સાંગલીની નદીઓની જળસપાટી વધી, કાંઠાના વિસ્તારોને અલર્ટ કરાયા

18 August, 2020 12:43 PM IST  |  Sangli | Agencies

સાંગલીની નદીઓની જળસપાટી વધી, કાંઠાના વિસ્તારોને અલર્ટ કરાયા

સાંગલી પૂર

સાંગલીમાં સતત વરસી રહેલા વરસાદને કારણે કૃષ્ણા, વારણા અને કોયના નદીઓની જળસપાટી વધી જતાં જિલ્લાના વહીવટી તંત્રએ આ નદીઓના કાંઠાના વિસ્તારો પાસે રહેતા લોકોને સાબદા રહેવાની તાકીદ કરી છે.

પશ્ચિમ મહારાષ્ટ્રના આ જિલ્લામાં નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (એનડીઆરએફ)ની બે ટીમો અત્યારે તહેનાત છે.

‘સાંગલીમાં કૅચમેન્ટ વિસ્તારોમાં સતત પડી રહેલા વરસાદને કારણે કૃષ્ણા, વારણા અને કોયના નદીઓની જળસપાટી વધી છે આથી આ નદીઓના કાંઠે વસતા લોકો તથા ખેડૂતોને અલર્ટ રહેવા જણાવાયું છે એમ જિલ્લા વહીવટી તંત્રના એક અધિકારીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સારોએવો વરસાદ પડતાં આ નદીઓ પર બાંધવામાં આવેલા વિવિધ ડૅમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. રવિવારે સાંજે ઇરવિન બ્રિજ ખાતે કૃષ્ણા નદીની સપાટી ૨૭.૧૦ ફુટ હતી. સોમવાર સાંજ સુધીમાં સપાટી વધીને ૩૮થી ૪૦ ફુટ થઈ શકે છે. જળ સંસાધન વિભાગના એક અધિકારીએ જણાવ્યા મુજબ કોયના ડૅમમાંથી ૫૫,૯૦૦ ક્યુસેક (ક્યુબિક ફુટ પર સેકન્ડ)ના દરે પાણી છોડવામાં આવી રહ્યું છે.

ગયા વર્ષે પશ્ચિમ મહારાષ્ટ્રમાં, ખાસ કરીને કોલ્હાપુર અને સાંગલી જિલ્લાઓમાં અભૂતપૂર્વ વરસાદ ખાબકતાં તારાજી સર્જાઈ હતી અને ૬૦ કરતાં વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

mumbai maharashtra mumbai news sangli mumbai monsoon mumbai rains