વીક-એન્ડ લૉકડાઉન માટે પોલીસ, હોમગાર્ડ્સ અને સુરક્ષા દળો તહેનાત

11 April, 2021 09:38 AM IST  |  Mumbai | Vishal Singh

જવાનોને બળપ્રયોગ નહીં કરવાની સૂચના

ફાઈલ તસવીર

વીક-એન્ડ લૉકડાઉનના અમલ માટે પોલીસ, હોમગાર્ડ્સ અને અન્ય સુરક્ષા દળો મહાનગર મુંબઈના માર્ગો પર ઊતર્યાં હતાં. ઘરની બહાર નીકળતા મુંબઈગરાઓને પૂછપરછ કરવા માટે નાકાબંધી શરૂ કરવામાં આવી હતી. શુક્રવારે રાતે ૮ વાગ્યાથી સોમવારે સવારે ૭ વાગ્યા સુધી લૉકડાઉન દરમ્યાન તબીબી કારણો સિવાયના અન્ય કોઈ પણ કારણસર લોકોને હરવા-ફરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો પર ભીડ અને ધાંધલ ન થાય એનો ખ્યાલ રાખવાની સૂચના પોલીસને આપવામાં આવી છે. મુંબઈ મહાનગરપાલિકાએ રેસ્ટોરાં, હોટેલ્સ અને ફૂડ એગ્રેગેટર્સ દ્વારા ફૂડ-આઇટમ્સની હોમ ડિલિવરી સહિત કેટલીક છૂટછાટ આપી છે.

નાયબ પોલીસ કમિશનર (જનસંપર્ક) એસ. ચૈતન્યએ જણાવ્યું હતું કે ‘મોટા ભાગના પોલીસ દળો નાકાબંધી માટે શહેરના માર્ગો પર તહેનાત છે. જોકે નાગરિકો ઉચિત રીતે સહકાર આપી રહ્યા છે. અમે લોકલ આર્મ્સ ડિવિઝનના ૫૦૦ જવાનો, હોમગાર્ડ્સના ૧૦૦૦ જવાનો અને રાજ્ય અનામત પોલીસ દળની પાંચ ટુકડીઓ પણ તહેનાત કરી છે. પોલીસ-કમિશનરે તમામ જવાનોને નાગરિકો સાથે સભ્યતાપૂર્વક વર્તન કરવાની સૂચના આપી છે. બંદોબસ્ત દરમ્યાન કાયદો તોડનાર સામે પગલાં લેવાશે, પણ એમાં વિનયશીલતા ન ભુલાય એનો ખ્યાલ રાખવામાં આવશે. ગયા વર્ષે લૉકડાઉનનો અમલ કરાવવામાં પોલીસ તરફથી સખતાઈની ફરિયાદો મળી હતી, પરંતુ આ વખતે કૉન્સ્ટેબલ્સને બળપ્રયોગ નહીં કરવાની સૂચના આપવામાં આવી છે.’

coronavirus covid19 lockdown mumbai mumbai news vishal singh