પૂરગ્રસ્તોના પુનર્વસનનું કાર્ય વિક્રમરૂપ સમયગાળામાં પૂરું કરીશું-ફડણવીસ

16 August, 2019 11:14 AM IST  |  મુંબઈ

પૂરગ્રસ્તોના પુનર્વસનનું કાર્ય વિક્રમરૂપ સમયગાળામાં પૂરું કરીશું-ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ

રાજ્યના પૂરગ્રસ્તોના પુનર્વસનનું કાર્ય વિક્રમરૂપ સમયમાં પૂરું કરવાની બાંયધરી ઉચ્ચારતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે બોગદાં બાંધીને ચોમાસામાં કોકણમાં વરસતું પાણી ઉત્તર મહારાષ્ટ્ર અને મરાઠવાડા તરફ તેમ જ વૈનગંગા નદીનું પાણી વિદર્ભ તરફ વાળીને મહારાષ્ટ્રને પૂર્ણરૂપે દુકાળમુક્ત કરીશું.
રાજ્યના વહીવટી મુખ્યાલય મંત્રાલય ખાતે ૭૩મા સ્વતંત્રતા દિન નિમિત્તે ધ્વજવંદન બાદ સંબોધન કરતાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ‘પૂરમાં ઘર અને આજીવિકા ગુમાવનારા નાગરિકોને હું વિક્રમરૂપ સમયગાળામાં પુનર્વસનનું કાર્ય પૂરું કરવાની બાંયધરી આપું છું. પૂરગ્રસ્તોના પુનર્વસનની કામગીરી પડકારરૂપ છે. પુનર્વસન યોજનાના ઝડપી અમલ માટે ૬૮૦૦ કરોડ રૂપિયાનું પૅકેજ કેન્દ્ર સરકાર પાસે માગવામાં આવશે. પૂરના કપરા કાળમાં બચાવ અને રાહતકાર્યમાં અસરગ્રસ્તો અને રાજ્ય સરકારની પડખે ઊભા રહેવા બદલ રાજ્યના અન્ય ભાગોના લોકોનો હું આભારી છું.’
દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ‘લશ્કરની ત્રણે પાંખો હવાઈદળ, ભૂમિદળ અને નૌકાદળ ઉપરાંત તટરક્ષક દળ, નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પોન્સ ફોર્સ તથા સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનોએ છેલ્લા પંદરેક દિવસોમાં પૂરગ્રસ્ત ક્ષેત્રોમાંથી પાંચ લાખ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. કોલ્હાપુર અને સાંગલી જિલ્લાઓમાં પૂરનો મરણાંક પચાસ પર પહોંચ્યો છે.’

આ પણ જુઓઃ આવી છે તારક મહેતાના કલાકારોની રીઅલ લાઈફ ફેમિલી....

છેલ્લાં પાંચ વર્ષની રાજ્ય સરકારની સિદ્ધિઓ વર્ણવતાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ‘કૃષિ ક્ષેત્રમાં દોઢ લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ‌ કરવામાં આવ્યું છે. વિવિધ પ્રકારની સરકારી સબસિડીઓ અને કૃષિ યોજનાઓ હેઠળ પચાસ હજાર કરોડ રૂપિયા ખેડૂતોના બૅન્ક ખાતાંમાં જમા કરવામાં આવ્યા છે. જલયુક્ત શિવાર યોજનામાં પણ ઘણી પ્રગતિ થઈ છે. સમગ્ર રાષ્ટ્રના સીધા વિદેશી મૂડીરોકાણમાંથી પચાસ ટકા મહારાષ્ટ્રમાં નોંધાયું છે.’

મુખ્ય પ્રધાનના રાહતભંડોળમાં બે દિવસમાં વીસ કરોડ રૂપિયા ભેગા થયા
પૂરગ્રસ્તોને સહાયની મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અપીલને પ્રતિસાદ રૂપે બે દિવસમાં વિવિધ રકમોના દાન મળીને વીસ કરોડ રૂપિયા ભેગા થયા છે. સમાજનાં વિવિધ ક્ષેત્રો, ઉદ્યોગ ગૃહો, વ્યક્તિઓ, રાજકીય પક્ષો અને વિવિધ સંસ્થાઓેએ મુખ્ય પ્રધાનના રાહતભંડોળમાં દાનનો પ્રવાહ વહેવડાવતાં કુલ રકમ વીસ કરોડ રૂપિયાનો આંક પાર કરી ગઈ છે. સાહિત્ય એકેડેમીનો અવૉર્ડ જીતનારા સુશીલકુમાર શિંદેએ ઇનામની સમગ્ર રકમ પચાસ હજાર રૂપિયા મુખ્ય પ્રધાનના રાહતભંડોળમાં આપી દીધી છે. સૈફી ફાઉન્ડેશને એક કરોડ રૂપિયા અને સારસ્વત બૅન્કે એક કરોડ રૂપિયા ફાળવ્યા છે. બીજેપીના કાર્યકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરફથી મળેલા દાન ઉપરાંત રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના રાષ્ટ્રવાદી વેલફેર ફન્ડ તરફથી પચાસ લાખ રૂપિયાનું દાન મુખ્ય પ્રધાનના રાહતભંડોળમાં ઉમેરાયું છે.

devendra fadnavis mumbai