોના કાચ કે એનું નામ મરાઠીમાં લખવાનું?

15 January, 2022 09:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દુકાનોનાં નામ મોટા અક્ષરે મરાઠીમાં લખવાનો વિરોધ કરનારાઓને બનાવાઈ રહ્યા છે નિશાન : શિવસેના અને એમએનએસ દ્વારા સોશ્યલ મીડિયામાં હેટ કૅમ્પેન શરૂ થતાં પોલીસ અને ગૃહરાજ્યપ્રધાનને ફરિયાદ કરાઈ

બોરીવલીમાંની દુકાનના ગુજરાતી નામના બોર્ડ સાથે મરાઠી નામનું બોર્ડ પણ ગઈ કાલે લગાવવામાં આવ્યું હતું.

દુકાનોનાં નામ મોટા અક્ષરે મરાઠીમાં લખવાના રાજ્ય સરકારના નિર્ણયથી વેપારીઓએ નારાજગી દર્શાવી છે અને કોર્ટમાં આ નિર્ણયને અગાઉ પડકારનારા અને નવેસરથી પડકારવાની તૈયારી કરી રહેલા ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રમુખ વીરેન શાહના દક્ષિણ મુંબઈમાં આવેલા રૂપમ શોરૂમની સામે કેટલાક શિવસૈનિકોએ વિરોધ પ્રગટ કરતાં બૅનરો લગાવ્યાં હોવાનું જણાઈ આવ્યું હતું. એટલું જ નહીં, સોશ્યલ મીડિયામાં પણ વેપારીઓ મરાઠીદ્વેષી હોવાથી તેમનો બહિષ્કાર કરવાના મેસેજ વાઇરલ કરાઈ રહ્યા છે. ગઈ કાલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)એ પણ દુકાનોનાં બોર્ડ મરાઠીમાં લખવાનો વિરોધ કરી રહેલા દુકાનદારોને ચીમકી આપી હતી કે જે વેપારીઓનો મરાઠી પાટિયાનો વિરોધ છે તેમને એક જ સવાલ છે કે પાટિયું બદલવાનો ખર્ચ વધુ છે કે દુકાનના કાચ બદલવાનો? શિવસૈનિકો અને એમએનએસ દ્વારા વેપારીઓને ધમકી અપાઈ હોવાથી વીરેન શાહે ગૃહ પ્રધાન, મુંબઈના પોલીસ કમિશનર અને જૉઇન્ટ પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે.
વીરેન શાહે કરેલી ફરિયાદમાં લખ્યું હતું કે ‘રાજ્યના દુકાનદારોના ફેડરેશન વતી મેં રાજ્યની કૅબિનેટને દુકાનોમાં મોટા અક્ષરે મરાઠી નામ લખવાના નિર્ણયનો વિરોધ કર્યો છે. અમે સરકારને ટૅક્સ આપવાની સાથે કાયદામાં માનનારા છીએ. રાજ્યમાં મેં કાયમ રાજ્યના કાયદા અને નિયમોનું પાલન કર્યું છે. અમે મરાઠી સાઇન બોર્ડનો આદર કરીએ છીએ. નિયમ મુજબ મરાઠીમાં કોઈ પણ સાઇઝમાં નામ લખવા સામે અમને કોઈ વાંધો નથી અને ભવિષ્યમાં પણ નહીં રહે.’ 
