✕

AC લોકલની મફત સવારી માટે ChatGPTથી બનાવ્યો નકલી પાસ

19 November, 2026 08:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફર્સ્ટ ક્લાસના પાસને ACના ૬ મહિનાના પાસમાં ફેરવ્યો, TCએ ચાલાકી પકડી પાડી

એસી લોકલ

ChatGPTની મદદથી લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસના પાસને ઍર-કન્ડિશન્ડ (AC) લોકલના ૬ મહિનાના પાસમાં ફેરવીને પ્રવાસ કરતા એક પૅસેન્જરને ટિકિટ કલેક્ટર (TC)એ પકડી પાડ્યો હતો. વેસ્ટર્ન રેલવેએ જણાવ્યા અનુસાર પૅસેન્જરે ChatGPTનો ઉપયોગ કરીને આ કરામત કરી હતી અને છેલ્લા એક મહિનાથી તે આ પાસનો ઉપયોગ કરીને ટ્રેનમાં પ્રવાસ કરતો હતો. 

વેસ્ટર્ન રેલવેએ વધુમાં જણાવ્યું હતું કે ‘અમન યાદવ નામના પ્રવાસીએ સૌપ્રથમ બોરીવલીથી ચર્ચગેટ સુધીનો એક મહિનાનો ફર્સ્ટ ક્લાસ પાસ બનાવડાવ્યો હતો. ત્યાર પછી ChatGPTની મદદથી તેણે પાસમાં મુસાફરીનાં સ્થળ, ક્લાસ, ભાડું તથા મુદતમાં ફેરફાર કર્યા હતા.’ 

TCને કેવી રીતે શંકા ગઈ?

અમન યાદવ વસઈથી નાયગાંવ દરમ્યાન પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે TCએ તેની પાસેથી ટિકિટ માગતાં તેણે તરત મોબાઇલમાં પોતાનો પાસ દેખાડ્યો હતો. સામાન્ય રીતે પ્રવાસ કરતી વખતે નેટવર્કના કારણે રેલ-વન ઍપ્લિકેશન ખૂલતાં થોડો સમય લાગે છે. જોકે અમન યાદવે તરત જ પાસ દેખાડતાં TCને શંકા ગઈ હતી અને એ સ્ક્રીનશૉટ હોવાનું લાગ્યું હતું જેને પગલે વધુ તપાસ કરવામાં આવતાં અમન યાદવે કરેલી કરામત ઉજાગર થઈ હતી. પછીથી અમન યાદવને વસઈ રેલવે-પોલીસના હવાલે કરી તેના વિરુદ્ધ નકલી રેલવે-પાસ બનાવવા બદલ ગુનો નોંધી આગળ કાર્યવાહી કરવામાં આવી હતી. 

ai artificial intelligence western railway AC Local mumbai local train mumbai trains mumbai news mumbai vasai