અઢી વર્ષમાં કેટલા લોકોનું પેટ ઠાર્યું? કેટલા લોકોને રોજગાર આપ્યો?

17 May, 2022 12:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને કર્યો નારાયણ રાણેએ પ્રશ્ન

નારાયણ રાણે

કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ ગઈ કાલે શિવસેના પ્રમુખ અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ અઢી વર્ષમાં રોજગાર નિર્માણ કરવાને બદલે મરાઠી યુવાનોને હાથમાં પથ્થર આપ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. દિશા સાલિયન, સુશાંત સિંહ રાજપૂત, જયા જાધવ અને રમેશ મોરેની હત્યા શા માટે કરવામાં આવી એનો જવાબ ન આપી શકતા ઉદ્ધવ ઠાકરેને મુખ્ય પ્રધાન કહેવામાં હવે શરમ આવે છે, એમ તેમણે કહ્યું હતું.

કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘હું ૩૯ વર્ષ શિવસેનામાં હતો. કોઈ પણ પદની અપેક્ષા ન રાખનારા એકમાત્ર નેતા બાળાસાહેબ હતા. હવે રાજ્યના મુખ્ય પ્રધાન શું અને કેવી ભાષા બોલી શકે છે એનો અંદાજ રાજ્યની જનતાને આવી ગયો છે. તમે અઢી વર્ષમાં કેટલા લોકોના પેટનો ખાડો પુર્યો? કેટલા લોકોને રોજગાર આપ્યો એ કહો.’
ઉદ્ધવ ઠાકરેની આકરી ટીકા કરતા નારાયણ રાણેએ કહ્યું હતું કે ‘બાળાસાહેબના પુત્ર તરીકે મુખ્ય પ્રધાન બન્યા. હિન્દુત્વ ટોપીમાં નહીં માથામાં હોય એમ તેમણે કહ્યું હતું. તો ૨૦૧૯માં તમારું હિન્દુત્વ ક્યાં ગયું હતું? હૃદયમાં રામ છે કે રાવણ? રામ કે રાવણ નહીં તેમની પાસે વિકૃત બુદ્ધિવાળા લોકો છે. દેવેન્દ્ર ફડણવીસના વજન વિશે બોલો છો, પણ તમારો ચહેરો અરીસામાં જુઓ.

અમારે તમને શું કહેવું જોઈએ?’
કેન્દ્રીય પ્રધાને અંતમાં કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મુન્નાભાઈ નથી ચાલતા પણ નવાબભાઈ ચાલે છે. કેમિકલ લોચો એ મુખ્ય પ્રધાનની સંસ્કારિક ભાષા. તેમને નવાબભાઈ ચાલે છે, કારણ કે તેના દાઉદ ઇબ્રાહિમ સાથે સંબંધ છે, પણ મરાઠીમાં મુન્નાભાઈ નામ હશે તો એ ચાલતું નથી.’

mumbai mumbai news narayan rane uddhav thackeray