વીરેન શાહે નોંધાવેલી ફરિયાદમાં વધુમાં લખ્યું હતું કે ‘૨૦૦૧માં દુકાનોનાં નામ મરાઠીમાં બીજી ભાષાના શબ્દો કરતાં મોટાં રાખવાનો સરકારનો આદેશ જારી કરાયો હતો. એ સમયે બૉમ્બે હાઈ કોર્ટે ફ્રીડમ ઑફ એક્સપ્રેશનના ગ્રાઉન્ડ પર સ્ટે આપ્યો હતો. ૨૦૦૮-’૦૯માં એમએનએસના કાર્યકરોએ મારા પર અંગત હુમલો કરીને પોલીસ કમિશનરની ઑફિસની સામે આવેલા મારા રૂપમ શોરૂમની બારીઓ તોડી નાખી હતી. એ સમયે તેમણે મારી સામે દરેક ગલીના નાકે હેટ કૅમ્પેન ચલાવ્યું હતું. એ સમયે કૉન્ગ્રેસ-એનસીપીની સરકારે હાઈ કોર્ટના આદેશથી એમએનએસના અનેક કાર્યકરોની ધરપકડ કરી હતી. આવી જ રીતે અત્યારે પણ મારી વિરુદ્ધ ઇલેક્ટ્રૉનિક અને સોશ્યલ મીડિયા પર હેટ કૅમ્પેન ચલાવીને મને નિશાન બનાવાઈ રહ્યો છે. હું મારી આ ફરિયાદ સાથે સોશ્યલ મીડિયાની કેટલીક ઇમેજ અને મીડિયામાં આવેલા સમાચાર અટૅચ કરી રહ્યો છું. એ સિવાય અમારા લૅન્ડલાઇન નંબર પર પણ અજાણ્યા લોકોના ધમકીભર્યા ફોન આવી રહ્યા છે.’
ફરિયાદના અંતમાં વીરેન શાહે લખ્યું હતું કે ‘મારા રૂપમ શોરૂમની સામે કેટલાંક પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે. આથી વિનંતી છે કે મને તાત્કાલિક પોલીસ સંરક્ષણ આપવામાં આવે. આ મામલે અમે બાદમાં કોર્ટમાં જઈશું. મને આશા છે કે પોલીસ આ મામલે ઘટતું કરશે.’
વીરેન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈ કૉસ્મોપોલિટન શહેર છે એટલે દુનિયાભરની બ્રૅન્ડના અહીં શોરૂમ આવેલા છે. ટ્રેડમાર્ક મરાઠીમાં કેવી રીતે લખવો? મરાઠીનો આગ્રહ રાખવાથી મરાઠીઓના મત મેળવી શકાતા હોય છે એમ કોઈ માનતું હોય તો તેમની ધારણા ખોટી છે. બૉમ્બે હાઈ કોર્ટે ૨૦૦૯માં મરાઠીમાં પાટિયાં બાબતે આપેલો સ્ટે કાયમ છે કે વેકન્ટ થઈ ગયો છે એની તપાસ કરી રહ્યા છીએ. જો એ વેકન્ટ થઈ ગયો હશે તો અમે ફરી સરકારના આ નિર્ણયને હાઈ કોર્ટમાં પડકારીશું.’
દુકાનોનાં પાટિયાં મરાઠીમાં હોવાં જોઈએ એ વિશે ગુરુવારે એમએનએસના પ્રમુખ રાજ ઠાકરેએ વિરોધીઓને ચીમકી આપ્યા બાદ ગઈ કાલે એમએનએસના નેતા સંદીપ દેશપાંડેએ ટ્‌વીટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું હતું કે ‘જે વેપારીઓનો મરાઠી પાટિયાંનો વિરોધ છે તેમને એક જ સવાલ છે કે પાટિયું બદલવાનો ખર્ચ વધુ છે?’ 
એમએનએસ પણ મરાઠીના મુદ્દે મેદાનમાં ઊતરતાં રાજ્ય સરકારે લીધેલા નિર્ણયની નકલો દુકાનદારોને પહોંચાડવાની શરૂઆત શિવસૈનિકોએ મુંબઈમાં કરી હોવાનું જાણવા મળ્યું હતું. સરકારના નિર્ણયના બીજા જ દિવસથી તેમણે આવું કરવાની શરૂઆત કરી હતી. ગુરુવારે વિલે પાર્લેમાં કેટલાક શિવસૈનિકોએ રસ્તામાં ઊતરીને દુકાનદારોને દુકાનોનાં નામ મોટા અક્ષરે મરાઠીમાં લખવાની યાદ અપાવી હતી. 


