20 November, 2026 08:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અહીં લાઇન લાગી છે, અમારા મારફત આગળ વધો, અહીં પૈસા આપો અને અહીં ડિલિવરી લો (તસવીરો: નિમેશ દવે)
ઑફિસ જતી વખતે હું બાંદરા-ઈસ્ટના ફુટઓવર બ્રિજના ઉત્તર છેડેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મારી નજર એક અસામાન્ય દૃશ્ય પર પડી. બ્રિજની નીચે કચરાના ઢગલા વચ્ચે સંખ્યાબંધ પુરુષોની લાઇન લાગી હતી. ઘણા લોકો હાથમાં રોકડા રૂપિયા લઈને પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યા હતા. હાથમાં લાકડી લઈને ઊભેલો એક માણસ આ લાઇનનું સંચાલન કરતો જણાતો હતો. લોકો એક પછી એક તેની પાસે જઈને પૈસા આપતા હતા. પૈસા ચૂકવ્યા બાદ તેઓ લાલ ટી-શર્ટ પહેરેલા અન્ય એક માણસ તરફ આગળ વધતા હતા જે કાગળના નાના ટુકડામાં વીંટાળેલી ગોળીઓ જેવી કોઈ વસ્તુનું વિતરણ કરી રહ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા આશ્ચર્યજનક રીતે સુવ્યવસ્થિત જણાતી હતી. દરેક વ્યવહારમાં માત્ર થોડી જ સેકન્ડ લાગતી હતી. આ આખો સિલસિલો માત્ર ૧૦ મિનિટ સુધી ચાલ્યો અને ત્યાર બાદ બધા ત્યાંથી વિખેરાઈ ગયા હતા. આ બધું જ ધોળા દિવસે બની રહ્યું હતું. ત્યાં ન તો કોઈ દુકાન હતી કે ન તો શું વેચાઈ રહ્યું છે એ દર્શાવતું કોઈ સાઇનબોર્ડ હતું. એમ છતાં પડીકીઓ લેવા માટે શું કરવાનું છે એની લોકોને બરાબર જાણ હતી. આખરે ત્યાં શું વેચાઈ રહ્યું હતું? મેં તસવીરો ખેંચી અને આગળ વધી ગયો.
- નિમેશ દવે
રોકડના બદલામાં જ્યાં કોઈ અજાણી વસ્તુની આપ-લે થતી હતી એ સ્થળ પોતાની હદબહાર હોવાનું ગવર્નમેન્ટ રેલવે પોલીસનું કહેવું છે, જ્યારે વેસ્ટર્ન રેલવેએ તપાસની ખાતરી આપી
વેસ્ટર્ન રેલવેએ તપાસની ખાતરી આપી વેસ્ટર્ન રેલવે (WR)ના મુખ્ય પ્રવક્તા અરુણ કુમાર મીણાએ જણાવ્યું હતું કે રેલવે-અધિકારીઓએ આ બાબતની નોંધ લીધી છે, અમે આ બાબતે તપાસ કરી રહ્યા છીએ અને યોગ્ય કાર્યવાહી શરૂ કરીશું. ‘મિડ-ડે’ના ફોટો-જર્નલિસ્ટ નિમેશ દવેના નિરીક્ષણ બાદ ‘મિડ-ડે’એ પ્રતિક્રિયા માટે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ના કમિશનર રાકેશ કલાસાગરનો સંપર્ક કર્યો હતો. રાકેશ કલાસાગરે ખાતરી આપી હતી કે GRP દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. જોકે બાંદરા GRPના અધિકારીઓએ જણાવ્યું હતું કે એ સ્થળ રેલવે-પરિસરની બહાર છે. બાંદરા GRPના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર શહાજી નિકમે કહ્યું હતું કે આ સ્થળ બાંદરા રેલવે-પોલીસની હદની બહાર આવે છે. શહાજી નિકમે વધુમાં જણાવ્યું હતું કે ‘રેલવે-પરિસર પર ૨૪ કલાક દેખરેખ રાખવામાં આવે છે અને ત્યાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા લગાવેલા છે. અમારી પાસે ૨૪ કલાક પોલીસ-કર્મચારીઓ તહેનાત છે અને રેલવે-સ્ટેશન પરિસરના લગભગ દરેક ખૂણે CCTV કૅમેરા લગાવેલા છે. રેલવે-સ્ટેશન પરિસરની અંદર આવી કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ થતી નથી.’ શહાજી નિકમે એમ પણ કહ્યું હતું કે આમ છતાં આવી ઘટનાઓને રોકવા માટે GRP દ્વારા એ વિસ્તારમાં પૅટ્રોલિંગ શરૂ કરવામાં આવશે.
- રાજેન્દ્ર બી. અકલેકર અને ઐશ્વર્યા ઐયર