લૉકડાઉનમાં ફાલ્ગુનીપાઠકને કઈ વાતનો જલસો પડે છે?

09 May, 2020 08:46 PM IST  |  Mumbai Desk | Ruchita Shah

લૉકડાઉનમાં ફાલ્ગુનીપાઠકને કઈ વાતનો જલસો પડે છે?

બર્તન જો ખનકે હાથોં મેં : લૉકડાઉનમાં ઘરના કામકાજમાં વ્યસ્ત ફાલ્ગુની પાઠક.

સાંતાક્રુઝમાં રહેતી ગરબા ક્વીનનો પોતાના ઘરની બાલ્કનીમાંથી અંતાક્ષરી રમતો વિડિયો તમેય જોયો હશે. આવા તો તેમના ઘણાં જલસા લૉકડાઉનમાં ચાલી રહ્યા છે. 

લૉકડાઉને ભાગદોડભરી જિંદગી જીવતા મુંબઈકરોને ખાસ્સી નિરાંતની ક્ષણો આપી છે પછી એ કોઈ સામાન્ય મુંબઈકર હોય કે કોઈ સેલિબ્રિટી. ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક અત્યારે નિરાંતની આ જ પળોને ભરપૂર એન્જૉય કરી રહી છે. ‘દિવસ ક્યાં પૂરો થઈ જાય છે એની ખબર જ નથી પડતી,’ પોતાના અનેરા લહેકા સાથે ફાલ્ગુની કહે છે અને સાથે એમ પણ ઉમેરે છે, ‘મને યાદ નથી કે લૉકડાઉન પહેલાં હું ક્યારેય વગર અલાર્મે સૂતી હતી. પોતાનું ધ્યાન રખાય છે, પોતાના માટે સમય મળે છે, અવાજને આરામ મળે છે, રિયાઝ માટે સમય મળે છે. બીજું શું જોઈએ?’
થોડા સમયથી ફાલ્ગુનીનો પોતાના ઘરની ગૅલેરીમાંથી મુકેશનું ગીત ‘કહીં દૂર જબ દિન ઢલ જાએ’ ગીત ગાતો વિડિયો વાઇરલ થયો છે જેમાં ફાલ્ગુની પાઠકના બિલ્ડિંગની આજુબાજુનાં અને સામસામેનાં બિલ્ડિંગના લોકો પોતાની ગૅલરીમાં આવીને ગીતોની અને અંતાક્ષરીઓની મહેફિલને એન્જૉય કરી રહ્યા છે. લૉકડાઉનના આ નવા જલસા વિશે વાત કરતાં ફાલ્ગુની કહે છે, ‘મોદીજીએ જ્યારે દીવો કરવાનું કહેલું ત્યારે મને વિચાર આવ્યો કે બધા સાથે આમ બાલ્કનીમાં ભેગા થઈને ગીતો ગાયાં હોય તો મજા પડી જાય. મારી પાસે એક સારું માઇક અને સ્પીકર છે. ચાલુ કરીને હું તો બાલ્કનીમાં જઈને ગાવા માંડી. ધીમે-ધીમે બધા પોતાની બાલ્કનીમાં આવવા માંડ્યા. પછી તો જાણે મહેફિલ જ જામી ગઈ. અમારી સામેના બિલ્ડિંગમાં એક જણ પાસે કૅરિઓકે માઇક છે, બીજા બિલ્ડિંગમાં પણ માઇક છે એટલે વધુ લોકો જોડાઈ ગયા. પછી તો બધાને એવો ચસકો લાગી ગયો કે હવે પાછા ક્યારે મળીશું, અંતાક્ષરી રમીએ એવી બધી ડિમાન્ડ ચાલી. વચ્ચે થોડા દિવસ બ્રેક લીધો અને પાછું શરૂ કર્યું. સાંતાક્રુઝ-વેસ્ટમાં અમારી વેસ્ટ ઍવન્યુ નામની લેન છે જ્યાં સામસામે બિલ્ડિંગ છે અને અહીં રેગ્યુલર દિવસોમાં પણ ખૂબ શાંતિ હોય છે. અત્યારે તો વધારે શાંતિ છે એટલે અવાજ બધા સુધી પહોંચે. એનો વાંધો નથી આવતો. વચ્ચે અમે બધા મિત્રોના કહેવાથી રિશી કપૂરજીને ટ્રિબ્યુટ આપવાના આશયથી તેમનાં ગમતાં ગીતો ગાયાં હતાં. મજા આવે છે આમાં.’
ફાલ્ગુની પાઠકે તેમના પરિવાર સાથે મે મહિનામાં સ્વિટ્ઝરલૅન્ડ જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો પણ એ હવે કૅન્સલ થઈ ગયો છે. નવરાત્રિ સુધી જો આ જ સંજોગો રહ્યા તો શું? એના જવાબમાં ફાલ્ગુની કહે છે, ‘આ મહામારી જલદી જાય એ તો હું ઇચ્છું છું પરંતુ ગરબા થશે કે નહીં એ માતાજીની ઇચ્છા. તેમને ગરબા કરાવવા હશે તો હું કરીશ, પણ જો તેમની ઇચ્છા નહીં હોય તો કંઈ નહીં. આટલાં વર્ષો સુધી જે થયું એ માતાજીની કૃપાથી જ થયું છે તો હવે હું શું કામ ચિંતા કરું.’

બોર થવું એ તો તમારા માઇન્ડમાં છે. બાકી મને તો સમય જ નથી મળતો. પિયાનો શીખવાનું શરૂ કરેલું તો એની પ્રૅક્ટિસ વધારી છે. આજકાલ જાતજાતની મનગમતી વાનગીઓ ખાવાનો આનંદ ઉઠાવું છું જે મોટે ભાગે અવૉઇડ કરતી હતી. તળેલી અને ઠંડી વસ્તુઓ, પાણીપૂરી, વડાપાંઉ, શ્રીખંડ જેવું બધું જ ઘરે બનાવીએ છીએ. એમાં મારાથી થાય એટલી હેલ્પ કરું છું. એ સિવાય કપડાં, કચરા-પોતાં, વાસણ જેવાં કામોમાં સમય જાય છે. જૂની ફિલ્મો જે ઘણા સમયથી જોઈ નહોતી એ જોવાની મજા માણું છું

ruchita shah falguni pathak mumbai mumbai news santacruz