કાંદિવલી અને બોરીવલીની ૩૦૦ દુકાનને એમએનએસનું અલ્ટિમેટમ
ગઈ કાલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ કાંદિવલી, ચારકોપ અને બોરીવલીના ૩૦૦ જેટલા દુકાનદારોને તેમની દુકાનનાં પાટિયાં મોટા અક્ષરે મરાઠીમાં કરવા માટેની નોટિસ આપી હતી જેમાં ઘર્ષણ ટાળવા માટે ૧૫ દિવસની અંદર મરાઠીમાં દુકાનોનાં પાટિયાં કરવાનું કહેવામાં આવ્યું હતું. બોરીવલીમાં તો એક દુકાનનું નામ ગુજરાતીમાં હતું તો એના પર તરત જ મરાઠીમાં લખેલું બોર્ડ મારી દેવામાં આવ્યું હતું. જોકે ઘણા દુકાનદારોએ એ વાતનું આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે મરાઠીમાં નામ લખેલું પાટિયું આ દુકાનદારે તો એવી રીતે તૈયાર રાખ્યું હતું જાણે એમએનએસવાળા તેમને ત્યાં આવવાના હોય એની તેને પહેલેથી જ ખબર હોય.


સાઇન બોર્ડને બદલે મહત્ત્વના કામ પર ધ્યાન આપે સરકાર
ઑલ ઇન્ડિયા ઇલેક્ટ્રૉનિક્સ અસોસિએશનના પ્રેસિડન્ટ અને ચેમ્બર ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડ (કૅમિટ)ના સેક્રેટરી મિતેષ મોદીએ રાજ્ય સરકારના મરાઠીમાં મોટા અક્ષરે નામ લખવાના નિર્ણય બાબતે નિવેદન આપ્યું હતું કે ‘કોરોના પૅન્ડેમિક વચ્ચે ઇકૉનૉમી સંઘર્ષ કરી રહી છે ત્યારે ડિસ્પ્લે બોર્ડ પર ફોન્ટની સાઇઝને ઇશ્યુ બનાવાઈ રહ્યો છે એ કમનસીબી છે. રાજ્ય સરકારે અત્યારના ડિસ્પ્લે બોર્ડના કાયદામાં અવ્યવહારુ, અવાસ્તવિક અને બિનજરૂરી ફેરફાર કરવાને બદલે વધુ મહત્ત્વના અને અર્જટ કામ પર ધ્યાન આપવું જોઈએ. રાજ્યના તમામ વેપારીઓ પોતાની માતૃભાષા જેટલો મરાઠી ભાષાનો આદર કરે છે. આથી અહીં કોઈ ભાષાને સાઇડલાઇન કરવાનો સવાલ જ નથી. ગ્રાહકો માટે ભાગે બ્રૅન્ડનો લોગો અને બ્રૅન્ડનેમ જોઈને દુકાનમાં આવે છે. ઘણી વાર તો દુકાનના બોર્ડ કરતાં બ્રૅન્ડનેમ કે બ્રૅન્ડનો લોગો મોટો હોય છે. મોટા ભાગનાં આવાં બ્રૅન્ડનેમ કે લોગો ઇંગ્લિશમાં હોય છે. બીએમડબ્લ્યુ, માઇક્રોસૉફ્ટ, જિલેટ, નેસ્લે સહિતની અસંખ્ય ઇન્ટરનૅશનલ કંપનીના લોગો મરાઠીમાં કેવી રીતે કરી શકાય?’


મરાઠીમાં સાઇનબોર્ડ લગાવવાથી મહારાષ્ટ્રિયન યુવકોને રોજગાર મળશે? : એઆઇએમઆઇએમના સંસદસભ્ય

એઆઇએમઆઇએમના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ અને સંસદસભ્ય ઇમ્તિયાઝ જલીલે ૧૦ કરતાં ઓછા કર્મચારીઓ ધરાવતી દુકાનો માટે મરાઠી સાઇનબોર્ડ ફરજિયાત બનાવવાના સરકારના નિર્ણયની ટીકા કરતાં વ્યંગ કર્યો હતો કે શું સરકારના આ પગલાથી મરાઠીભાષી યુવાનો માટે રોજગાર નિર્માણ થશે? 
ચૂંટણી નજીક આવે ત્યારે જ ભાવનાત્મક મુદ્દાઓ ઉઠાવવામાં આવે છે એમ કહેતાં ઔરંગાબાદથી ચૂંટાઈ આવેલા લોકસભાના સભ્ય ઇમ્તિયાઝ જલીલે મહાવિકાસ આઘાડી સરકારના નિર્ણયને એક ગતકડું ગણાવતાં ઉમેર્યું હતું કે આ વાત ન સમજે એટલા લોકો મૂરખ નથી.

mumbai mumbai news shiv sena maharashtra navnirman sena