01 May, 2025 06:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ સૅનિટરી પૅડ, ડાયપર, એક્સપાયર થયેલી દવાઓ, બ્યુટી-પાર્લરમાંથી નીકળતા કચરાને અલગ કરવા માટે નવી યોજના અમલમાં મૂકી છે. ‘ડોમેસ્ટિક સૅનિટરી ઍન્ડ સ્પેશ્યલ કૅર વેસ્ટ કલેક્શન’ નામે BMCના સૉલિડ વેસ્ટ-મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ૧ મેથી આ નવી યોજના શરૂ કરવામાં આવશે.
હાઉસિંગ સોસાયટી, બ્યુટી-પાર્લર, મહિલા હૉસ્ટેલ અને શૈક્ષણિક સંસ્થાઓ રજિસ્ટ્રેશન કરાવીને આ સર્વિસનો લાભ લઈ શકે છે. પહેલી મેથી BMC સૅનિટરી કચરાનું કલેક્શન શરૂ કરશે. BMCએ આ વિશે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે મુંબઈમાં રોજનો ૭૦૦૦ ટનથી ૮૦૦૦ ટન કચરો જમા થાય છે જેમાંથી ૭૦થી ૮૦ ટન કચરો સૅનિટરી નૅપ્કિન, ડાયપર્સ, ટૅમ્પૉન્સ, કૉન્ડોમ્સ, બૅન્ડેજ, શરીરમાંથી નીકળતા અન્ય પ્રવાહીવાળા કૉટન, એક્સપાયર થયેલી દવાઓ, ઇન્જેક્શનની નીડલ, રેઝરની બ્લેડ, વૅક્સના પટ્ટા કે PPE કિટ જેવી પર્સનલ હાઇજીનની વસ્તુઓનો હોય છે; આ બધી વસ્તુઓને જુદી કરવામાં ક્યારેક કામદારોને કોઈ ચેપ લાગી શકે છે અને કચરાની પ્રોસેસિંગમાં પણ અડચણ આવે છે.