14 November, 2025 11:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગઈ કાલે સામે આવેલા રિપોર્ટ્સ પ્રમાણે ભારતે મુંબઈ નજીકના એના હવાઈ ક્ષેત્રમાં હવાઈ ટ્રાફિક રૂટ પર ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) ઇન્ટરફિયરન્સ અથવા સિગ્નલ ખોવાઈ જવાની ચેતવણી માટે નોટિસ ટુ ઍર મિશન (NOTAM) જાહેર કર્યું છે. આ ચેતવણી ૧૩થી ૧૭ નવેમ્બર સુધીના સમય માટે આપવામાં આવી છે.
તાજેતરમાં ૧૧ નવેમ્બરે જ ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA)એ ઍરલાઇન્સ, પાઇલટ્સ અને ઍર ટ્રાફિક કન્ટ્રોલર્સને GPS સ્પૂફિંગની ઘટના બને તો ૧૦ મિનિટની અંદર એની જાણ કરવાનો કડક આદેશ આપ્યો હતો. દિલ્હી ઍરપોર્ટ પર બનેલી ઘટના પછી આ આદેશ બહાર પાડવામાં આવ્યો હતો.
પાછલા કેટલાક દિવસોથી દિલ્હી ઍરપોર્ટ અને એની આસપાસ GPS સ્પૂફિંગ કે ઇન્ટરફિયરન્સની ઘટનાઓ નોંધાઈ છે. દિલ્હી ઍરપોર્ટ પર ૬ નવેમ્બરે આવી જ ઘટનાને લીધે સર્જાયેલી ટેક્નિકલ સમસ્યાને લીધે ૮૦૦થી વધુ ફ્લાઇટ મોડી પડી હતી અને ૧૦૦થી વધુ ફ્લાઇટ કૅન્સલ કરવી પડી હતી.