સલામતીના મુદ્દે આમનેસામને

11 January, 2021 10:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલામતીના મુદ્દે આમનેસામને

દેવેન્દ્ર ફડણવીસ

રાજ્ય સરકારે વિધાનસભાના વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ, વિધાન પરિષદના વિરોધી પક્ષના નેતા પ્રવીણ દરેકર, બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલ, મનસે (એમએનએસ-મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના અધ્યક્ષ રાજ ઠાકરે જેવા મોટા નેતાઓની સિક્યૉરિટીમાં કાપ મૂક્યો છે. બે દિવસ પહેલાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. સરકારના આ નિર્ણયની વિરોધીઓ દ્વારા આકરી ટીકા કરાઈ રહી છે. મનસે અને બીજેપીના નેતાઓએ કહ્યું છે કે અમારા પક્ષના નેતાઓની સુરક્ષા અમે કરીશું, તમે જનતાની સુરક્ષા કરી શકો તો પણ સારું. જોકે આ બધા વચ્ચે સરકારે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર ઉજ્જવલ નિકમ અને અૅક્ટર-કમ-પૉલિટિશ્યન શત્રુઘ્ન સિંહાની સિક્યૉરિટી વધારી છે.

મનસેના નેતા રાજુ પાટીલે કહ્યું હતું કે ‘દેવેન્દ્ર ફડણવીસ બાદ મનસે અધ્યક્ષ રાજ ઠાકરેની સુરક્ષામાં કાપ મુકાયો છે. તેમની ઝેડ સિક્યૉરિટી કાઢી નખાઈ. સુરક્ષા કાઢવાથી અમને કોઈ ફરક પડતો નથી. ઠાકરે સરકાર જાણી જોઈને આ મામલે રાજકારણ કરી રહી છે. રાજ ઠાકરેની પાછળ આખું મહારાષ્ટ્ર છે. તેમને મનસે સૈનિક સુરક્ષા પૂરી પાડશે.’

વિધાન પરિષદમાં વિરોધી પક્ષ નેતા પ્રવીણ દરેકરે કહ્યું હતું કે ‘અમને અમારી સુરક્ષાની ચિંતા નથી. સરકારે રાજ્યની જનતાની સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ. સરકાર આટલું કરશે તો પણ સારું છે. પોલીસે દેવેન્દ્ર ફડણવીસની સુરક્ષા વધારવાની જરૂર હોવાનો અહેવાલ આપ્યો હોવા છતાં તેમની સુરક્ષા ઘટાડવી યોગ્ય નથી.’

બીજેપીના પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે કહ્યું હતું કે ‘નેતાઓની સુરક્ષામાં ઘટાડો કરવાનો નિર્ણય યોગ્ય નથી. કોરોનાના સમયમાં અને એ પહેલાં પણ દેવેન્દ્ર ફડણવીસ રાજ્યભરમાં જનતાને આશ્વાસન આપવા માટે દોડી રહ્યા હતા ત્યારે મુખ્ય પ્રધાન ઘરમાં બેસી રહ્યા હતા. ભંડારામાં આગની ઘટના બાદ દેવેન્દ્ર ફડણવીસ સૌથી પહેલાં દોડીને પહોંચ્યા હતા. આમ હોવા છતાં રાજ્ય સરકારે આ નેતાની સિક્યૉરિટીમાં કાપ મૂક્યો છે. સુરક્ષા ભલે કાઢી નખાઈ, પક્ષના નેતાઓ જનતાનો અવાજ બુલંદ કરવાનું કામ કરતા જ રહેશે.’

રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે કહ્યું હતું કે અમે એક વરિષ્ઠ અધિકારીના વડપણ હેઠળ સમિતિ બનાવી હતી અને આ સમિતિની ભલામણને આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં જ્યારે બીજેપીની સરકાર હતી ત્યારે તેમણે શરદ પવાર વર્ષો સુધી કેન્દ્રમાં પ્રધાન તેમ જ અનેક વખત રાજ્યના મુખ્ય પ્રધાન રહ્યા હોવા છતાં આવા વરિષ્ઠ નેતાને એક પાઇલટ કે એસ્કોર્ટ પણ નહોતી આપી.’

મારી સિક્યૉરિટી ઘટાડો: શરદ પવાર

આ બધા વચ્ચે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના સર્વેસર્વા શરદ પવારે ગઈ કાલે રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખને ફોન કરીને જરૂર ન હોય તો તેમની સિક્યૉરિટી ઘટાડવાની અપીલ કરી હતી.

maharashtra mumbai mumbai news shiv sena bharatiya janata party maharashtra navnirman sena